IPL 2025

જેક્સ-સૂર્યાની 71 રનની ભાગીદારી, પત્નીનો બર્થ-ડે ઉજવીને આવેલા બુમરાહના બે ધમાકા

મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં આજે વરસાદ અને પવનના વાતાવરણ વચ્ચે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને ડીએલએસ પદ્ધતિને આધારે ગુજરાત ટાઇટન્સ (GT)ની પ્રવાસી ટીમ સામે પાંચ રનના તફાવતથી જીતવાનો મોકો હતો અને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવવાની તક હતી ત્યારે વરસાદ પડવાનો ચાલુ જ હતો અને ખેલાડીઓ, અમ્પાયરો, અધિકારીઓ, હજારો પ્રેક્ષકો તેમ જ કરોડો ટીવી-દર્શકો અવઢવમાં હતા.

ગુજરાતને 156 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. રાત્રે 11.45 વાગ્યે ધોધમાર વરસાદ પડતાં રમત અટકી ગઈ હતી અને મુંબઈના 155/8ના સ્કોર સામે ગુજરાતનો સ્કોર 18 ઓવરને અંતે 132/6 હતો અને ગુજરાતે 12 બૉલમાં 24 રન કરવાના હતા. ગુજરાતની છમાંથી બે-બે વિકેટ બુમરાહ, બૉલ્ટ અને અશ્વની કુમારે લીધી હતી.

ઓપનર સુદર્શન (પાંચ રન)ને બૉલ્ટે સસ્તામાં આઉટ કર્યા બાદ ગિલ (43 રન, 46 બૉલ, એક સિકસર, ત્રણ ફોર) અને બટલર (30 રન) વચ્ચે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી થઈ હતી જેનાથી ગુજરાતની ટીમની સંભવિત જીતનો પાયો નખાયો હતો. જોકે વરસાદના વિઘ્ન બાદ બુમરાહે ગિલને ક્લીન બોલ્ડ કર્યો જ્યારે રુધરફર્ડ બે સિક્સર, બે ફોરની મદદથી 28 રન કરીને બૉલ્ટના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો. બુમરાહની પત્ની સંજનાનો મંગળવારે 34મો બર્થ-ડે હતો.

એ પહેલાં, મુંબઈએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન કર્યાં હતા.

બે ` નસીબવાન’ બૅટ્સમેન વિલ જેક્સ (53 રન, 35 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) અને સૂર્યકુમાર યાદવ (35 રન, 24 બૉલ, પાંચ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 43 બૉલમાં 71 રનની ભાગીદારી થઈ હતી. જેક્સને શૂન્ય પર અને 29 રનના તેના સ્કોર પર જીવતદાન મળ્યું હતું. સૂર્યકુમાર 10 રને હતો ત્યારે સાઈ કિશોરથી તેનો કૅચ ડ્રોપ થયો હતો. સૂર્યાની વિકેટ તેનો કૅચ છોડનાર સાઈ કિશોરે અને જેક્સની વિકેટ રાશીદ ખાને લીધી હતી.

સૂર્યાની બે મોટી સિદ્ધિ

સૂર્યા ફરી વાર આ સીઝનના બેટ્સમેનોમાં નંબર વન થયો હતો. તેણે 510 રન બદલ વિરાટ કોહલી (505 રન)ને પાછળ રાખી દીધો હતો અને ઓરેન્જ કૅપ મેળવી હતી.

સૂર્યાએ આ સીઝનમાં લાગલગાટ 12મી વાર પચીસ-પ્લસ રન કર્યાં હતા જે આઈપીએલમાં વિક્રમ છે. જોકે ટી-20માં આ પ્રકારના રેકોર્ડમાં ટેમ્બા બવૂમા 13 પચીસ-પ્લસ સ્કોર સાથે મોખરે છે.

મિડલ ઑર્ડર તૂટી પડ્યો

મુંબઈના ઓપનર્સ રાયન રિકલ્ટન (2) અને રોહિત શર્મા (7) સસ્તામાં આઉટ થયા હતા. તિલક વર્મા (7), હાર્દિક પંડ્યા (1) અને નમન ધીર (7) પણ વહેલાં આઉટ થઈ ગયા હતા.

મુંબઈએ રિકલ્ટન અને રોહિતની વિકેટ માત્ર 26 રનમાં ગુમાવી હતી, પણ જેક્સ-સૂર્યાની ભાગીદારી બાદ મિડલ ઑર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો.
યજમાન મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ રનનો ઢગલો કરવામાં તેઓ નિષ્ફ્ળ ગયા હતા.

બોલિંગે ગુજરાતની લાજ રાખી

ગુજરાતની ફીલ્ડિંગ નબળી હતી, છતાં બોલિંગે પ્રવાસી ટીમની લાજ રાખી હતી. તમામ છ બોલરને વિકેટ મળી હતી સાઈ કિશોરને બે વિકેટ તથા સિરાજ, ક્રિષ્ના, રાશીદ, અર્શદ ખાન અને કોએટઝીને એક-એક વિકેટ મળીહતી.

કોર્બીનને લમણામાં બૉલ વાગ્યો

સાઉથ આફ્રિકાના 30 વર્ષીય ઑલરાઉન્ડર કોર્બીન બૉશ્ચ (27 રન, 22 બૉલ, બે સિક્સર, એક ફોર)એ રાશીદ અને બટલરના હાથે રનઆઉટમાં વિકેટ ગુમાવી એ પહેલાં તેને ક્રિષ્નાનો બૉલ લમણામાં વાગ્યો હતો. જોકે તેને ગંભીર ઈજા નહોતી થઈ. વિકેટ પડતા પહેલાં તેણે રિવર્સ સ્વીપમાં અદભુત સિક્સર ફટકારી હતી.

ગુજરાતની ટીમમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને અર્શદ ખાનનો સમાવેશ કરાયો હતો. ડ્રગ્સ સંબંધિત સસ્પેન્શન પૂરું કરીને મુંબઈ પાછા આવેલા સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાને આ મૅચમાં રમાડવામાં આવશે એવી સોમવારે પાકી સંભાવના હતી, પરંતુ કૅપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે `રબાડાને હજી બે પ્રૅક્ટિસ-સેશનની જરૂર છે અને ત્યાર પછી જ તેને ઇલેવનમાં સમાવવામાં આવશે.

આ પણ વાંચો ‘મેં RCB છોડવા વિષે વિચાર્યું હતું…’ વિરાટ કોહલીએ કર્યો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button