હાર્દિકને 24 લાખ રૂપિયાનો દંડ અને ગુજરાતના કોચ નેહરાની પચીસ ટકા મૅચ ફી કપાઈ…
મુંબઈના બાકીના ખેલાડીઓને છ-છ લાખ રૂપિયાનો `ચાંદલો'!

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે વરસાદના વિઘ્નો વચ્ચે ગુજરાત ટાઇટન્સ (GT) સામેના દિલધડક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો પરાજય થયો એના આઘાતમાંથી કૅપ્ટન હાર્દિક પંડ્યા હજી બહાર નહીં આવ્યો હોય ત્યાં તેને તગડો દંડ (FINE) કરવામાં આવ્યો હોવાના સમાચાર આવ્યા હતા. સ્લો ઓવર-રેટ (SLOW OVER RATE)ના ક્રિકેટલક્ષી ગુના બદલ તેને આ દંડ કરાયો છે. બીજી તરફ, જીટીના હેડ-કોચ આશિષ નેહરાએ ક્રિકેટની ભાવનાની વિરુદ્ધમાં વર્તન કર્યું એ બદલ તેની પચીસ ટકા મૅચ ફી કાપી લેવામાં આવી છે અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ પણ લખાયો છે.
હાર્દિકના નેતૃત્વમાં મુંબઈની ટીમ બીજી વાર ચોક્કસ સમયમાં નિર્ધારિત ઓવર પૂરી ન કરાવી શકી એને પગલે હાર્દિક સુકાની હોવા બદલ તેને 24 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. મુંબઈની ટીમના દરેક ખેલાડી (ઇમ્પૅક્ટ પ્લેયર કર્ણ શર્મા સહિત)ને છ લાખ રૂપિયા અથવા મૅચ ફીની પચીસ ટકા રકમ (બેમાંથી જે ઓછી હોય એ)નો દંડ કરવામાં આવ્યો હતો.
વર્તમાન આઇપીએલ (IPL-2025)માં જેમને સ્લો ઓવર-રેટનો દંડ કરવામાં આવ્યો હોય એવા કૅપ્ટનોમાં હાર્દિક એકલો નથી. રિષભ પંત, શુભમન ગિલ, અક્ષર પટેલ, સંજુ સૅમસન, રજત પાટીદાર અને રિયાન પરાગને પણ દંડ થઈ ચૂક્યો છે.
નેહરાને કયા કારણસર દંડ કરવામાં આવ્યો છે એ તો જાહેર નહોતું કરાયું, પણ વરસાદના વિઘ્ન બાદ તે ઇચ્છતો હતો કે અમ્પાયરો જલદી રમત શરૂ કરાવે અને કદાચ એ વર્તન બદલ તેને દંડ થયો હતો.