કોલકાતા માટે આજે ફરી `કરો યા મરો’: ચેન્નઈને ગૌરવ બચાવવા જીતવું જ છે

કોલકાતાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને પાંચ વાર ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુકાબલો થશે. કેકેઆર માટે ફરી એકવાર `ડુ ઑર ડાય’ની સ્થિતિ છે. એની ત્રણ લીગ મૅચ બાકી છે અને એણે દરેક મૅચ જીતવાની છે અને એની શરૂઆત આજથી જ કરવાની છે. જોકે સીએસકેની ટીમ પ્લે-ઑફ રાઉન્ડની રેસની બહાર થઈ ગઈ છે એટલે એણે હારે તો કંઈ ગુમાવવાનું નથી, પણ પોતાની શાખ જોતાં એમએસ ધોનીની નેતૃત્વમાં આ ટીમ રહ્યુંસહ્યું ગૌરવ સાચવવા આ મૅચ કેમેય કરીને જીતવાનો પ્રયાસ કરશે.
કેકેઆરની ટીમ 11 મૅચ બાદ 11 પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે અને ટૉપ-ફોરમાં આવવા તેમ જ પ્લે-ઑફમાં પોતાનું સ્થાન નક્કી કરવા હજી ઘણો સંઘર્ષ કરવાનો બાકી છે. કેકેઆરની ટીમ સતત બે હાર બાદ ઉપરાઉપરી બે મૅચ જીતીને ચેન્નઈ સામે રમવા મેદાનમાં ઊતરશે. બીજી તરફ, ચેન્નઈની ટીમ છેલ્લી ચારેય મૅચ હારી હોવાથી ઘાયલ સિંહની માફક મેદાનમાં આવશે અને રહીસહી તાકાત કેકેઆર સામે અજમાવવા કોઈ કસર બાકી નહીં રાખે.
આ પણ વાંચો: હાર્દિકને 24 લાખ રૂપિયાનો દંડ અને ગુજરાતના કોચ નેહરાની પચીસ ટકા મૅચ ફી કપાઈ…
2024માં કેકેઆરે શ્રેયસ ઐયરના સુકાનમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું અને આ વખતે શ્રેયસ પંજાબ કિંગ્સનો કૅપ્ટન છે અને તેની ટીમ ત્રીજા સ્થાને છે. આ વખતે કેકેઆરનું સુકાન અજિંક્ય રહાણેના હાથમાં છે. આ ટીમ તાજેતરમાં દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સને હરાવીને અને પછી હોમ-ગ્રાઉન્ડ પર રાજસ્થાન રૉયલ્સને પરાજિત કરીને પ્લે-ઑફની રેસમાં જીવંત રહી છે. જોકે આજે ચેન્નઈ સામે, શનિવારે હૈદરાબાદ સામે અને પછી બેંગલૂરુમાં કેકેઆરે જીતવું જ પડશે અને ત્યાર પછી પણ 17 પૉઇન્ટ હોવા છતાં કેકેઆર માટે સ્પર્ધામાં ટકવું નક્કી નહીં હોય. કારણ એ છે કે ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવવા ગુજરાત, બેંગલૂરુ, પંજાબ, મુંબઈ અને દિલ્હી વચ્ચે જોરદાર રસાકસી થશે.
11મી એપ્રિલે કોલકાતા-ચેન્નઈની મૅચમાં ચેન્નઈની ટીમ માત્ર 103/9ના સ્કોર બાદ આઠ વિકેટે હારી ગઈ હતી. સ્પિન-ઑલરાઉન્ડર સુનીલ નારાયણ (13 રનમાં ત્રણ વિકેટ અને પછી 18 બૉલમાં 44 રન) મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો.
આ પણ વાંચો: ‘મેં RCB છોડવા વિષે વિચાર્યું હતું…’ વિરાટ કોહલીએ કર્યો ખુલાસો
ચેન્નઈ આજે ટીમમાં નવા સામેલ કરવામાં આવેલા ગુજરાતી બૅટ્સમૅન ઉર્વિલ પટેલ (URVIL PATEL)ને રમાડશે એવી સંભાવના છે. ઉર્વિલ ટી-20માં ભારતનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન છે. મેહસાણામાં જન્મેલા ઉર્વિલે ગયા વર્ષે ઇન્દોરમાં ગુજરાત વતી ત્રિપુરા સામે રમતી વખતે માત્ર 28 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક સીઝનમાં સૌથી વધુ 29 સિક્સર ફટકારવાનો વિક્રમ ઉર્વિલના નામે છે. તેણે મધ્ય પ્રદેશના રજત પાટીદારનો 27 છગ્ગાનો રેકૉર્ડ તોડ્યો હતો.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ
કોલકાતાઃ અજિંક્ય રહાણે (કૅપ્ટન), રહમનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મોઇન અલી, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી. 12મો પ્લેયરઃ વૈભવ અરોરા
ચેન્નઈઃ એમએસ ધોની (કૅપ્ટન, વિકેટકીપર), આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ/શેખ રાશીદ, સૅમ કરૅન, ડેવાલ્ડ બે્રવિસ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, દીપક હૂડા, ખલીલ અહમદ, નૂર અહમદ અને અંશુલ કંબોજ. 12મો પ્લેયરઃ મથીશા પથિરાના.
આઇપીએલ-2025માં કઈ ટીમ કેવી સ્થિતિમાં?
ક્રમ | ટીમ | મૅચ | જીત | હાર | અનિર્ણીત | પૉઇન્ટ | રનરેટ |
1 | ગુજરાત | 11 | 8 | 3 | 0 | 16 | +0.793 |
2 | બેંગલૂરુ | 11 | 8 | 3 | 0 | 16 | +0.482 |
3 | પંજાબ | 11 | 7 | 3 | 1 | 15 | +0.376 |
4 | મુંબઈ | 12 | 7 | 5 | 0 | 14 | +1.156 |
5 | દિલ્હી | 11 | 6 | 4 | 1 | 13 | +0.362 |
6 | કોલકાતા | 11 | 5 | 5 | 1 | 11 | +0.249 |
7 | લખનઊ | 11 | 5 | 6 | 0 | 10 | -0.469 |
8 | હૈદરાબાદ | 11 | 3 | 7 | 1 | 7 | -1.192 |
9 | રાજસ્થાન | 12 | 3 | 9 | 0 | 6 | -0.718 |
10 | ચેન્નઈ | 11 | 2 | 9 | 0 | 4 | -1.117 |
નોંધઃ (1) તમામ આંકડા મંગળવારની મુંબઈ-ગુજરાત મૅચના અંત સુધીના છે. (2) દરેક ટીમે 14 લીગ મૅચ રમવાની છે. ત્યાર બાદ ટોચની ચાર ટીમ પ્લે-ઑફ રાઉન્ડમાં રમશે. (3) ચેન્નઈ, રાજસ્થાન, હૈદરાબાદની ટીમ પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે.