સૂર્યવંશીની રેકોર્ડ બ્રેક સદીથી લઇને મ્હાત્રેની વિસ્ફોટક બેટિંગઃ આઇપીએલના જાણો ઉતાર-ચઢાવ…

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતે આખરે લખનઉ સુપર જાયન્ટ્સની છેલ્લી લીગ મેચમાં સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. જ્યારે અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ સારી શરૂઆત પછી પણ હારી ગઈ હતી.
ભૂતપૂર્વ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યું અને સનરાઈઝર્સ હૈદરાબાદ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ વર્ષે આઈપીએલની 70 મેચોના પ્રારંભિક તબક્કામાં 10 દિવસના વિરામ સહિત કુલ 67 દિવસ લાગ્યા અને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.
યુવા ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું
રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીને ગયા ડિસેમ્બરમાં ‘મેગા ઓક્શન’માં પસંદ કરવામાં આવ્યો ત્યારે તે 13 વર્ષનો હતો અને મે મહિનામાં 14 વર્ષની ઉંમરે તે આઇપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી અને ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. તેણે પોતાના શાનદાર સ્ટ્રોક પ્લે અને જુસ્સાથી રમતના દિગ્ગજોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ભારતના ટી-20 આંતરરાષ્ટ્રીય ઓપનર અભિષેક શર્મા પણ સદી ફટકારનારા ખેલાડીઓમાં સામેલ હતો. આ યાદીમાં પંજાબ કિંગ્સના ‘અનકેપ્ડ’ (જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી નથી) પ્રિયાંશ આર્યનો પણ સમાવેશ થાય છે, જેણે તેની પ્રથમ આઇપીએલ સદી ફટકારી હતી. પ્રભસિમરન સિંહે પણ બતાવ્યું કે તેની પાસે ક્ષમતા છે જ્યારે આયુષ મ્હાત્રેએ ચેન્નઈ સુપર કિંગ્સને તેના પ્રદર્શનથી ખુશ થવાની તક આપી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદનું ખરાબ ફોર્મ
ગયા વર્ષની રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી ખતરનાક બેટિંગ લાઇન-અપ સાથે મેદાનમાં આવી હતી પરંતુ તેમનો આક્રમક અભિગમ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. હૈદરાબાદે આઇપીએલની શરૂઆત રાજસ્થાન રોયલ્સ સામે છ વિકેટે 286 રનના બીજા સૌથી વધુ સ્કોર સાથે કરી હતી અને કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ત્રણ વિકેટે 278 રનના ત્રીજા સૌથી વધુ સ્કોર સાથે તેનો અંત કર્યો હતો.

ટીમ પાસે બેટિંગ માટે કોઈ ‘પ્લાન બી’ નહોતો જેમાં નીતિશ કુમાર રેડ્ડીએ ખૂબ નિરાશ કર્યા અને પાવરપ્લેમાં બોલિંગ કરવા માટે સારો સ્પિનર ન હોવાને કારણે તેમને નુકસાન થયું છે.

ચેન્નઇએ શીખ્યા પાઠ
ચેન્નઇ એ આ વર્ષે પોતાનો બોધપાઠ શીખ્યો કારણ કે તેમને યુવા પ્રતિભાને બેન્ચ પર રાખવાની અને ફક્ત ધોની જેવા અનુભવી ખેલાડીઓ પર આધાર રાખવાની તેમની વ્યૂહરચના છોડી દેવી પડી હતી. 17 વર્ષીય મુંબઈના બેટ્સમેન મ્હાત્રેએ ટીમની સમસ્યાઓ છતાં સારું પ્રદર્શન કર્યું જ્યારે દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસે અંતમાં શાનદાર પ્રદર્શન કર્યું. 20 વર્ષીય અફઘાન નૂર અહેમદ ચેન્નઇનો સૌથી સફળ સ્પિનર હતો જ્યારે આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજા અન્ય વિકલ્પો હતા.

સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી
યુવા ઓપનર સુદર્શને બતાવ્યું કે જોખમ લીધા વિના રન કરી શકાય છે. તે અત્યાર સુધીમાં 670થી વધુ રન સાથે યાદીમાં ટોચ પર છે અને તેને ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગુજરાત ટાઇટન્સના આ બેટ્સમેન આ સીઝનના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક હતો.

મુંબઈ ઇન્ડિયન્સે હંમેશાની જેમ પ્રદર્શન કર્યું
મુંબઈ ઇન્ડિયન્સે ધીમી શરૂઆત કર્યા પછી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. પ્રથમ પાંચ મેચમાં ચાર હાર સાથે શરૂઆત કર્યા પછી હાર્દિક પંડ્યાની ટીમ આગામી છ મેચ જીતી અને ટોચની ટીમોમાં પહોંચી હતી. રોહિત શર્મા અને તિલક વર્મા સારું પ્રદર્શન કરી શક્યા નહીં પરંતુ સૂર્યકુમાર યાદવે બતાવ્યું કે તે આમાં શા માટે શ્રેષ્ઠ છે. જસપ્રીત બુમરાહે 10 મેચમાં 17 વિકેટ લીધી છે.

રાજસ્થાન રોયલ્સ માટે ખરાબ સીઝન
સંજુ સેમસનની ફિટનેસ અને અન્ય ખેલાડીઓમાં જુસ્સાના અભાવને કારણે ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જોસ બટલર, અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા ખેલાડીઓને રીલિઝ કરવાથી કદાચ તેનું સંતુલન ઘણું ખોરવાઇ ગયું હતું.
દિલ્હીની શાનદાર શરૂઆત પણ
આઇપીએલની શરૂઆતમાં એવું લાગતું હતું કે ટીમ કોઈ ભૂલ કરશે નહીં પરંતુ ટીમ સતત પ્રદર્શનના સંદર્ભમાં પાછળ રહી ગઈ હતી. પહેલા છમાંથી પાંચ જીત સાથે શરૂઆત કર્યા પછી ટીમ ટેબલમાં ટોચ પર હતી પરંતુ અચાનક ઘટાડાને કારણે આગામી આઠ મેચમાંથી પાંચ મેચ ગુમાવવી પડી હતી.

કોલકત્તાનું પ્રદર્શન નબળું હતું
કેપ્ટન અજિંક્ય રહાણે એકલા હાથે ઉભો રહ્યો, પરંતુ ફ્રેન્ચાઇઝના સૌથી મોંઘા ખેલાડી અને વાઇસ કેપ્ટન વેંકટેશ ઐય્યર માટે સીઝન ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ આઠ મેચમાં પાંચ હાર સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે પ્લેઓફની રેસ ઘણા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ હતી.

માર્શ અને પૂરનનો દબદબો
પહેલા આઠ મેચમાં પાંચ જીતે લખનઉ સુપર જાયન્ટ્સને છેલ્લા ચારમાં સ્થાન મેળવવાની તક આપી પરંતુ પંતના બેટિંગમાં ખરાબ પ્રદર્શન, મિડલ ઓર્ડર્સમાં ઊંડાણનો અભાવ અને બોલિંગમાં વિવિધતાના અભાવે તેઓ ફરીથી પ્લેઓફમાં જવાથી વંચિત રહ્યા. પરંતુ મિશેલ માર્શ, નિકોલસ પૂરન અને એડન માર્કરામ તેમને મજબૂત બનાવ્યા હતા.

પંજાબ કિંગ્સ ઈલેવનનો ઉદય
છેલ્લા એક વર્ષમાં કેપ્ટન શ્રેયસ ઐય્યરના પ્રદર્શને સાબિત કર્યું છે કે તે હંમેશા સંઘર્ષ કરતી ટીમ માટે પરિવર્તનનો શિલ્પી રહ્યો છે. એક દૃઢ ઐય્યર અને ઓસ્ટ્રેલિયન રિકી પોન્ટિંગ જેવા કોચ સાથે તેમાં કોઈ શંકા નથી કે પંજાબ કિંગ્સને હરાવવું ખૂબ મુશ્કેલ હશે અને કોલકત્તા સામે સૌથી ઓછા સ્કોર (111 રન) નો બચાવ કરવા જેવું પ્રદર્શન તેનું ઉદાહરણ છે.

ગુજરાત ટાઇટન્સે ઉડાન ભરી
ત્રણ વર્ષ પહેલાં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયા પછી તેણે દરેક સીઝનમાં ઓછામાં ઓછા 400 રન કર્યા છે પરંતુ ગિલે માત્ર ઉદાહરણ દ્વારા નેતૃત્વ કર્યું નથી પરંતુ મુખ્ય બોલર રાશિદ ખાનના ખરાબ ફોર્મ છતાં તેની ટીમ રેસમાં આગળ રહે તે પણ સુનિશ્ચિત કર્યું છે.