સનરાઇઝર્સ સામે હાર બાદ બેંગલૂરુના કેપ્ટને કહ્યું- સારું થયું હારી ગયા, કારણકે…

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુને 42 રનથી હરાવીને ફરી એકવાર રહીસહી આબરૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદે પ્લે-ઑફની બહાર થઈ ગયા બાદ સોમવારે લખનઊને હરાવ્યા પછી હવે બેંગલૂરુની મજબૂત ટીમને પરાજિત કરીને નાનો અપસેટ સર્જયો હતો. બેંગલૂરુની ટીમ 232 રનના લક્ષ્યાંક સામે 19.5 ઓવરમાં 189/10નો સ્કોર નોંધાવી શકી હતી અને લાગલગાટ ચાર વિજય બાદ પાંચમી મૅચમાં હૈદરાબાદ સામે પરાજય જોવો પડ્યો હતો. હારથી આરસીબીને ટોપ-2માં પહોંચવાની આશાને ફટકો લાગ્યો હતો.
આ મેચમાં આરસીબીના રેગ્યુલર કેપ્ટન રજત પાટીદારના બદલે વિકેટકિપર બેટ્સમેન જિતેશ શર્માએ કેપ્ટનશિપ કરી હતી. મેચ બાદ જિતેશ શર્માએ કહ્યું, તેમની ટીમે 20થી30 રન વધારે આપ્યા હતા. એસઆરએચની આક્રમક બેટિંગનો અમારી પાસે કોઈ જવાબ નહોતો. તેણે ટીમની બોલિંગની પ્રશંસા કરી અને ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરી હતી.
મેચ બાદ થયેલી વાતચીતમાં જિતેશે એવું કહ્યું કે, જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. હારને જિતેશે એક બોધપાઠ તરીકે લીધી હતી. તેણે કહ્યું, ક્યારેક મેચ હારવી સારો સંકેત પણ હોઈ શકે છે. તમને તમારી નબળાઈનું વિશ્લેષણ કરવાનો મોકો મળે છે. તમામ ખેલાડી યોગદાન આપી રહ્યા છે તે સારી વાત છે. અમને હાર બાદ કેટલીક બાબતોનો રિવ્યૂ કરવાનો મોકો મળ્યો છે. જેનાથી અમને આગામી મેચમાં ફાયદો થશે.