IPL 2025

ઇશાંત શર્માને પડ્યા માથે પાટું! SRH સામે ખરાબ બોલિંગ બાદ BCCI એ દંડ ફટકાર્યો…

હૈદરાબાદ: ગઈ કાલે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી (GT beats SRH) હરાવ્યું. GTએ આ સિઝનમાં સતત ત્રીજી મેચ જીતી છે. GT તરફથી શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી, ત્યારે બોલિંગમાં મોહમ્મદ સિરાજે સારું પ્રદર્શન કર્યું. જ્યારે GT માટે ઇશાંત શર્મા ખૂબ મોંઘો સાબિત થયો, તેણે 4 ઓવરમાં 53 રન આપ્યા. ખરાબ પ્રદર્શન બાદ ઇશાંતને વધુ એક ઝટકો લાગ્યો છે, BCCI એ ચોક્કસ કારણોસર ઇશાંતને દંડ ફટકાર્યો છે.

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) એ ફાસ્ટ બોલર ઇશાંત શર્મા પર મોટો દંડ ફટકાર્યો છે. BCCIએ ઇશાંત પર મેચ ફીના 25%નો દંડ ફટકાર્યો છે. ગઈ કાલે ઇશાંતે IPL 2025 માં ત્રીજી મેચ રમી હતી. આ મેચમાં તેણે ઘણા રન આપ્યા. આ ઉપરાંત, તેણે IPL ની આચારસંહિતાનું પણ ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો.

IPL દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું કે ઇશાંત શર્માએ કલમ 2.2નું ઉલ્લંઘન કર્યું છે. આ કલમ મેચ દરમિયાન ક્રિકેટના સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડના સાધનો અને ફિટિંગના દુરુપયોગ સાથે સંબંધિત છે. આ લેવલ 1 નો ગુનો હતો, જેના માટે ઇશાંતે રેફરીની સજા સ્વીકારી લીધી છે. તેને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. જોકે, તેને આ દંડ શા માટે થયો છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

મેચમાં ઇશાંત શર્માનું ખરાબ પ્રદર્શન:
SRH સામે ઇશાંત શર્માનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તેણે ચાર ઓવરમાં 53 રન આપ્યા અને એક પણ વિકેટ ન મળી. કેપ્ટન શુભમન ગિલે તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો, તેના સ્થાને શેરફેન રધરફોર્ડને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.

IPL 2025 માં ઇશાંતનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી. તેણે આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને માત્ર એક જ વિકેટ લીધી છે. ઇશાંત શર્મા 2008 થી IPL રમી રહ્યો છે. અગાઉ તે કોલકાતા નાઈટ રાઇડર્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વતી રમી ચૂક્યો છે. તેણે 113 IPL મેચોમાં કુલ 93 વિકેટ લીધી છે.

આપણ વાંચો : તિલકને રિટાયર-આઉટ કરાતાં ડ્રેસિંગ-રૂમમાં સૂર્યકુમાર નારાજ થયો હતો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button