મુંબઈએ લખનઊની ટીમને 54 રનથી કચડી નાખી
બુમરાહનો વિક્રમી ચોક્કો, મુંબઈનો પાંચમો પાવર પંચ: સૂર્યકુમારે `ઑરેન્જ કૅપ' મેળવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે અહીં આજે વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં હજારો એમઆઇ-તરફી બાળકોને ખુશ કરી દીધા હતા. હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને 54 રનના તોતિંગ માર્જિનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં (દિલ્હી-બેંગલૂરુની રવિવાર રાતની મૅચ પહેલાં) બીજું સ્થાન મેળવી લીધું હતું.
બૅટિંગમાં `નસીબવંતા’ ઓપનર રાયન રિકલ્ટન (58 રન, 32 બૉલ, ચાર સિક્સર, છ ફોર) તેમ જ સૂર્યકુમાર યાદવે (54 રન, 28 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) આતશબાજીથી વાનખેડે ગજવી નાખ્યું હતું તો પછીથી જસપ્રીત બુમરાહ (4-0-22-4)એ વિક્રમજનક પર્ફોર્મન્સથી તરખાટ મચાવ્યો હતો. બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ વતી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. મુંબઈની ટીમ લાગલગાટ પાંચમી મૅચ જીતી છે. સૂર્યકુમારે આ મૅચમાં આ સીઝનમાં કુલ 427 રન સાથે તમામ બૅટ્સમેનમાં મોખરાનું સ્થાન મેળવીને ઑરેન્જ કૅપ હાંસલ કરી હતી. જોકે ત્યારે બેંગલૂરુનો વિરાટ કોહલી (392 રન) તેનાથી બહુ દૂર નહોતો.
આ પણ વાંચો: IPL 2025: લખનઉને જીતવા માટે મુંબઈ ઈન્ડિયન્સે આપ્યો 216 રનનો લક્ષ્યાંક
એક તરફ પાંચ ટાઇટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમ 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં ફક્ત ચાર પૉઇન્ટ સાથે સાવ તળિયે છે, જ્યારે પાંચ ટ્રોફી મેળવનાર મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત પાંચ મૅચ જીતીને 12 પૉઇન્ટ સાથે ટૉપ-ફોરમાં આવી ગઈ છે.
પાવરપ્લેમાં મુંબઈનો સુપરહિટ શૉ
મુંબઈએ પાવરપ્લેની પહેલી છ ઓવરમાં એકમાત્ર રોહિત શર્મા (12 રન, પાંચ બૉલ, બે સિક્સર)ની વિકેટ ગુમાવીને 66 રન ખડકી દીધા હતા અને એમાં સૌથી મોટું યોગદાન રાયન રિકલ્ટનનું હતું. તે ફક્ત પાંચ રન પર હતો ત્યારે રનઆઉટમાં તેને માર્કરમના હાથે જીવતદાન મળ્યું હતું જેનો ફાયદો લઈને તેણે આ સીઝનમાં બીજી હાફ સેન્ચુરી નોંધાવી હતી. આ પહેલાં, વાનખેડેમાં જ તેણે કોલકાતા સામે મૅચ-વિનિંગ અણનમ 62 રન કર્યા હતા.
આ પણ વાંચો: MI VS LSG: લખનઉએ ટોસ જીતીને બોલિંગ લીધી, મુંબઈએ રોહિત શર્માની વિકેટ ગુમાવી
બુમરાહ થયો મલિન્ગાથી આગળ

બુમરાહના નામે હવે 174 વિકેટ છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ વતી સૌથી વધુ વિકેટ લેનાર લસિથ મલિન્ગાનો 170 વિકેટનો વિક્રમ તોડી નાખ્યો છે. હરભજન સિંહ 127 વિકેટ સાથે ત્રીજા નંબરે છે.
છેલ્લા ચારેય બૅટ્સમેન ક્લીન બોલ્ડ
મુંબઈની મૅચ હોય અને અસાધારણ ન બને આવું બને જ નહીં. થોડા દિવસ પહેલાં મુંબઈ સામે દિલ્હી કૅપિટલ્સના છેલ્લા ત્રણેય બૅટ્સમૅન રનઆઉટ થઈ જતાં મુંબઈનો અત્યંત રોમાંચક સ્થિતિમાં વિજય થયો હતો. આજે વાનખેડેમાં લખનઊના છેલ્લા ચારેય બૅટ્સમેન ક્લીન બોલ્ડમાં વિકેટ ગુમાવી બેઠા હતા. એમાંથી બે ક્લીન બોલ્ડ બુમરાહની બોલિંગમાં થયા હતા. તેણે ઓવરના છેલ્લા બે બૉલમાં અબ્દુલ સમદ (બે રન) તથા આવેશ ખાન (0)ને ક્લીન બોલ્ડ કર્યા હતા. એ પહેલાં એઇડન માર્કરમ (નવ રન) તથા ડેવિડ મિલર (24 રન)ને કૅચઆઉટ કરાવ્યા હતા. એ રીતે બુમરાહે આ સીઝનમાં પહેલી વાર ચાર વિકેટની સિદ્ધિ મેળવી.
આ પણ વાંચો: વાનખેડેમાં આજે મુંબઈ માટે આબરૂનો સવાલ: લખનઊને હૅટ-ટ્રિક વિજયથી વંચિત રાખવાનું જ છે…
છેલ્લા ચારમાંથી ક્લીન બોલ્ડમાં એક વિકેટ પહેલી જ વાર રમેલા કૉર્બિન બૉશ્ચે અને એક વિકેટ ટ્રેન્ટ બૉલ્ટે લીધી હતી. એકંદરે મુંબઈના બોલર્સમાં ફાસ્ટ બોલર બૉલ્ટ ત્રણ વિકેટ લઈને બુમરાહ પછીનો બીજો સફળ બોલર બન્યો હતો, જ્યારે સ્પિનર વિલ જૅક્સે બે વિકેટ લીધી હતી.
215/7ના જવાબમાં 161/10
મુંબઈની ટીમે રવિવારે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 215 રન કર્યા હતા જેમાં રિકલ્ટન અને સૂર્યા ઉપરાંત નમન ધીર (પચીસ અણનમ, 11 બૉલ, બે સિક્સર, બે ફોર) અને પહેલી જ વાર રમેલા કૉર્બિન બૉશ્ચ (20 રન, 10 બૉલ, એક સિક્સર, બે ફોર)ના યોગદાન પણ હતા. લગ્ન વતી મયંક યાદવ અને આવેશ ખાને બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી અને રવિ બિશ્નોઈને મળી હતી.
લખનઊની ટીમ 20 ઓવરમાં 161 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.
લખનઊની બૅટિંગ સદંતર ફ્લૉપ
216 રનના લક્ષ્યાંક સામે લખનઊનો એકેય બૅટ્સમૅન 40 રન પણ નહોતો કરી શક્યો. આયુષ બદોનીના 35 રન ટીમમાં હાઇએસ્ટ હતા, જ્યારે મિચલ માર્શે 34 રન કર્યા હતા. નિકોલસ પૂરન (27 રન, 15 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)એ ટૂંકી ઇનિંગ્સમાં થોડી આતશબાજી કરી હતી, પરંતુ વિલ જૅક્સે તેને સૂર્યકુમાર યાદવના હાથમાં કૅચઆઉટ કરાવીને વહેલો પૅવિલિયન ભેગો કરી દીધો હતો. કૅપ્ટન રિષભ પંત (ચાર રન) ફરી એક વાર બૅટિંગમાં નિષ્ફળ રહ્યો. ઓપનર એઇડન માર્કરમ (નવ રન) પણ અપેક્ષા જેવું જરાય ન રમ્યો. તેની અને માર્શ વચ્ચેની ફક્ત 18 રનની ભાગીદારી થઈ ત્યાં જ લખનઊની ટીમે 50 ટકા હાર સ્વીકારી લીધી હતી.
વિલ જૅક્સ શા માટે મૅન ઑફ ધ મૅચ
ઇંગ્લૅન્ડનો 26 વર્ષીય સ્પિન-ઑલરાઉન્ડર વિલ જૅક્સ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો. તેણે પહેલાં તો 21 બૉલમાં એક સિક્સર, ત્રણ ફોરની મદદથી 29 રન કરીને રિકલ્ટન સાથે બીજી વિકેટ માટે પંચાવન રનની ભાગીદારી કરી હતી અને ત્યાર બાદ બે મહત્ત્વની વિકેટ પણ લીધી હતી. તેણે એક જ ઓવરમાં સૌથી ખતરારૂપ બૅટ્સમૅન નિકોલસ પૂરન (27 રન) અને રિષભ પંત (ચાર રન)ને આઉટ કર્યા હતા અને ટીમમાં સૌથી વધુ 35 રન કરનાર બદોનીનો કૅચ પણ ઝીલ્યો હતો.
પૉઇન્ટ્સના ટૉપ-ફોરમાં અફરાતફરી
પૉઇન્ટ્સમાં મુંબઈ 12 પૉઇન્ટ તથા +0.889ના રનરેટ સાથે બીજા સ્થાને આવી ગયું હતું, જ્યારે ગુજરાત ટાઇટન્સ (12 પૉઇન્ટ, +1.104નો રનરેટ) પ્રથમ ક્રમે હતું. જોકે આ પૉઇન્ટ-સ્થિતિ દિલ્હી-બેંગલૂરુની રવિવારની રાતની મૅચ પહેલાંની હતી. ત્યારે દિલ્હી કૅપિટલ્સની ટીમ 12 પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમે અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુની ટીમ રનરેટના તફાવતને કારણે 12 પૉઇન્ટ સાથે ચોથા નંબરે હતી.