એકેય સેન્ચુરી ન થઈ, પણ ત્રણ વિદેશી બૅટ્સમેને લખનઊને 238/3નો તોતિંગ સ્કોર અપાવ્યો

કોલકાતાઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમે આજે અહીં આઇપીએલ (IPL 2025)ના દમદાર મુકાબલામાં યજમાન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે બૅટિંગ મળી એનો ટૉપ-ઑર્ડરના ત્રણેય વિદેશી બૅટ્સમેને પૂરો ફાયદો લીધો હતો અને શાનદાર ઓપનિંગ બાદ ઇનિંગ્સને ધમાકેદાર અંત આપ્યો હતો. વૈભવ અરોરાની 20મી ઓવરમાં 11 રન થયા એ પહેલાં ખાસ કરીને આન્દ્રે રસેલની 18મી ઓવરમાં નિકોલસ પૂરને (NICHOLAS POORAN) જબરદસ્ત ફટકાબાજી કરી હતી. રસેલની એ ઓવરમાં 24 રન બન્યા હતા.
નિકોલસ પૂરન (87 અણનમ, 36 બૉલ, આઠ સિક્સર, સાત ફોર) લખનઊની ઇનિંગ્સનો સૂત્રધાર હતો. તેણે વેસ્ટ ઇન્ડિઝના જ ખેલાડી રસેલની 18મી ઓવરમાં આ રીતે 24 રન બનાવ્યા હતાઃ 4, 0, 4, 6, 4, 6.
પૂરન ઉપરાંત ઓપનર મિચલ માર્શ (81 રન, 48 બૉલ, પાંચ સિક્સર, છ ફોર) અને સાથી ઓપનર એઇડન માર્કરમ (47 રન, 28 બૉલ, બે સિક્સર, ચાર ફોર)નું પણ લખનઊના 238 રનમાં મહત્ત્વનું યોગદાન હતું. આ ત્રણેય વિદેશી બૅટ્સમેને કોલકાતાના છ બોલરની ખબર લઈ નાખી હતી. ચોથો વિદેશી બૅટ્સમૅન ડેવિડ મિલર પાંચમા ક્રમે બૅટિંગમાં આવ્યો હતો અને ચાર રને અણનમ રહ્યો હતો.
માર્કરમ-માર્શ વચ્ચે 62 બૉલમાં 99 રનની, માર્શ-પૂરન વચ્ચે 30 બૉલમાં 71 રનની અને પૂરન અને અબ્દુલ સામદ (ચાર બૉલમાં છ રન) વચ્ચે 18 બૉલમાં 51 રનની ભાગીદારી થઈ હતી.
કોલકાતાના છ બોલરમાંથી હર્ષિત રાણાને બે અને આન્દ્રે રસેલને એક વિકેટ મળી હતી. સ્પેન્સર જૉન્સન (3-0-46-0) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને પણ એકેય વિકેટ નહોતી મળી.
આ મૅચ પહેલાં લખનઊ અને કોલકાતા, બન્ને ટીમ ચાર-ચારમાંથી બે-બે મૅચ જીતી હતી.