વાનખેડેમાં આજે મુંબઈ-બેંગલૂરુ વચ્ચે ટક્કરઃ બન્ને ટીમમાં અનેક મૅચ-વિનર છે

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે વાનખેડે સ્ટેડિયમ (Wankhede stadium)માં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ 2015ની સાલથી માંડીને અત્યાર સુધીમાં જીતી નથી શકી, પરંતુ આજે (સાંજે 7.30 વાગ્યાથી) થનારા મુકાબલામાં અણધાર્યું પરિણામ આવી શકે, કારણકે બન્ને ટીમમાં અનેક મૅચ-વિનિંગ ખેલાડીઓ છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના સુકાનમાં એમઆઇની ટીમ આ વખતે સારું પર્ફોર્મ નથી કરી રહી. ચારમાંથી ત્રણ મૅચ હારી ચૂકી છે અને પૉઇન્ટ્સ-ટેબલમાં છેક આઠમા સ્થાને છે. આરસીબીની ટીમ ત્રીજા ક્રમે છે, પરંતુ છેલ્લી મૅચ (ગુજરાત ટાઇટન્સ સામે આઠ વિકેટે) હારીને મુંબઈ આવી છે.
હાર્દિકના સુકાનમાં એમઆઇની ટીમે ચોથી એપ્રિલે લખનઊ સામે હાથમાં આવી રહેલી બાજી ગુમાવી દીધી હતી. હાર્દિક એમઆઇ માટે આ વખતે ખાસ કંઈ નથી કરી શક્યો. બીજી બાજુ, આરસીબી નવા કૅપ્ટન રજત પાટીદાર (Rajat Patidar)ના સુકાનમાં ત્રણમાંથી બે મૅચ જીતી છે.
આ પણ વાંચો: આરસીબીને વાનખેડેમાં 10 વર્ષે ફરી જીતવું છે, પણ બુમરાહ પાછો આવી ગયો છે…
હેડ-ટુ-હેડ મુકાબલામાં એમઆઇનો હાથ થોડો ઉપર છે. કુલ 33 મુકાબલામાંથી 19માં એમઆઇનો અને 14માં આરસીબીનો વિજય થયો છે. જોકે 2022થી માંડીને અત્યાર સુધીમાં બન્ને ટીમ કુલ ચાર મૅચમાં બે-બે મૅચ જીતી છે.
વાનખેડેમાં આરસીબી માટે કપરા ચઢાણ
વાનખેડેમાં આરસીબીનો રેકૉર્ડ જરાય સારો નથી. એક તો 2015ની સાલ બાદ આરસીબીને વાનખેડેમાં એક પણ વિજય નથી મળી શક્યો, આ ગ્રાઉન્ડ પર આરસીબી સામે એમઆઇ 8-3થી આગળ છે. એમઆઇને ઘરઆંગણે રમવાનો ફાયદો મળી શકે. જોકે ટૉસ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે.
વાનખેડેની પિચ શું કહે છે?
આજે એમઆઇ-આરસીબી વચ્ચેની `કાંટે કી ટક્કર’માં હાઇ-સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે. કારણકે વાનખેડે મોટા ભાગે બૅટ્સમેન માટે સ્વર્ગ માનવામાં આવે છે. આ મેદાન પર લક્ષ્યાંક ચેઝ કરવો વધુ સારો માનવામાં આવે છે. એ જોતાં, અહીં ટૉસ જીતનારી ટીમ પહેલાં ફીલ્ડિંગ લેવાનું વધુ પસંદ કરે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જૅક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયર વિજ્ઞેશ પુથુર.
બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, દેવદત્ત પડિક્કલ, લિઆમ લિવિંગસ્ટન, કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ. 12મો પ્લેયર રસિખ સલામ/સુયશ શર્મા.