રબાડાએ આઇપીએલમાંથી અચાનક જતા રહેવા વિશે ચોંકાવનારું કારણ આપ્યું!

જોહનિસબર્ગઃ વિશ્વના ટોચના ફાસ્ટ બોલર્સમાં ગણાતા સાઉથ આફ્રિકાના કૅગિસો રબાડાએ ગયા મહિને અચાનક આઇપીએલ (IPL-2025)માંથી (અંગત કારણસર) વિદાય કેમ લીધી એનું ચોંકાવનારું કારણ જાહેર કર્યું છે જેમાં તેણે કહ્યું છે કે તેણે આ વર્ષના જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાની ટી-20 ટૂર્નામેન્ટ દરમ્યાન (એમઆઇ કેપ ટાઉન વતી રમતી વખતે) તેણે પ્રતિબંધિત રીક્રિએશનલ ડ્રગ (કેફીદૃવ્ય) લીધું હોવાથી તેનો કામચલાઉ સસ્પેન્શનનો સમયગાળો શરૂ થઈ ગયો હોવાથી તે સ્વદેશ પાછો જતો રહ્યો હતો.
ગુજરાત ટાઇટન્સે (GT) તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રબાડાએ કઈ પ્રતિબંધિત ડ્રગ (DRUGS) લીધું હતું એ જણાવ્યું નહોતું. જોકે વર્લ્ડ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (WADA)ના જણાવ્યા મુજબ પ્રતિબંધિત રીક્રિએશનલ ડ્રગ લેવા બદલ ખેલાડી કે ઍથ્લીટ પર ત્રણ મહિનાથી ચાર વર્ષ સુધીનો પ્રતિબંધ લાગુ થઈ શકે.
જોકે ખેલાડી આ નશીલું દૃવ્ય સ્પર્ધાની બહારના દિવસોમાં લીધું હતું કે પર્ફોર્મન્સ સુધારવા નહોતું લીધું એવું પુરવાર કરે તો તેના પરનો પ્રતિબંધ ત્રણ મહિના સુધી ઘટી શકે. જો ખેલાડી ઉપરના મુદ્દા સાબિત ન કરી શકે તો તેના પર ઓછામાં ઓછો બે વર્ષનો બૅન લાગુ પડે છે.