IPL 2025

મુંબઈએ 163 રનનો સાધારણ લક્ષ્યાંક ખૂબ સંઘર્ષ કરીને મેળવ્યો

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં વાનખેડે (Wankhede)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને ચાર વિકેટે હરાવીને સતત બીજો અને આ સીઝનમાં સાત મૅચમાં ત્રીજો વિજય મેળવ્યો હતો. જોકે મુંબઈએ છેલ્લે સંઘર્ષ કરીને લક્ષ્યાંક મેળવ્યો હતો અને બહુમૂલ્ય બે પૉઇન્ટ મેળવ્યા હતા. એશાન મલિન્ગાની 18મી ઓવરમાં મુંબઈએ જીતવા માત્ર એક રન કરવાનો બાકી હતો ત્યારે હાર્દિક પંડ્યા (21 રન, નવ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને નમન ધીરે (0) વિકેટ ગુમાવી હતી. જીતવા માટે ફક્ત એક રન મેળવવા મુંબઈની ટીમે વલખાં મારવા પડ્યા હતા. છેવટે 19મી ઓવરના પ્રથમ બૉલમાં તિલક વર્મા (21 અણનમ, 17 બૉલ, બે ફોર)એ વિનિંગ ફોર ફટકારી હતી.

તળિયાની ટીમ હૈદરાબાદે 162 રન બનાવીને આપેલો 163 રનનો સાધારણ લક્ષ્યાંક મુંબઈએ 18.1 ઓવરમાં (11 બૉલ બાકી રાખીને) 166/6ના સ્કોર સાથે મેળવી લીધો હતો.

ઇંગ્લૅન્ડનો સ્પિન-ઑલરાઉન્ડર વિલ જૅક્સ (14 રનમાં બે વિકેટ અને 26 બૉલમાં બે સિક્સર, ત્રણ ફોરની મદદથી 36 રન) આ મૅચનો સુપરસ્ટાર હતો.

રોહિત શર્મા (26 રન) ફરી લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો. રિકલ્ટને 31 રન, સૂર્યકુમારે 26 રન કર્યા હતા.

હૈદરાબાદના બોલર્સમાં કૅપ્ટન પૅટ કમિન્સે સૌથી વધુ ત્રણ વિકેટ, એશાન મલિન્ગાએ બે તેમ જ હર્ષલ પટેલે એક વિકેટ લીધી હતી. શમી, રાહુલ ચાહર અને ઝીશાન અન્સારીને વિકેટ નહોતી મળી.
ગઈ સીઝનમાં સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર હૈદરાબાદની ટીમ આ વખતે સાત મૅચમાં પાંચ મૅચ હારી છે અને પૉઇન્ટ્સમાં હજી પણ તળિયે જ છે.

એ પહેલાં, હૈદરાબાદે બૅટિંગ મળ્યા પછી ધીમી શરૂઆત બાદ છેવટે 20 ઓવરમાં પાંચ વિકેટે જે 162 રન કર્યા હતા એમાં ઓપનર અભિષેક શર્માના 40 રન હાઇએસ્ટ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button