IPL 2025: પ્લેઓફમાં MI એન્ટ્રી, પણ શેડ્યૂલ હજુ અસ્પષ્ટ? Top-2 માં રહેવા લડાઈ જામશે…

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. ગઈ કાલે રમાયેલી સીઝનની 63મી મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ(MI)એ દિલ્હી કેપિટલ્સ(DC) સામે 59 રનથી જીત મળેવી, આ સાથે જ MI સિઝનના પ્લેઓફમાં સ્થાન મેળવનારી ચોથી ટીમ બની ગઈ. ગઈ કાલે હાર બાદ DC પ્લેઓફની રેસમથી બહાર રહી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા ગુજરાત ટાઇટન્સ(GT), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને પંજાબ કિંગ્સ(PBKS) પ્લેઓફમાં પ્રવેશ કરી ચૂકી છે. જોકે, પ્લેઓફ શેડ્યૂલ સ્પષ્ટ થઈ શક્યું નથી.

DC આ સિઝનના પ્લેઓફની રેસમાંથી બહાર થનારી છઠ્ઠી ટીમ બની છે, જ્યારે આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ(CSK), રાજસ્થાન રોયલ્સ(RR), સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH), લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) અને કોલકાતા નાઈટ રાઇડર્સ(KKR) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચુકી છે. પ્લેઓફની રેસમાંથી બહાર થયેલી રાજસ્થાન રોયલ્સ સિવાયની અન્ય 5 ટીમોની કેટલીક મેચ બાકી છે અને તેથી તેમની પાસે પોઈન્ટ્સમાં સુધારો કરવાની તક છે.
હવે ટોપ-2 માટેની લડાઈ:
પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સને પાસે લીગ સ્ટેજમાં હજુ એક મેચ રમવાની બાકી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પાસે 2-2 મેચ રમવાની બાકી છે. MI છેલ્લી મેચ જીતીને મહત્તમ 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, પરંતુ GT પાસે 22 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે અને પંજાબ અને દિલ્હી પાસે મહત્તમ 21-21 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે.
ટોપ-2માં રહેવું કેમ જરૂરી?
નોંધનીય છે કે ટોચ પર રહેનારી બે ટીમો ક્વોલિફાયર-1માં એક બીજા સામે રમશે, જેમાં જીતનારી ટીમને સીધો ફાઈનલમાં પ્રવેશ મળે છે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર-2માં હજુ એક તક મળે છે. ત્રીજા અને ચોથા સ્થાન પર રહેનાર ટીમો એલિમિનેટરમાં એક બીજા સામે રમે છે, જેમાં હારનાર ટીમ બહાર થઇ જાય છે, જ્યારે જીતનાર ટીમ ક્વોલિફાયર-1માં હરનારી ટીમ સામે ક્વોલિફાયર-2માં રમશે.
ક્વોલિફાયર-2માં હારનાર ટીમ બહાર થઇ જશે, જ્યારે જીત મેળવનાર ટીમ ક્વોલિફાયર-1માં વિજેતા ટીમ સામે ફાઈનલ મેચ રમશે. આમ ટોચની 2 ટીમમાં રહેવું ખુબ ફાયદાકારક છે, એટલા માટે પ્લે ઓફમાં સ્થાન પામેલી ચારેય ટીમ બાકીની મેચો જીતવા પ્રયત્નો કરશે.
હાલમાં આ બે ટીમ ટોચ પર:
હાલ પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ 18 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે RCB 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. RCB અને PBKSના પોઈન્ટ સરખા જ છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે RCB આગળ છે.
પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી ટીમોની લીગ મેચોનું શેડ્યૂલ:
ગુજરાત ટાઇટન્સ-લખનઉ સુપર જાયન્ટ્સ (22 મે), ચેન્નઈ સુપર કિંગ્સ (25 મે)
પંજાબ કિંગ્સ – દિલ્હી કેપિટલ્સ (24 મે) અને મુંબઈ ઇન્ડિયન્સ (26 મે)
મુંબઈ ઈન્ડિયન્સ- પંજાબ કિંગ્સ (26 મે)