મુંબઈએ બૅટિંગ લીધીઃ બેરસ્ટૉ-ગ્લીસનના ડેબ્યૂ, રાજ બાવા પણ ઇલેવનમાં…

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આજે ગુજરાત ટાઇટન્સ (GT) સામે આઇપીએલ (IPL-2025)ના પ્લે-ઑફના એલિમિનેટરમાં ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતના સુકાની શુભમન ગિલે સિક્કો ઉછાળ્યો હતો, મુંબઈના સુકાની હાર્દિક પંડ્યાએ હેડ્સ’નો કૉલ આપ્યો હતો અને તેનું સાચું પડતાં તેણે બૅટિંગ લીધી હતી.
મુંબઈની ટીમમાંથી સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટ્સમૅન રાયન રિકલ્ટને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં રમવા આઇપીએલમાંથી વિદાય લીધી હોવાથી તેના સ્થાને ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉની બેરસ્ટૉને પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. બેરસ્ટૉ ઉપરાંત ઇંગ્લૅન્ડના જ ફાસ્ટ બોલર રિચર્ડ ગ્લીસનને પણ મુંબઈ ઇન્ડિયન્સ વતી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે.
મુંબઈની ટીમમાં રાજ બાવાને પણ સામેલ કરાયો છે. ગુજરાતની ટીમમાંથી જૉસ બટલરે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં રમવા આઇપીએલની આ સીઝનમાંથી એક્ઝિટ કરી છે અને તેના સ્થાને ગુજરાતે શ્રીલંકાના કુસાલ મેન્ડિસને ટીમમાં સમાવ્યો છે. અર્શદ ખાનના સ્થાને વૉશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે. હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી કહ્યું હતું કે આ બહુ મોટી મૅચ છે અને એમાં અમારે પુષ્કળ રન કરવા છે. અમે છેલ્લી તમામ નવ મૅચ નૉકઆઉટ તરીકે જ રમ્યા છીએ. જોકે આ નૉકઆઉટ મૅચને અમે નૉર્મલ ગેમ તરીકે ગણીને રમીશું.’
બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવનઃ
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, જૉની બેરસ્ટૉ (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, રાજ બાવા, મિચલ સૅન્ટનર, ટ્રેન્ટ બૉલ્ટ, જસપ્રીત બુમરાહ અને રિચર્ડ ગ્લીસન. ઇમ્પૅક્ટ પ્લેયર તરીકેના વિકલ્પોઃ ક્રિષ્નન શ્રીજીથ, રઘુ શર્મા, રૉબિન મિન્ઝ, અશ્વની કુમાર, રીસ ટૉપ્લી.
ગુજરાતઃ શુભમન ગિલ (કૅપ્ટન), બી. સાઇ સુદર્શન, કુસાલ મેન્ડિસ (વિકેટકીપર), એમ. શાહરુખ ખાન, વૉશિંગ્ટન સુંદર, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, આર. સાઇ કિશોર, જેરાલ્ડ કૉએટઝી, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ શેરફેન રુધરફર્ડ, અનુજ રાવત, મહિપાલ લૉમરૉર, જયંત યાદવ, અર્શદ ખાન.