IPL 2025

આઇપીએલની છેલ્લે રદ કરાયેલી મૅચ ફરીથી રમાશેઃ અહેવાલ

અઠવાડિયામાં વિદેશી ખેલાડીઓને પાછા બોલાવવામાં મુશ્કેલીઃ આઇપીએલ અઠવાડિયામાં નહીં તો પછી સપ્ટેમ્બરમાં?

નવી દિલ્હીઃ ગુરુવાર, આઠમી મેએ ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ વકરતાં હિમાચલ પ્રદેશમાં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચેની મૅચ અધવચ્ચેથી રદ કરવામાં આવી હતી અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે એવી પાકી સંભાવના છે કે સસ્પેન્ડ કરવામાં આવેલી આઇપીએલ (IPL-2025)ની સીઝન થોડા દિવસમાં (એક અઠવાડિયામાં) ફરી શરૂ કરાશે ત્યારે આઠમી મેની આ મૅચ ફરીથી રમાડવામાં આવશે, કારણકે પંજાબ અને દિલ્હી, બન્ને ટીમ માટે આ મૅચ પ્લે-ઑફમાં પહોંચવા માટે એ મૅચ ખૂબ જ અગત્યની છે.

ધરમશાલા (DHARAMSHALA)માં આઠમી મેએ રાત્રે ભારત-પાકિસ્તાન જંગ ઉગ્ર બનતાં પંજાબ-દિલ્હીની મૅચ દરમ્યાન પહેલાં તો મોટા ભાગની ફ્લડલાઇટ ડિમ કર્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી. ટેક્નિકલ કારણસર આ લાઇટ બંધ થઈ ગઈ હોવાનું કારણ ત્યારે લાઉડસ્પીકર પરની જાહેરાતમાં અપાયું હતું. કારણ એ છે કે બ્લૅકઆઉટના નિયમનું પાલન કરવાના હેતુથી લાઇટ બંધ કરાઈ એવું જો જાહેર કરાયું હોત તો સ્ટેડિયમમાં બેઠેલા 25,000 લોકોમાં નાસભાગ થઈ હોત અને પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હોત. જોકે એક કે બે લાઇટ ચાલુ રાખીને માત્ર 20 મિનિટમાં 25,000 લોકોને સલામત રીતે સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યા હતા. બીજી બાજુ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેમ્બર્સને 40થી 50 વાહનમાં બેસાડીને ધરમશાલાથી હોશિયારપુર થઈને જલંધર પહોંચાડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ખાસ ટ્રેનમાં દિલ્હી પહોંચાડવામાં આવ્યા અને ત્યાંથી તેઓ વિમાનમાં પોતપોતાના સ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ

આઇપીએલમાં તમામ 10 ટીમે 14 લીગ મૅચ રમવાની છે. ચેન્નઈ, રાજસ્થાન, હૈદરાબાદની ટીમ પ્લે-ઑફ રાઉન્ડની બહાર થઈ ચૂકી છે. છઠ્ઠા નંબરનું કોલકાતા અને સાતમા નંબરનું લખનઊ પણ એક્ઝિટની નજીકમાં છે. ખરી વાત એ છે કે ટૉપ-ફાઇવ ટીમમાંથી એકેય ટીમે હજી સત્તાવાર રીતે પ્લે-ઑફમાં પ્રવેશ નથી કર્યો.

ગુજરાત (16 પૉઇન્ટ) પ્રથમ નંબરે, બેંગલૂરુ (16) બીજા નંબરે, પંજાબ (15) ત્રીજા નંબરે, મુંબઈ (14) ચોથા નંબરે અને દિલ્હી (13) પાંચમા નંબરે છે.

આ પાંચ ટીમમાં પંજાબ અને દિલ્હી પ્લે-ઑફમાં પહોંચવા ઝઝૂમી રહી છે. બન્નેની 11-11 મૅચ થઈ ચૂકી છે. પંજાબના 15 અને દિલ્હીના 13 પૉઇન્ટ છે. આઠમી મેએ મૅચ (MATCH) રદ કરાઈ ત્યારે પંજાબનો સ્કોર 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન હતો. પ્રિયાંશ આર્યએ 70 રન કર્યા હતા અને પ્રભસિમરન સિંહ 50 રને રમી રહ્યો હતો. એ દિવસની મૅચ રદ કરાતાં બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાતાં પ્લે-ઑફની બાબતમાં બેમાંથી કોઈની પણ સમસ્યા દૂર નથી થઈ. હવે આઇપીએલ ફરી થશે તો બેઉ ટીમની 11-11મી મૅચ ફરીથી રમાશે એટલે પ્લે-ઑફમાં જવાનો મોકો વધારવા બન્ને ટીમને સરખી તક મળશે.

આ પણ વાંચો: આઇપીએલ એક અઠવાડિયા માટે સ્થગિત કરાઈ છે

બીસીસીઆઇ અઠવાડિયામાં આઇપીએલ ફરી શરૂ કરવાનું નક્કી કરશે એવું સેક્રેટરી દેવાજિત સૈકિયાએ કહ્યું છે. ભારતીય ખેલાડીઓને નવા શેડ્યૂલ મુજબ નિયત સ્થળે પહોંચી જવા માટે અત્યારથી માનસિક રીતે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. જોકે વિદેશી ખેલાડી (જેઓ બે દિવસ પહેલાં દિલ્હીથી પોતાના દેશમાં જતા રહ્યા છે) તેમને અઠવાડિયામાં પાછા બોલાવવામાં થોડી મુશ્કેલી થઈ શકે.

એવું મનાય છે કે જો ભારત-પાકિસ્તાન યુદ્ધ લાંબુ ચાલશે અને એક અઠવાડિયામાં આઇપીએલ ફરી શરૂ નહીં કરાય તો છેક સપ્ટેમ્બરમાં એ યોજવાની તક મળશે. જૂનમાં ભારતીય ક્રિકેટરો ઇંગ્લૅન્ડના લાંબા પ્રવાસે જશે અને પછી ઑગસ્ટમાં ભારતની બાંગ્લાદેશ સામે સિરીઝ રમાવાની છે. શેડ્યૂલ મુજબ સપ્ટેમ્બરમાં ભારતમાં એશિયા કપ યોજાવાનો છે, પણ ભારત-પાકિસ્તાન સંબંધો તંગ હોવાને લીધે એશિયા કપ નહીં યોજાય તો એ સમયગાળામાં આઇપીએલની બાકીની 16 મૅચ (12 લીગ મૅચ + પ્લેઑફની ત્રણ મૅચ + ફાઇનલ) રાખી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button