GT VS KKR: ગુજરાત સામે જીતવા કોલકાતાને 199 રનનો ટાર્ગેટ, ‘પ્રિન્સ’ સેન્ચુરી ચૂક્યો…

કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સે આજે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જ્યારે ટીમ કોલકાતાએ બોલિંગ લીધી હતી. કોલકાતા સામે 20 ઓવરમાં ગુજરાત ટાઈટન્સે ત્રણ વિકેટે 198 રનનો સ્કોર કર્યો હતો, જેમાં કેપ્ટન શુભમન ગિલ સદી ચૂક્યો હતો.
પ્રિન્સ ગણાતા શુભમન ગિલે 55 બોલમાં 90 રન ફટકાર્યા
પહેલી ઓવરમાં ધીમી રમત વચ્ચે શુભમન ગિલ અને સાઈ સુદર્શનને મજબૂત પાયો નાખ્યો હતો, જેમાં ટૂંકા ગાળામાં સાઈ સુદર્શનને નિકોલસ પુરનને પાછળ રાખીને ઓરેન્જ કેપનો દાવેદાર બની ગયો છે. 36 બોલમાં બાવન રન બનાવીને સાઈ સુદર્શન આઉટ થયો હતો, જેમાં એક સિક્સર સાથે છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. 114 રનના સ્કોરે સાઈ સુદર્શનની વિકેટ પડી હતી, જ્યારે ટીમના કેપ્ટન અને પ્રિન્સ તરીકે ઓળખાતા શુભમન ગિલ સતત આક્રમક રમતા આગળ વધ્યો હતો, પરંતુ વૈભવ અરોરાએ રિંકુ સિંહના હાથે કેચ આઉટ કર્યો હતો. ટીમના 172 રનના સ્કોરે શુભમન ગિલે 55 બોલમાં 90 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચો: IPL-GT VS KKR: કોલકાતાએ ટોસ જીતીને ગુજરાતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ
છેલ્લી ઓવરમાં અઢાર રન ફટકાર્યાં
સામે છેડે જોશ બટલર આક્રમક શોટ્સ મારીને ટૂંકા સમયમાં વધુ રન બનનાવવામાં સફળ રહ્યો હતો. એક તબક્કે 19 બોલમાં 31 રન બનાવ્યા હતા, જ્યારે સામે છેડે ત્રીજી વિકેટ ઝીરોમાં રાહુલ તિવેટિયા આઉટ થયો હતો. ત્યારબાદ શાહરુખ ખાન રમતમાં આવ્યો હતો. છેલ્લી 20મી ઓવરમાં અઢાર રન ફટકાર્યાં હતા ગુજરાતવતીથી જોશ બટલરે 23 બોલમાં 41* રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો, જ્યારે સામે છેડે પાંચ બોલમાં 11* રન બનાવીને શાહરુખ ખાન અણનમ રહ્યો હતો. કેકેઆરની ફિલ્ડિંગ નબળી રહી, જ્યારે બોલર પણ વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા, જ્યારે એન્ડ્રે રસેલ, વૈભવ અરોરા, હર્ષિત અરોરા ખર્ચાળ સાબિત થયા હતા.
કેકેઆરની ફિલ્ડિંગ નબળી રહી, અનેક કેચ છોડ્યાં
કોલકાતાએ પહેલી ફિલ્ડિંગ લીધી હતી, પરંતુ ટીમે નબળું પ્રદર્શન કર્યું હતું, જ્યારે મનીષ પાંડે, વૈભવ અરોરાએ મહત્ત્વના ખેલાડીના કેચ ગુમાવવાને કારણે ગુજરાત ટાઈટન્સ મજબૂત સ્કોર કરી શક્યું હતું. 20 ઓવરમાં મર્યાદિત (ત્રણ વાઈડ અને એક નો-બોલ) એસ્ટ્રા આપીને કોલકાતાએ જીતવા માટે 199 રન કરવાના રહેશે, જ્યારે વૈભવ અરોરા, હર્ષિત રાણા અને એન્ડ્રે રસેલ જ વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. પડકારજનક સ્કોર પ્રાપ્ત કરવા માટે કોલકાતાવતીથી સુનીલ નરેન, અંજિક્ય રહાણે, વેંકટેશ અય્યર અને રિંકુ સિંહના ખભા પર મોટી જવાબદારી રહેશે.