જૉસ બટલર કહે છે, `બેંગલૂરુના સૉલ્ટનો મારાથી કૅચ છૂટ્યો ત્યારે જ મેં નક્કી કરી લીધું કે…’

બેંગલૂરુઃ ગુજરાત જાયન્ટ્સ (GT)ના પીઢ વિકેટકીપર-બૅટર જૉસ બટલર (એક કૅચ તેમ જ અણનમ 73, 39 બૉલ, છ સિકસર, પાંચ ફોર)એ બુધવારે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને સ્ટમ્પ્સની પાછળથી કેટલાક જીવતદાન આપ્યા હતા, પણ પછી બૅટિંગમાં અસલ કમાલ દેખાડીને જીટીને રોમાંચક વિજય અપાવ્યો ત્યાર બાદ વિકેટકીપિંગમાં કરેલી ભૂલની કબૂલાત કરી હતી. બટલરે (JOS BUTTLER) કહ્યું હતું કે બેંગલૂરુના ઓપનર ફિલ સૉલ્ટનો કૅચ છૂટી જતાં હું ખૂબ શરમ અનુભવી રહ્યો હતો, પણ પછી મેં નક્કી કર્યું હતું કે હું સારા એવા રન બનાવીને જીટીને વિજય અપાવીશ.’
બેંગલૂરુએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવ્યા હતા જેના જવાબમાં બેંગલૂરુએ 17.5 ઓવરમાં બે વિકેટે 170 રન બનાવી લીધા હતા. બેંગલૂરુની માત્ર 19 રનમાં ત્રણ વિકેટ લેનાર પેસ બોલર મોહમ્મદ સિરાજને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
આ પણ વાંચો: IPL 2025: GTએ RCBને 8 વિકેટે હરાવ્યું, જોસ બટલરની ધમાકેદાર બેટિંગ
બ્રિટિશ ખેલાડી ફિલ સૉલ્ટે (Phil Salt) 14 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજની પહેલી જ ઓવરમાં બટલરથી સૉલ્ટનો કૅચ છૂટી ગયો હતો. જોકે સૉલ્ટ ફક્ત 14 રન કરીને સિરાજના બૉલમાં ક્લીન બોલ્ડ થયો એટલે ગુજરાતને સૉલ્ટનું એ જીવતદાન બહુ મોંઘુ નહોતું પડ્યું. સિરાજના બૉલમાં સૉલ્ટ ઑફ સાઇડ પર શૉટ મારવાની લાલચમાં ખૂબ આગળ આવીને રમ્યો હતો, પણ તેના બૅટની કટ લાગી જતાં બૉલ બટલર તરફ ગયો હતો. બટલરે કહ્યું,અમે જાણીએ છીએ કે સૉલ્ટ ડેન્જરસ બૅટ્સમૅન છે. તેનો કૅચ હું ઝીલી શક્યો હોત, પણ મારા ગ્લવ્ઝને લાગ્યા પછી બૉલ મારી છાતી પર વાગ્યો હતો. એ કૅચ છૂટતાં જ મેં નક્કી કરી લીધું હતું કે હવે હું પુષ્કળ રન બનાવીને ગુજરાતની ટીમને વળતર આપી દઈશ.’
નવાઈની વાત એ છે કે સૉલ્ટના બૅટની કટ વાગ્યા બાદ બૉલ બટલર તરફ ગયો એ ક્ષણે જ કૅપ્ટન શુભમન ગિલ અને બોલર સિરાજે વિકેટનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું. જોકે ત્યાં તો બટલરથી કૅચ છૂટી ગયો હતો.
બટલરે એવું પણ કબૂલ્યું કે `મારા સહિત અમારી ફીલ્ડિંગ સારી નહોતી. જો અમારી ફીલ્ડિંગ સારી હોત તો અમને ઓછો લક્ષ્યાંક મળ્યો હોત. જે કંઈ હોય, અમે એ મૅચ સારી રીતે જીતી ગયા અને અમે જ જીતવાને લાયક હતા.’