
જયપુરઃ અહીં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આઇપીએલ (IPL-2025)ની મહત્ત્વની લીગ મૅચ છે જેમાં જીતનારી ટીમ પ્લે-ઑફના ટોચના બે સ્થાન (TOP-2)માં પ્રવેશ મેળવી લેશે. પ્લે-ઑફની ચાર ટીમમાંથી ટૉપ-2માં પહોંચાનારી બે ટીમ વચ્ચે ગુરુવાર, 29મી મેએ ક્વૉલિફાયર-વન મૅચ રમાશે જેમાં જીતનારી ટીમને સીધા ત્રીજી જૂનની ફાઇનલમાં જવા મળશે અને પરાજિત ટીમને ફાઇનલ માટે વધુ એક મોકો મળશે.
પ્લે-ઑફની ચાર ટીમની સ્થિતિ આ મુજબ છેઃ ગુજરાત (18 પૉઇન્ટ, +0.254નો રનરેટ), પંજાબ (17 પૉઇન્ટ, +0.327નો રનરેટ), બેંગલૂરુ (17 પૉઇન્ટ, +0.255નો રનરેટ) અને મુંબઈ (16 પૉઇન્ટ, +1.292નો રનરેટ).
મુંબઈને બેસ્ટ રનરેટનો વધુ લાભ
ગુજરાતની 14 લીગ મૅચ પૂરી થઈ ગઈ છે. મંગળવારે લખનઊ-બેંગલૂરુ વચ્ચે અંતિમ લીગ મૅચ રમાયા બાદ ગુરુવાર, 29મી મેએ પ્લે-ઑફ રાઉન્ડ શરૂ થશે. ટૉપ-ટૂના સ્થાન માટે પંજાબ કરતાં મુંબઈને વધુ ચાન્સ છે. કારણ એ છે કે પંજાબ કરતાં તો શું, બાકીની તમામ ટીમો કરતાં મુંબઈનો સૌથી ચડિયાતો રનરેટ (+1.292) છે.
જયપુરમાં બે સાઇડની બાઉન્ડરી લાઇન નજીક છે અને પિચ બૅટિંગ માટે વધુ અનુકૂળ હોવાથી આજે તોતિંગ સ્કોર્સ જોવા મળી શકે.
બુધવારે મુંબઈએ દિલ્હી સામે જીતીને પ્લે-ઑફમાં એન્ટ્રી કરી ત્યારે એવું લાગતું હતું કે ટૉપ-ટૂમાં આવવું મુંબઈ માટે મુશ્કેલ છે, પરંતુ હવે એ સંભાવના ઘણી વધી ગઈ છે.
ટૉપ-ટૂમાં જવું મુંબઈ માટે સહેલું
ગુજરાત તાજેતરમાં ઉપરાઉપરી બે મૅચ હારી હોવાથી તેમ જ પંજાબ અને બેંગલુરુની ટીમ એક-એક મૅચમાં પરાજિત થઈ હોવાથી મુંબઈ માટે ટૉપ-ટૂમાં પ્રવેશ કરવાનું સહેલું થઈ ગયું છે.
પંજાબની ટીમ 11 વર્ષે પ્લે-ઑફમાં પહોંચી છે અને આજે જીતશે તો ટૉપ-ટૂમાં જનારી આ સીઝનની પ્રથમ ટીમ બનશે.
મુંબઈ સાવ તળિયે અને હવે પ્લે-ઑફમાં…
હાર્દિક પંડ્યાએ 2024ની સીઝનના અંત ભાગથી અત્યાર સુધીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. 2024માં મુંબઈની ટીમ સાવ તળિયે રહી ગઈ હતી અને આ વખતે શરૂઆતમાં કેટલાક પરાજય જોયા બાદ લાગલગાટ છ વિજય મેળવીને મુંબઈએ પ્લે-ઑફમાં જમાવટ કરી છે.
મુંબઈનો અસરદાર બોલિંગ-બૅટિંગ પાવર
બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ, મિચલ સેન્ટનર અને ખુદ હાર્દિક પંડ્યા તેમ જ કર્ણ શર્મા તથા વિલ જેક્સ આ સીઝનમાં હરીફ ટીમો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. મુંબઈનો બૅટિંગમાં રોહિત શર્મા, વિકેટકીપર રાયન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, વિલ જેક્સ અને નમન ધીર પર સૌથી વધુ મદાર છે.
વિલ જેક્સ અને રોહિત પર સૌની નજર
બ્રિટિશ ઑફ-સ્પિનર વિલ જેક્સે મુંબઈને આ વખતે જે છ વિકેટ અપાવી છે એ તમામ છ બૅટ્સમેન લેફ્ટ હૅન્ડ હતા. આજે તે પ્રિયાંશ આર્ય અથવા નેહલ વઢેરાની વિકેટ અપાવી શકે. રોહિત શર્મા આ વખતે ચાર વખત પાવરપ્લેમાં લેફટ આર્મ સીમ બોલરની બોલિંગમાં આઉટ થયો છે. આજે તેને આઉટ કરવા માટે પંજાબ પાસે અર્શદીપ સિંહ અને માર્કો યેનસેન છે.
આપણ વાંચો: ભારતના રેસિંગ કાર ડ્રાઇવર કુશ મૈનીએ ઇતિહાસ રચ્યો
પંજાબના ઓપનર્સને કાબૂમાં રાખવા પડશે
મુંબઈના બોલર્સે પંજાબના બૅટ્સમેનોમાં ખાસ કરીને ઓપનર્સ પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરનને અંકુશમાં રાખવા પડશે તેમ જ કેપ્ટન શ્રેયસ ઐયર, નેહલ વઢેરા, માર્કસ સ્ટોઈનિસ અને શશાંક સિંહ સામે ચેતવું પડશે.
પંજાબની બોલિંગ પણ અસરદાર છે. યુઝવેન્દ્ર ચહલ કાંડાની ઈજાને લીધે આજે કદાચ ન પણ રમે, પરંતુ સ્પિનર હરપ્રીત બ્રાર, ફાસ્ટ બોલર માર્કો યેનસેન અને તાજેતરમાં જ પહેલી વાર ભારતની ટેસ્ટ ટીમમાં પ્રવેશ પામેલા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈના બૅટ્સમેનોને નડી શકે.
બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઇલેવન
મુંબઈ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા રાયન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સેન્ટનર, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બૉલ્ટ. 12મો પ્લેયર: કર્ણ શર્મા/ અશ્વની કુમાર.
પંજાબ: શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરપ્રીત બ્રાર, માર્કો યેનસેન અને અર્શદીપ સિંહ. 12મો પ્લેયર: પ્રવીણ દુબે.