IPL 2025

લખનઉના બોલરને ‘નોટબુક સેલિબ્રેશન’નું ગેરવર્તન મોંઘું પડ્યું, આટલી મેચ ફી કપાઈ ગઈ…

લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ આઈપીએલ (IPL)માં ગઈ કાલે હોમ-ટાઉનમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે હારી ગઈ અને ત્યાર બાદ લખનઊની ટીમને દાઝ્યા પર ડામ લાગ્યો હતો. લખનઊના સ્પિનર દિગ્વેશ રાઠીએ પંજાબના બૅટ્સમૅન સાથે ગેરવર્તન કર્યું એ બદલ રાઠીની 25% મૅચ ફી દંડ (Fine) તરીકે કાપી લેવામાં આવી હતી અને તેના નામે એક ડીમેરિટ (Demerit) પોઇન્ટ પણ લખવામાં આવ્યો હતો. અધૂરામાં પૂરું, લખનઊની ટીમની બદનામી થઈ એ અલગ.

મૂળ દિલ્હી શહેરના પચીસ વર્ષની ઉંમરના લેગ સ્પિનર રાઠીએ પંજાબની ઈનિંગ્સની ત્રીજી જ ઓવરમાં ઓપનર પ્રિયાંશ આર્ય (8 રન)ને મિડ-ઑન પરથી દોડી આવેલા શાર્દુલ ઠાકુરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. દિગ્વેશની પ્રિયાંશ સાથે જાણે જૂની અદાવત હોય એમ તે પ્રિયાંશને આઉટ કર્યા બાદ તેની પાસે દોડી આવ્યો હતો અને તેને અપમાનજનક રીતે સેન્ડ-ઑફ આપી હતી. દિગ્વેશે પોતાના હાથ પર લખવાની ઍક્શન કરીને જાણે પોતાની વિકેટ ટૅકિંગ બુકમાં પ્રિયાંશનું નામ લખાઈ ગયું હોવાનો (નોટબુક સેલિબ્રેશન) સંકેત આપ્યો હતો અને એ રીતે પ્રિયાંશની મજાક ઉડાવી હતી. ક્રિકેટના મેદાન પર અને ખાસ કરીને બીસીસીઆઈ દ્વારા સંચાલિત આઇપએલમાં ખેલાડીઓનું આવું ગેરવર્તન જરા પણ નથી ચલાવી લેવામાં આવતું.

પ્રિયાંશે રાઠીને કંઈ જ સામી પ્રતિક્રિયા નહોતી બતાવી. અમ્પાયરોને, મૅચ રેફરી પ્રકાશ ભટ્ટને તેમ જ અન્ય અધિકારીઓને દિગ્વેશનું આ ગેરવર્તન જરા પણ નહોતું ગમ્યું.

ભૂતકાળમાં આ જ બે ખેલાડીઓ દિગ્વેશ અને પ્રિયાંશ દિલ્હી પ્રીમિયર લીગમાં સાથે રમી ચૂક્યા છે.
દિગ્વેશ વિરુદ્ધ આઇપીએલની આચારસંહિતા સંબંધિત કલમ 2.5 હેઠળ પગલાં લેવામાં આવ્યા છે. તેણે પોતાનો ગુનો તરત જ કબૂલી લીધો હતો.

આ કલમ મુજબ દિગ્વેશના નામે એક ડીમેરિટ પોઇન્ટ લખવામાં આવ્યો છે. જે ખેલાડીના નામે ચાર આવા ચાર પોઇન્ટ થઈ જાય ત્યારે તેને એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. એટલું જ નહીં આ ખેલાડીના વર્તન પર નજર રાખવા ફ્રેન્ચાઇઝીને તાકીદ પણ કરવામાં આવે છે.

https://twitter.com/i/status/1907104870999728486

દિગ્વેશ રાઠી હવે પછી ફરી ગેરવર્તન કરશે તો તેને વધુ પેનલ્ટી કરવામાં આવશે.
મંગળવારની મૅચમાં લખનઊએ 20 ઓવરમાં સાત વિકેટે 171 બનાવ્યા બાદ પંજાબે 16.2 ઓવરમાં બે વિકેટના ભોગે 177 રન બનાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. પંજાબનો ઓપનર પ્રભસિમરન સિંહ (69 રન, 34 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો.

શ્રેયસ અને નેહલ વઢેરાએ ચાર-ચાર સિક્સર અને ત્રણ-ત્રણ ફોર ફટકારી હતી. તેઓ અનુક્રમે 52 રન અને 43 રને અણનમ રહ્યા હતા.

આપણ વાંચો:  Mumbai Indians ની જીત કરતાં Hardik Pandya અને આ વ્યક્તિની થઈ રહી છે વધુ ચર્ચા… જાણો કોણ છે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button