ધોનીએ ચેન્નઈને જિતાડીને રહીસહી આબરૂ સાચવી…
ઉર્વિલ પટેલની ડેબ્યૂ મૅચમાં ચાર સિક્સર, નૂરની ચાર વિકેટ

કોલકાતાઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ આજે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને બે બૉલ અને બે વિકેટ બાકી રાખીને પરાજિત કરીને આ સીઝનમાંથી વહેલી વિદાય લેતાં પહેલાં (ચાર હાર બાદ) જીતવાનું ફરી શરૂ કરી દીધું હતું. ચેન્નઈની હજી બે મૅચ બાકી છે.
ધોનીની ટીમે 180 રનનો લક્ષ્યાંક 19.4 ઓવરમાં 183/8ના સ્કોર સાથે મેળવી લીધો હતો. કોલકાતાની ટીમ પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. કોઈ ચમત્કાર જ એને બચાવી શકે. ચેન્નઈ વતી ડેવાલ્ડ બ્રેવિસે (બાવન રન, પચીસ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) સૌથી મોટું યોગદાન આપ્યું હતું. શિવમ દુબે (45 રન, 40 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) અને ધોની (17 અણનમ, 18 બૉલ, એક સિક્સર)ની જોડીની 43 રનની ભાગીદારી મૅચ-વિનિંગ નીવડી હતી. દુબે (Shivam dube)ની વિકેટ બાદ નૂર અહમદ (બે રન)એ અને તે આઉટ થયા બાદ કંબોજ (એક ફોર સહિત ચાર અણનમ)એ ધોનીને છેક સુધી સાથ આપ્યો હતો.
ગુજરાત રાજ્યના ઉર્વિલ પટેલે આઇપીએલમાં પ્રશંસનીય ડેબ્યૂ કર્યું હતું. તેણે ચાર સિક્સર ફટકારી હતી. તેણે માત્ર 11 બૉલમાં એક ફોર પણ ફટકારી હતી અને 31 રન બનાવીને ચેન્નઈને જીતનો પાયો નાખી આપ્યો હતો. ઓપનર્સ આયુષ મ્હાત્રે અને ડેવૉન કૉન્વે ઝીરોમાં આઉટ થયા હતા. કોલકાતા વતી વૈભવે ત્રણ તેમ જ હર્ષિત અને વરુણે બે-બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, કોલકાતાએ બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં છ વિકેટે 179 રન કર્યા હતા જેમાં કૅપ્ટન અજિંક્ય રહાણેના 48 રન હાઇએસ્ટ હતા.
ચેન્નઈના બોલર્સમાં અફઘાનિસ્તાની સ્પિનર નૂર અહમદે 31 રનમાં સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા ચેન્નઈ વતી 141મી વિકેટ લઈને આ ટીમનો નંબર-વન વિકેટ-ટેકિંગ બોલર બન્યો હતો. તેણે બ્રાવો (140)નો વિક્રમ તોડી નાખ્યો હતો.