કેએલ રાહુલ આઇપીએલનો એવો પ્રથમ બૅટ્સમૅન બન્યો જેણે…

નવી દિલ્હીઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમમાંથી આ વર્ષે દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમમાં આવી ગયેલો વિકેટકીપર-બૅટ્સમૅન કેએલ રાહુલ (KL RAHUL) આ વખતે મોટા ભાગની મૅચોમાં સારું રમ્યો છે અને ત્રણ હાફ સેન્ચુરીની મદદથી તેણે દિલ્હી વતી સૌથી વધુ 323 રન કર્યા છે ત્યારે મંગળવારના તેના અપ્રતિમ વિક્રમ બદલ તેની વાહ-વાહ થઈ રહી છે. તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપે 5,000 રન કરનારો બૅટ્સમૅન બન્યો છે.
રાહુલે આઇપીએલ (IPL)માં સૌથી ઓછી 130 ઇનિંગ્સમાં 5,000 રન (5,000 RUNS) પૂરા કર્યા છે. તેણે આ રેકૉર્ડ નોંધાવીને ડેવિડ વૉર્નર, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, શિખર ધવન અને સુરેશ રૈના જેવા દિગ્ગજોને પાછળ પાડી દીધા છે.
આ પણ વાંચો: આઇપીએલમાં મેચ ફિક્સિંગઃ લખનઉ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચ પર ગંભીર સવાલ?
રાહુલે મંગળવારે લખનઊમાં અણનમ 57 રન કરીને દિલ્હીને રોમાંચક વિજય અપાવ્યો હતો. લખનઊએ છ વિકેટે 159 રન કર્યા હતા જેના જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં બે વિકેટે 161 રન કરીને વિજય મેળવી લીધો હતો.
160 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ ઓપનર કરુણ નાયર (15 રન)ની વિકેટ પડ્યા બાદ ત્રીજા નંબરે બૅટિંગમાં આવેલા રાહુલ 42 બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 57 રન કરીને અણનમ રહ્યો હતો. આ સીઝનમાં તેની આ ત્રીજી હાફ સેન્ચુરી હતી. સીઝનમાં તેના સ્કોર્સ આ મુજબ રહ્યા છેઃ 15 રન, 77 રન, 93 અણનમ, 15 રન, 38 રન, 28 રન અને 57 અણનમ.
રાહુલે આ સીઝનની સાત મૅચમાં ત્રણ કૅચ પણ ઝીલ્યા છે.
દિલ્હીને લક્ષ્યાંક વહેલો અપાવી દેવા રાહુલ મક્કમ હતો. તેણે ઓપનર અભિષેક પોરેલ (36 બૉલમાં 51 રન) સાથે બીજી વિકેટ માટે 79 રનની અને કૅપ્ટન અક્ષર પટેલ (20 બૉલમાં ચાર સિક્સર, એક ફોરની મદદથી અણનમ 34) સાથે 56 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને દિલ્હીને 18મી ઓવરમાં વિજય અપાવી દીધો હતો.
આઇપીએલમાં કોના 5,000 રન કેટલા દાવમાં?
ખેલાડી | કેટલી ઇનિંગ્સમાં |
રાહુલ | 130 |
વૉર્નર | 135 |
કોહલી | 157 |
ડિવિલિયર્સ | 161 |
શિખર | 168 |
રૈના | 173 |
રોહિત | 187 |
ધોની | 208 |
નોંધઃ આ તમામ ખેલાડીઓમાં 5,000 રન બનાવવામાં રાહુલની 46.35ની બૅટિંગ-સરેરાશ સર્વશ્રેષ્ઠ છે. વૉર્નર 40.25ની ઍવરજે સાથે બીજા નંબરે છે.