
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન કર્યાં હતા.
બે ‘નસીબવાન’ બૅટ્સમેન વિલ જેક્સ (53 રન, 35 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને સૂર્યકુમાર યાદવ (35 રન, 24 બૉલ, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 43 બૉલમાં 71 રનની ભાગીદારી થઈ હતી જે આ ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતું.
જેક્સને શૂન્ય પર અને 29 રનના તેના સ્કોર પર જીવતદાન મળ્યું હતું. સૂર્યકુમાર 10 રને હતો ત્યારે સાઈ કિશોરથી તેનો કૅચ ડ્રોપ થયો હતો. આ ત્રણ કૅચ છૂટતાં કોચ આશિષ નેહરા ગુજરાતના ફીલ્ડર્સ પર ગુસ્સે થયો હતો.
સૂર્યાની વિકેટ સાઈ કિશોરે અને જેક્સની રાશીદ ખાને લીધી હતી.
ઉલ્લેખનીય છે કે સૂર્યા 10 રન પર હતો ત્યારે સાઈ કિશોરથી જ તેનો કૅચ છૂટી ગયો હતો અને તેણે જ છેવટે તેને આઉટ કર્યો.
સૂર્યાની બે મોટી સિદ્ધિ:
જોકે એ પહેલાં, સૂર્યાએ બે મોટી સિદ્ધિ મેળવી હતી. તે ફરી વાર આ સીઝનના બેટ્સમેનમાં નંબર વન થયો હતો. સૂર્યાએ 510 રન બદલ વિરાટ કોહલી (505 રન)ને પાછળ રાખી દીધો હતો અને ઓરેન્જ કૅપ મેળવી હતી. જોકે એ વખતે ગુજરાતનો સાઈ સુદર્શન (504), બટલર (470) અને શુભમન ગિલ (465) ઓરેન્જ કૅપથી બહુ દૂર નહોતા.
સૂર્યાએ આ સીઝનમાં લાગલગાટ 12મી વાર પચીસ-પ્લસ રન કર્યાં હતા જે આઈપીએલ (ipl)માં વિક્રમ છે. જોકે ટી-20માં આ પ્રકારના રેકોર્ડમાં ટેમ્બા બવૂમા 13 પચીસ-પ્લસ સ્કોર સાથે મોખરે છે.
મિડલ ઑર્ડર તૂટી પડ્યો:
મુંબઈના ઓપનર્સ રાયન રિકલ્ટન (2) અને રોહિત શર્મા (7) સસ્તામાં આઉટ થયા હતા. તિલક વર્મા (7), હાર્દિક પંડ્યા (1) અને નમન ધીર (7) પણ વહેલાં આઉટ થઈ ગયા હતા.
મુંબઈએ રિકલ્ટન અને રોહિતની વિકેટ માત્ર 26 રનમાં ગુમાવી હતી, પણ જેક્સ-સૂર્યાની ભાગીદારી બાદ મિડલ ઑર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો.
યજમાન મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ રનનો ઢગલો કરવામાં તેઓ નિષ્ફ્ળ ગયા હતા.
બોલિંગે ગુજરાતની લાજ રાખી:
ગુજરાતની ફીલ્ડિંગ નબળી હતી, છતાં બોલિંગે પ્રવાસી ટીમની લાજ રાખી હતી.
તમામ છ બોલરને વિકેટ મળી હતી: સાઈ કિશોરને બે વિકેટ તથા સિરાજ, ક્રિષ્ના, રાશીદ, અર્શદ ખાન અને કોએટઝીને એક-એક વિકેટ મળી હતી.
આ પણ વાંચો `જમાઇ’ ધોની બુધવારે છેલ્લી વાર કોલકાતામાં રમશે?
કોર્બીનને લમણામાં બૉલ વાગ્યો
સાઉથ આફ્રિકાના 30 વર્ષીય ઑલરાઉન્ડર કોર્બીન બૉશ્ચ (27 રન, 22 બૉલ, બે સિક્સર, એક ફોર)એ રાશીદ અને બટલરના હાથે રનઆઉટમાં વિકેટ ગુમાવી એ પહેલાં તેને ક્રિષ્નાનો બૉલ લમણામાં વાગ્યો હતો. જોકે તેને ગંભીર ઈજા નહોતી થઈ. વિકેટ પડતા પહેલાં તેણે રિવર્સ સ્વીપમાં અદ્ભૂત સિક્સર ફટકારી હતી.
ગુજરાતની ટીમમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને અર્શદ ખાનનો સમાવેશ કરાયો હતો. ડ્રગ્સ સંબંધિત સસ્પેન્શન પૂરું કરીને મુંબઈ પાછા આવેલા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને આ મૅચમાં રમાડવામાં આવશે એવી સોમવારે પાકી સંભાવના હતી, પરંતુ કૅપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે ` રબાડાને હજી બે પ્રૅક્ટિસ-સેશનની જરૂર છે અને ત્યાર પછી જ તેને ઇલેવનમાં સમાવવામાં આવશે.’
છેલ્લી તમામ છ મૅચ જીતનાર મુંબઈની ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.