IPL 2025

બે મિનિટનું મૌન, હાથ પર કાળી પટ્ટી, સંગીતનો જલસો નહીં, ફટાકડા પણ નહીં અને ચિયરલીડર્સના પર્ફોર્મન્સ પણ રદ…

બીસીસીઆઇની સૂચના મુજબ પહલગામના શહીદોને હૈદરાબાદના મેદાન પર ભાવભરી અંજલિ અપાઈ

હૈદરાબાદઃ કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા લોકોને અંજલિ આપવા બુધવારે અહીં હૈદરાબાદમાં ઉપ્પલ ખાતેના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મૅચ શરૂ થતાં પહેલાં તમામ ખેલાડીઓ, અમ્પાયરો તેમ જ અધિકારીઓએ મેદાન પર બે મિનિટનું મૌન (SILENCE) પાળ્યું હતું. હજારો પ્રેક્ષકોએ પણ એ જ સમયે શહીદોને અંજલિ આપવા મૌન પાળ્યું હતું.

ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી (BLACK ARM BANDS) પહેરીને રમ્યા હતા. બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ અગાઉથી જ જાહેરાત કરી હતી કે આ મૅચના આરંભ પહેલાં પહલગામના મૃતકોને અંજલિ આપવામાં આવશે.
ક્રિકેટ બોર્ડની સૂચના મુજબ આ મૅચમાં સંગીતનો જલસો નહોતો રાખવામાં આવ્યો, ફટાકડા પણ નહોતા ફોડવામાં આવ્યા અને ચિયરલીડર્સના સ્ટેજ-પર્ફોર્મન્સ પણ રદ કરવામાં આવ્યા હતા. એ પહેલાં, મીડિયામાં બીસીસીઆઇએ પહલગામની આતંકી ઘટનાને કડક શબ્દોમાં વખોડી હતી.

એમઆઇના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ અને એસઆરએચના સુકાની પૅટ કમિન્સે પણ આતંકવાદી હુમલાને વખોડતા નિવેદનો કર્યા હતા. મૅચની શરૂઆત પહેલાં રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી ત્યાર બાદ ખેલાડીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.
બૅટ્સમેનોની દરેક બાઉન્ડરી વખતે હજારો પ્રેક્ષકોની બૂમો સંભળાતી હતી. સાઇટસ્ક્રીન પર લખવામાં આવ્યું હતું કે `ચાલો, આપણે સૌ શાંતિ જાળવીએ અને માનવતાનું સન્માન કરીએ.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button