ઇશાન કિશનના અણનમ 94, બેંગલૂરુને મળ્યો 232 રનનો પડકારરૂપ લક્ષ્યાંક…

લખનઊઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 231 રન કરીને આરસીબીને 232 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. ઇશાન કિશન (94 અણનમ, 48 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) આ ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતો. તે છ રન માટે આ સીઝનમાં બીજી સદી ચૂકી ગયો હતો. તેના સિવાય હૈદરાબાદના બીજા કોઈ બૅટ્સમૅનની હાફ સેન્ચુરી નહોતી.
અભિષેક શર્મા (34 રન, 17 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને ટ્રૅવિસ હેડ (17 રન, 10 બૉલ, ત્રણ ફોર) વચ્ચે 54 રનની સાધારણ ભાગીદારી થઈ હતી, પણ 54 રનના જ સ્કોર પર બન્ને ઓપનરે વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ હૈદરાબાદની બાજી સંભાળવાની જવાબદારી કિશને (ISHAN KISHAN) સંભાળી લીધી હતી. તેણે હિન્રિક ક્લાસેન (24 રન, 13 બૉલ, બે સિક્સર, બે ફોર) સાથે 48 રનની, અનિકેત વર્મા (26 રન, નવ બૉલ, બે સિક્સર, એક ફોર) સાથે 43 રનની અને છેલ્લે કૅપ્ટન પૅટ કમિન્સ (13 અણનમ, છ બૉલ, એક સિક્સર) સાથે 43 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને હૈદરાબાદના સ્કોરને 231 સુધી પહોંચાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
બેંગલૂરુના બોલર્સમાં રોમારિયો શેફર્ડે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ભુવનેશ્વર, ઍન્ગિડી, સુયશ અને કૃણાલને એક-એક વિકેટ મળી હતી. બેંગલૂરુની ટીમ આઇપીએલ-2025ની પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે એટલે આજે અહીં સામેની મૅચમાં એણે (આરસીબીએ) થોડી અજમાયશ કરવાનું પસંદ કર્યું છે. આરસીબીની ટીમનું સુકાન રજત પાટીદાર નહીં, પણ વિકેટકીપર જિતેશ શર્મા સંભાળી રહ્યો છે. પાટીદારને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. મયંક અગરવાલને દેવદત્ત પડિક્કલના સ્થાને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે.
મુખ્ય કૅપ્ટન રજત પાટીદારના સુકાનમાં આરસીબીની ટીમ પ્લે-ઑફમાં પહોંચવામાં સફળ થતાં આ ટીમને પહેલી વાર ટ્રોફી જીતવાનો મોકો છે. આ મૅચ જીતીને આરસીબીની ટીમ પ્લે-ઑફની ચાર ટીમમાંથી ટૉપ-ટૂમાં આવવાની દિશામાં આગળ વધશે. ઉલ્લેખનીય છે કે ટૉપ-ટૂમાં આવનારી ટીમ વચ્ચે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં 29મી મેએ જે ક્વૉલિફાયર-વન રમાશે એમાં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે અને હારી જનારી ટીમને ફાઇનલમાં પહોંચવા વધુ એક તક મળશે.