આઇપીએલ ચાલુ રહેશે, પણ મુંબઈની આ મૅચ વિશે થયો ફેરફાર…

મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી જતાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની રવિવાર, 11મી મેની (બપોરે 3.30 વાગ્યાની) મૅચ હિમાચલ પ્રદેશના ધરમશાલામાંથી ખસેડીને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાખવામાં આવશે, એવો અહેવાલ મળ્યો હતો. એ સિવાય, હાલના તબક્કે આઇપીએલ (IPL-2025) ટૂર્નામેન્ટ ચાલુ રહેશે.
બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં હિન્દુઓને લક્ષ્યાંક બનાવીને કરવામાં આવેલા ઘાતક હુમલામાં 28 જણ શહીદ થઈ ગયા હતા. આ ઘટનાના જવાબમાં 15 દિવસે ભારતે આકરું પગલું ભર્યું અને મંગળવાર મધરાત પછી ભારતના હવાઈ દળ, ભૂમિ દળ અને નૌકા દળ દ્વારા સંયુક્ત રીતે ઍક્શન લેવામાં આવ્યું જેમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપતા મથકો પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.
દેશની સરહદ પર ભારે તંગદિલી છે અને પાકિસ્તાન ગમે ત્યારે વળતો હુમલો કરી શકે એવી સંભાવના વચ્ચે આઇપીએલની વર્તમાન 18મી સીઝન ચાલુ રાખવામાં આવશે કે કેમ એ વિશે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે. જોકે બીસીસીઆઇ (BCCI) સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે આ સ્પર્ધા હાલના તબક્કે યોજના મુજબ ચાલુ રહેશે. એ. એન. આઇ.ના અહેવાલ મુજબ બીસીસીઆઇનું એવું માનવું છે કે હાલના તબક્કે આઇપીએલના આયોજન બાબતમાં કોઈ મોટો ફેરફાર કરવાની જરૂર નથી. જોકે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું ચાલુ રાખવામાં આવશે અને દેશના હિતમાં જે કંઈ નિર્ણય લેવામાં આવશે એને અપનાવીને બીસીસીઆઇ સરકાર અને રાષ્ટ્રની પડખે રહેશે.