રોહિત, તિલક, સૂર્યાએ મજાકમાં કોને ટિંગાટોળી કરીને સ્વિમિંગ-પૂલમાં ફેંકી દીધો?

અમદાવાદઃ રવિવારે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે આઈપીએલ (IPL 2025)માં પોતાની પહેલી મૅચમાં પરાજિત થનાર પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ શનિવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે બીજી મૅચ રમે એ પહેલાં ટીમની હોટેલમાં એમઆઇના કેટલાક ખેલાડીઓ મસ્તી-મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. એમઆઇના ત્રણ ખેલાડીઓ મજાકમાં એક શખસને (સ્વાભાવિક રીતે ટીમ સાથે જ સંકળાયેલી કોઈ વ્યક્તિને) સ્વિમિંગ-પૂલ (Swimming pool)માં ફેંકી રહેલા જોવા મળ્યા હતા અને એનો વીડિયો વાઇરલ થયો હતો.
શનિવારે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એમઆઇ-જીટી વચ્ચેની મૅચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
આ પણ વાંચો: જુઓ તો ખરા! પ્રિન્સ યાદવે ટ્રૅવિસ હેડના સ્ટમ્પ ઉખાડી નાખ્યા
રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ભેગા થઈને એ વ્યક્તિની ટિંગાટોળી કરીને તેને સ્વિમિંગ-પૂલની નજીક લઈ જઈને તેને પાણીમાં ફેંક્યો હતો. ત્યારે આ ત્રણેય મજાકિયા ખેલાડીઓ સાથે એક સિક્યૉરિટી ગાર્ડ પણ હતો.
વાઇરલ થયેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણેય ખેલાડીએ જે શખસને ઉપાડીને સ્વિમિંગ-પૂલમાં ફેંક્યો હતો એ મુંબઈ ઇન્ડિયન્સના સોશિયલ મીડિયાનો ઍડમિન હતો.
23મી માર્ચે ચેન્નઈ સામેની મૅચમાં એમઆઇની ટીમે નિષ્ફળ બૅટિંગને કારણે પરાજય જોવો પડ્યો હતો. રોહિત ઝીરોમાં આઉટ થઈ ગયો હતો, જ્યારે તિલક વર્માએ 31 રન અને સૂર્યકુમારે 29 રન બનાવ્યા હતા.
એમઆઇની ટીમ નવ વિકેટે 155 રન બનાવી શકી હતી. સીએસકેએ 19.1 ઓવરમાં છ વિકેટે 158 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.