IPL 2025

મુંબઈ ઇન્ડિયન્સથી ગુજરાત ટાઇટન્સ 3-2થી આગળ, થોડી જ વારમાં નવી ટક્કર શરૂ

બન્ને ટીમમાં કોના છે સૌથી વધુ રન અને કોની હાઇએસ્ટ વિકેટ?

અમદાવાદઃ આઇપીએલ (IPL 2025)માં આજે અહીં (સાંજે 7.30 વાગ્યાથી) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રોમાંચક મુકાબલો છે જેના આરંભની ઘડીઓ ગણાઈ રહી છે. શુભમન ગિલ (Shubhman Gill) જીટીનો સુકાની છે, જ્યારે એમઆઇનો સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેની આ ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમ સામે રમીને આ વખતની ટૂર્નામેન્ટમાં કમબૅક કરી રહ્યો છે.

જીટીની ટીમે 2022માં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એમઆઇ સામે એની પાંચ મૅચ રમાઈ છે જેમાં થી ત્રણ જીટીએ અને બે એમઆઇએ જીતી છે.

આ પણ વાંચો: શરૂઆતમાં બુમરાહની ગેરહાજરીઃ મુંબઈ ઇન્ડિયન્સના હેડ-કોચ જયવર્દનેએ કહ્યું કે…

છેલ્લે 2024માં એમઆઇ-જીટી વચ્ચે અમદાવાદમાં જ ટક્કર થઈ હતી જેમાં જીટીનો છ રનથી વિજય થયો હતો.
બીજી રીતે જોઈએ તો જીટીની ટીમ અમદાવાદના હોમ-ગ્રાઉન્ડમાં 17 મૅચ રમી છે જેમાં નવ મૅચમાં એનો વિજય અને આઠ મૅચમાં પરાજય થયો છે.

  • જીટીનો હાઇએસ્ટ સ્કોર (233/3) 2023ની સાલમાં એમઆઇ સામે નોંધાયો હતો.
  • જીટીનો 89/10 લોએસ્ટ સ્કોર છે જે 2024માં દિલ્હી કૅપિટલ્સ સામે જોવા મળ્યો હતો.

જીટી-એમઆઇ વચ્ચેની પાંચ મૅચમાં સૌથી વધુ રન જીટીના કૅપ્ટન શુભમન ગિલે કર્યા છે. તેણે આ પાંચ મૅચમાં 170.18ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા છે. તેણે આ પાંચ મૅચમાં કુલ 274 રન બનાવ્યા છે અને એમાં 129 રન તેનો હાઇએસ્ટ સ્કોર રહ્યો છે. આ યાદીમાં એમઆઇનો સૂર્યકુમાર યાદવ 200 રન સાથે બીજા નંબરે અને રોહિત શર્મા 125 રન સાથે ત્રીજા નંબરે છે.

બન્ને ટીમ વચ્ચેની મૅચોમાં જીટીનો રાશિદ ખાન 10 વિકેટ સાથે મોખરે છે. તેની જ ટીમ વતી રમી ચૂકેલા મોહિત શર્માની પણ 10 વિકેટ છે, જ્યારે એમઆઇ વતી રમી ચૂકેલો પીયૂષ ચાવલા છ વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button