IPL 2025

નાનો ભાઈ હાર્દિક હાર્યો, મોટા ભાઈ કૃણાલની કરામત કામ કરી ગઈ

વાનખેડેમાં એમઆઇએ આરસીબીને લડત આપ્યા પછી હાર સ્વીકારીઃ બેંગલૂરુએ ઇડન, ચેપૉક પછી હવે વાનખેડેમાં પરાજયની પરંપરા તોડી

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો અહીં વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની દિલધડક મૅચમાં 12 રનથી પરાજય થયો હતો. એમઆઇની ટીમ 222 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં જોરદાર લડત આપ્યા બાદ નવ વિકેટે 209 રન બનાવી શકી હતી. આરસીબીની ટીમ 10 વર્ષે પહેલી વાર વાનખેડેમાં એમઆઇ સામે જીતવામાં સફળ થઈ છે. ખરેખર તો આરસીબીએ ઈડનમાં કોલકાતાને, ચેપૉકમાં ચેન્નઈને અને વાનખેડેમાં મુંબઈને એના જ ગઢમાં હરાવવામાં સફળતા મેળવી છે.

31 વર્ષના એમઆઇના સુકાની હાર્દિક પંડ્યા સામે તેનો મોટો ભાઈ અને આરસીબીનો 34 વર્ષીય સ્પિન-ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા આઇપીએલ (IPL 2025)ની આ મૅચમાં હીરો બની ગયો હતો.

હાર્દિકે 15 બૉલમાં કુલ સાત બાઉન્ડરીઝની મદદથી 42 રન કર્યા હતા, પરંતુ કૃણાલે 20મી ઓવરમાં સૅન્ટનર, ચાહર અને નમન ધીરની વિકેટ લેવાની સાથે 45 રનમાં કુલ ચાર વિકેટ લઈને આરસીબી માટે મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું હતું. યશ દયાલ, હૅઝલવૂડે બે-બે વિકેટ અને ભુવનેશ્વરે એક વિકેટ લીધી હતી.

સાંજે આરસીબીના બૅટ્સમેનની ફટકાબાજી થયા બાદ રાત્રે એમઆઇના તિલક વર્મા (56 રન, 29 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને હાર્દિક પંડ્યા (42 રન, 15 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) એમઆઇની ટીમને વિજયની નજીક લાવ્યા હતા. તિલક-હાર્દિક વચ્ચે 89 રનની ભાગીદારીએ વાનખેડે ગજવી નાખ્યું હતું અને એમઆઇને જીતની આશા અપાવી હતી, પણ પૂંછડિયા બૅટ્સમેનો એમઆઇને નહોતા જિતાડી શક્યા.

એ પહેલાં, સૂર્યકુમાર યાદવ (28 રન, 26 બૉલ, પાંચ ફોર)એ જીવતદાનનો લાભ નહોતો લીધો અને યશ દયાલને વિકેટ આપી દીધી હતી. એ અગાઉ, આ વખતે પહેલેથી જ નિરાશ કરી રહેલા રોહિત શર્મા (17 રન), રાયન રિકલ્ટન (17 રન) અને વિલ જૅક્સ (બાવીન રસ)એ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. કૃણાલ તેમ જ ભુવનેશ્વર અને યશ દયાલની ઓવર્સમાં 40-પ્લસ રન થયા હતા.

વાનખેડેમાં 32,000-પ્લસ ક્રાઉડમાં અડધા ભાગના ક્રિકેટપ્રેમીઓ આરસીબીની અને અડધા એમઆઇની તરફેણવાળા હતા અને લગભગ દરેક બૉલ પર પ્રેક્ષકોની બૂમ સંભળાઈ હતી.

એ પહેલાં, આરસીબીએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 221 રન કર્યા હતા અને એમઆઈને 222 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો.

આ વખતની આઇપીએલમાં આરસીબીનું આ હાઈએસ્ટ અને કુલ પાંચમા નંબરનું ટોટલ હતું.

વિરાટ કોહલી (67 રન, 42 બૉલ, બે સિક્સર, આઠ ફોર) અને કેપ્ટન રજત પાટીદાર (64 રન, 32 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ આતશબાજીથી 32,000-પ્લસ પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. વિરાટ અને દેવદત પડિક્કલ (37 રન, 22 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 91 રનની અને વિરાટ તથા પાટીદાર વચ્ચે ત્રીજી વિકેટ માટે 48 રનની પાર્ટનરશિપ થઈ હતી.

આ પણ વાંચો: કોહલી, પાટીદાર, જિતેશ અને આરસીબીએ અનલકી વાનખેડેને નસીબવંતુ બનાવી દીધું…

વિકેટકીપર જિતેશ શર્મા (40 અણનમ, 19 બૉલ, ચાર સિક્સર, બે ફોર)એ પણ આરસીબીની ઇનિંગ્સને ચાર ચાંદ લગાવ્યા હતા. એમઆઇના બોલર્સમાં ટ્રેન્ટ બૉલ્ટ અને હાર્દિકે બે-બે વિકેટ લીધી હતી. સ્પિનર વિજ્ઞેશ પુથુરને એક વિકેટ મળી હતી, પરંતુ ચાર બોલર વિકેટ વિનાના રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button