કુલદીપે રિન્કુને ખરેખર બે તમાચા લગાવ્યાં? કેકેઆરે આ ખુલાસો બહાર પાડ્યો છે…

નવી દિલ્હીઃ ક્યારેક બે મિત્રો વચ્ચેની મજાકમસ્તીને ગંભીરતાથી લેવાતી હોય છે. ખાસ કરીને ક્રિકેટના મેદાન પર (હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોની વચ્ચે) કંઈક હટકે બને એટલે હવે તો સોશિયલ મીડિયામાં પળવારમાં વાઇરલ થઈ જાય છે. આજે એવું જ બન્યું. મંગળવારે પાટનગર દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ (DC)ની અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે મૅચ હતી અને એમાં કેકેઆરની ટીમે 14 રનથી વિજય મેળવ્યો ત્યાર બાદ બન્ને ટીમના ખેલાડીઓ મેદાન પર ઊભા રહીને ગપ્પાં મારી રહ્યા હતા ત્યારે એક ઘટના બની હતી જે વાઇરલ થતાં કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ ગણતરીના કલાકોમાં સ્પષ્ટતા બહાર પાડવી પડી હતી.
કોલકાતા અને દિલ્હીના ખેલાડીઓ મૅચ પછી મેદાન પર ઊભા હતા ત્યારે દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવે વાતમાંને વાતમાં કોલકતાના બૅટ્સમૅન રિન્કુ સિંહ (RINKU SINGH)ને હળવેકથી એક નહીં, પણ બે તમાચા લગાવી દીધા હતા. આ ઘટનાનો વીડિયો ચગી ગયો હતો. હકીકત એ છે કે કુલદીપ (KULDEEP YADAV) અને રિન્કુ ઉત્તર પ્રદેશની ટીમમાં સાથે રમી ચૂક્યા છે અને તેમની વચ્ચે બહુ સારી મિત્રતા છે. તેઓ મેદાન પર વાતચીત કરી રહ્યા હતા અને એકમેકની રમૂજ પર બન્ને હસી રહ્યા હતા ત્યારે કુલદીપે રિન્કુને ગાલ પર હળવો લાફો લગાવ્યો હતો. રિન્કુ થોડો ચોંકી ગયો હતો. તે કંઈક પ્રતિક્રિયા આપે એ પહેલાં કુલદીપે બીજો લાફો મારી દીધો હતો.
જોકે આ માત્ર મસ્તીમજાક જ હતી. બીજું, આ વીડિયોનો કોઈ ઑડિયો ન હોવાથી ઘણા ક્રિકેટપ્રેમીઓ સમજી નહોતા શક્યા કે કુલદીપે રિન્કુને મસ્તીમાં લાફો માર્યો કે બન્ને વચ્ચે કંઈક અણબનાવ થયો હતો? જોકે કેકેઆરે ખુલાસો બહાર પાડ્યો હતો જેમાં આ માત્ર મસ્તીમજાક જ હતી એવી સ્પષ્ટતા સાથે જણાવાયું હતું કે મીડિયા (સનસની) વિરુદ્ધ (દોસ્તોં કે બીચ કા) રિયાલિટી! આ બન્ને વચ્ચે તો ગાઢ મિત્રતા છે. યુપીની ટીમમાં સાથે રમ્યા ત્યારથી તેમની વચ્ચે પાકી દોસ્તી છે.’
નવી વીડિયો ક્લિપમાં રિન્કુને આ ઘટનામાં હસતો અને વાતચીત કરતો બતાવાયો એટલે ક્રિકેટપ્રેમીઓની શંકા સાવ દૂર થઈ ગઈ હતી. 2008ની પ્રથમ આઇપીએલની એક મૅચ બાદ મુંબઈ ઇન્ડિયન્સના હરભજન સિંહે મૅચ દરમ્યાન વારંવાર ઉશ્કેરણી કરનાર કિંગ્સ ઇલેવન પંજાબના એસ. શ્રીસાન્તને તમાચો મારી દીધો હતો જેને પગલે શ્રીસાન્ત રડ્યો હતો. એ ઘટના ટીવી પર ખૂબ વાઇરલ થઈ હતી. પછીથી ભજ્જીએ જાહેરમાં શ્રીસાન્તની માફી માગી હતી અને પોતે આવું નહોતું કરવું જોઈતું એવું કહ્યું હતું.