જિતેશ શર્માએ એક જ ઇનિંગ્સથી આરસીબીને 11 કરોડ રૂપિયા વસૂલ કરી આપ્યા!
મહારાષ્ટ્રના વિકેટકીપર-બૅટ્સમૅનની પત્ની એન્જિનિયર છે

લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ને એના કાર્યવાહક કેપ્ટન, વિકેટકીપર અને બૅટ્સમૅન જિતેશ શર્માએ ધમાકેદાર ઇનિંગ્સ રમીને પોતાને આઈપીએલની એક સીઝન માટે આપવામાં આવનારા 11 કરોડ રૂપિયાના કૉન્ટ્રેક્ટ મનીનું વળતર આપી દીધું હતું. આ પ્રસંગે જિતેશના અંગત જીવન વિશે પણ આપણે થોડું રસપ્રદ જાણી લઈએ…
લખનઊએ કેપ્ટન- વિકેટકીપર રિષભ પંત (118 અણનમ, 61 બૉલ, આઠ સિક્સર, અગિયાર ફોર)ની આ સીઝનની પ્રથમ સદીની મદદથી ત્રણ વિકેટે 227 રન કરીને આરસીબીને 228 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો.
આરસીબીએ વિરાટ કોહલી (54 રન, 30 બૉલ, 10 સિક્સર)ની ઉપયોગી હાફ સેન્ચુરી, ફિલ સૉલ્ટના 30 રન તેમ જ જિતેશની મયંક અગરવાલ (41 અણનમ, 23 બૉલ, પાંચ ફોર) સાથેની 107 રનની અતૂટ ભાગીદારીની મદદથી 18.4 ઓવરમાં ચાર વિકેટના ભોગે 230 રન કરીને યાદગાર વિજય મેળવી લીધો હતો.
આ હાઈ પ્રેશર મુકાબલામાં જિતેશની મૅચ વિનિંગ ઇનિંગ્સની મદદથી આરસીબીએ ટૉપ-ટૂમાં સ્થાન મેળવી લીધું હતું. હવે આરસીબીની ટીમ પંજાબ સામેની ગુરુવારની ક્વોલિફાયર-વન મૅચ જીતીને સીધી ફાઇનલમાં પહોંચી શકશે.

જિતેશની પત્ની શલાકા પણ મહારાષ્ટ્રની
જિતેશ શર્મા (JITESH Sharma) 31 વર્ષનો છે. તે મહારાષ્ટ્રનો છે અને તેની પત્ની શલાકા પણ મહારાષ્ટ્રની જ છે. જિતેશ અને શલાકાએ ઓગસ્ટ 2024માં લગ્ન કર્યા હતા. તેઓ નાનપણથી એકબીજાને ઓળખે છે. શલાકા (Shalaka) એન્જિનિયર છે અને ટેકનોલૉજીને લગતા કામકાજ સંભાળે છે. તે એમ. ટેકની ડિગ્રી ધરાવે છે. જિતેશને ડોમેસ્ટિક તેમ જ આઈપીએલ (IPL)ની કરીઅરમાં શલાકાનો બહુ સારો સપોર્ટ મળ્યો છે. જિતેશ ભારત વતી નવ ટી-20 મૅચ રમી ચૂક્યો છે.
જિતેશ-શલાકાએ સાદાઈથી લગ્ન કર્યા હતા
ઓગસ્ટ, 2024માં જિતેશ શર્મા અને શલાકા માકેશ્વરે મહારાષ્ટ્ર્રના રીતિ રિવાજો મુજબ ખૂબ સાદાઈથી લગ્ન કર્યા હતા. તેમની લગ્નની તારીખ 8-8ને તેમના ચાહકો લકી માને છે.
જિતેશે મંગળવારે આરસીબીને વિજય અપાવ્યા પછી સાથી ખેલાડીઓ વિરાટ કોહલી, કૃણાલ પંડ્યા વગેરે સાથે મળીને ડ્રેસિંગ રૂમમાં જીતની ઉજવણી કરી હતી.