
વિશાખાપટનમઃ દિલ્હી કૅપિટલ્સે (DC) આજે અહીં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને ભારે રસાકસીભર્યા મુકાબલામાં છેલ્લી ઓવરમાં એક વિકેટે હરાવીને યાદગાર વિજય મેળવ્યો હતો. લખનઊ માટે આ મૅચ વન-સાઇડેડ બની શકે એવી હતી, પરંતુ દિલ્હીના મિડલ-ઑર્ડરના અને પૂંછડિયા બૅટર્સે હારને જીતમાં ફેરવી નાખી હતી. આશુતોષ શર્મા (66 અણનમ, 31 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો.
ભલભલા ક્રિકેટપ્રેમીના શ્વાસ થંભાવી દે એવા આ મુકાબલાની અંતિમ પળોમાં અનેક પ્રેક્ષકો પોતાની પસંદગીની જીત માટે ઈશ્વરને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. અક્ષર પટેલ (22 રન)ના નેતૃત્વમાં દિલ્હીએ 210 રનનો લક્ષ્યાંક 19.3 ઓવરમાં 211/9ના સ્કોર સાથે (ત્રણ બૉલ બાકી રાખીને) હાંસલ કરી લીધો હતો. ડુ પ્લેસીએ 29, ટ્રિસ્ટેને 34 રન તથા વિપરાજ નિગમે આક્રમક 39 રન બનાવ્યા હતા. લખનઊ વતી શાર્દુલ, સિદ્ધાર્થ, દિગ્વેશ અને બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, લખનઊએ બૅટિંગ મળ્યા બાદ આઠ વિકેટે 209 રન બનાવ્યા હતા. મિચલ માર્શ (72 રન, 36 બૉલ, છ સિક્સર, છ ફોર) અને નિકોલસ પૂરન (75 રન, 30 બૉલ, સાત સિક્સર, છ ફોર) આ ઇનિંગ્સના બે સુપરસ્ટાર હતા. તેમની વચ્ચે બીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી થઈ હતી. ડેવિડ મિલર (27 રન, 19 બૉલ, બે સિક્સર, એક ફોર) ટૂંકી ઇનિંગ્સ રમવા મળ્યા બાદ અણનમ રહ્યો હતો. દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલે પોતાના સહિત કુલ સાત બોલરને અજમાવ્યા હતા જેમાં મિચલ સ્ટાર્કને સૌથી વધુ ત્રણ, કુલદીપ યાદવને બે તેમ જ વિપરાજ નિગમ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી. ખુદ અક્ષર તેમ જ ટ્રિસ્ટેન સ્ટબ્સ અને મોહિત શર્માને વિકેટ નહોતી મળી શકી.
આ પણ વાંચો : Video: એમએસ ધોનીએ MIના બોલરને બેટ માર્યું! જાણો CSK vs MI મેચમાં શું બન્યું હતું
લખનઊનો નવો કૅપ્ટન અને વિક્રમજનક 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલો રિષભ પંત ઝીરોમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ તેના સુકાનમાં લખનઊએ હાર જોવી પડી હતી.
મંગળવારે કઈ મૅચ?
ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ
અમદાવાદ, સાંજે 7.30 વાગ્યાથી