IPL 2025

10 મોટા રેકોર્ડ આ વખતની આઈપીએલમાં તૂટી શકે…

મુંબઈ: 18મી આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. સાંજે 6.00 વાગ્યે શ્રેયા ઘોષાલ, દિશા પટની અને કરણ ઔજલા તેમ જ બીજા પર્ફોર્મર્સ સ્ટેજ પરથી ઈડન ગાર્ડન્સમાં બેઠેલા હજારો પ્રેક્ષકોને તેમ જ કરોડો ટીવી દર્શકોને મનોરંજન પૂરું પાડવાનું શરૂ કરશે ત્યારબાદ 7.00 વાગ્યે ટૉસ ઉછાળવામાં આવશે અને 7.30 વાગ્યે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વચ્ચે આ વખતની ટૂર્નામેન્ટનો પહેલો મુકાબલો શરૂ થશે. રવિવાર, પચીસમી મે સુધી ચાલનારી આ આઈપીએલમાં કેટલાક મોટા વિક્રમો તૂટતા જોવા મળી શકે.

ભવિષ્યમાં રેકૉર્ડ-બ્રેકિંગ ટૂર્નામેન્ટ તરીકે ઓળખાઈ શકે એવી આ 18મી આઈપીએલમાં ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી, એમએસ ધોની અને જસપ્રીત બુમરાહ તથા રવીન્દ્ર જાડેજા તેમ જ આપણા જૂના ને જાણીતા ભુવનેશ્વર કુમાર પર સૌની નજર રહેશે, કારણકે તેમને એક કે એક કરતાં વધુ વિક્રમ તોડવાનો મોકો છે.

આ પણ વાંચો : આઇપીએલમાં આ યુવાન ખેલાડીઓ પર સૌની નજર રહેશે…

ક્યા વિક્રમોને નવા વિક્રમાદિત્યો મળી શકે?

(1) એમએસ ધોની 19 રન કરશે એટલે સીએસકે વતી સૌથી વધુ રન બનાવનાર બૅટર બની જશે. ધોનીના નામે 4,669 રન છે. તે 19 રન કરશે એટલે તે સુરેશ રૈનાનો 4,687 રનનો રેકૉર્ડ તોડશે.

(2) બુમરાહ હજી ફિટ ન હોવાથી ક્યારથી રમવા આવશે એ નક્કી નથી. જો રમશે અને છઠ્ઠી વિકેટ લેશે એટલે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી સૌથી વધુ વિકેટ લેનાર લસિથ મલિંગાનો 170 વિકેટનો એક દાયકા જૂનો રેકૉર્ડ તોડી નાખશે.

(3) રવીન્દ્ર જાડેજા આઠ વિકેટ લેશે એટલે આઈપીએલમાં સીએસકે વતી સૌથી વધુ 140 વિકેટ લેનાર ડવેઈન બ્રાવોનો વિક્રમ તોડી નાખશે અને ચેન્નઈનો નંબર-વન બોલર બની જશે.

(4) વિરાટ કોહલીના નામે 63 ફિફ્ટી-પ્લસ સ્કોર છે. તે બીજા ચાર ફિફ્ટી-પ્લસ નોંધાવશે એટલે ડેવિડ વૉર્નરનો 66 ફિફ્ટી-પ્લસનો રેકૉર્ડ તોડી નાખશે.

(5) સ્ટમ્પ્સની પાછળથી ધોનીએ આઈપીએલમાં કુલ 194 શિકાર કર્યાં છે જે તમામ વિકેટકીપર્સમાં વિક્રમ છે. તે વધુ છ શિકાર કરશે એટલે 200ના જાદુઈ આંક પર પહોંચનાર પ્રથમ વિકેટકીપર બની જશે. દિનેશ કાર્તિક (182 શિકાર સાથે) બીજા નંબર પર છે.

(6) ધોની આઈપીએલમાં સૌથી વધુ 264 મૅચ રમ્યો છે. નિવૃત્ત દિનેશ કાર્તિક સાથે રોહિત શર્મા પણ 257 સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. રોહિત રવિવારે રમશે એટલે 258 મૅચની સંખ્યા સાથે એકલો બીજા નંબર પર જમાવટ કરશે અને કાર્તિક 257 મૅચ સાથે ત્રીજે રહી જશે.

(7) રોહિત એક ફોર ફટકારશે એટલે આઈપીએલમાં 600 ફોર ફટકારનાર શિખર, કોહલી, વોર્નર પછીનો ચોથો બૅટર કહેવાશે.

(8) રોહિતને આઈપીએલમાં બીજા નંબરનો સૌથી મોટો રનકર્તા બનવા 142 રનની જરૂર છે અને એ સાથે તે શિખર ધવનને પાછળ રાખી દેશે. હાલમાં શિખરના 6,769 રન છે, જયારે રોહિતના 6,628 રન છે. કોહલી 8,004 રન સાથે નંબર-વન છે.

(9) જાડેજા 41 રન કરશે એટલે આઈપીએલમાં 3,000 રન બનાવવા ઉપરાંત 100 વિકેટ લેનાર આઈપીએલનો પહેલો ઓલરાઉન્ડર કહેવાશે.

(10) 35 વર્ષીય પેસ બોલર ભુવનેશ્વર કુમારને આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરનો બોલર બનવા ત્રણ વિકેટ જોઈએ છે. તેણે 181 વિકેટ લીધી છે. બીજી ત્રણ લેશે એટલે નિવૃત્ત ખેલાડી ડવેઈન બ્રાવો (183)ના સ્થાને ત્રીજો થઈ જશે. યુઝવેન્દ્ર ચહલ (205 વિકેટ) નંબર-વન અને પીયૂષ ચાવલા (192 વિકેટ) નંબર-ટૂ છે. બેંગ્લૂરુના ફ્રેન્ચાઈઝીએ ભુવીને 10.75 કરોડમાં ખરીદ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button