IPL 2025

સુપરમૅન કમિન્ડુ મેન્ડિસના આ અદ્દભુત કૅચ સાથે સનરાઇઝર્સનું ભાગ્ય ખૂલી ગયું!

ચેન્નઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના શ્રીલંકન ઑલરાઉન્ડર કમિન્ડુ મેન્ડિસે શુક્રવારે અહીં ચેપૉકના મેદાન પર આઈપીએલ (IPL-2025)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ડેવાલ્ડ બ્રેવિસ (42 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર)નો અદ્દભુત કૅચ (CATCH) પકડીને સીએસકેની ટીમને 154 રન સુધી સીમિત રખાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મેન્ડિસે ઝીલેલા આ કૅચની ગઈ કાલથી બોલબાલા છે.

કૅચીઝ વિન મૅચીઝ’ની કહેવત અહીં અચૂક લાગુ પડે છે, કારણકે મેન્ડિસના હાથે બ્રેવિસ (DEWALD BREVIS) કૅચઆઉટ થયા પછી ચેન્નઈની ટીમ 154 રન સુધી મર્યાદિત રહી હતી અને હૈદરાબાદે 18.4 ઓવરમાં પાંચ વિકેટે 155 રન કરીને પ્લે-ઑફ માટેની રેસમાં પહોંચવા માટે અત્યંત જરૂરી વિજય મેળવ્યો હતો. થોડા મહિનાઓથી ફીલ્ડરો ડાઇવ મારીને (વિશ્વના સર્વશ્રેષ્ઠ ફીલ્ડર સાઉથ આફ્રિકાના જૉન્ટી રહોડ્સની માફક) અફલાતૂન કૅચ પકડવામાં સફળ થયા હોય એવા કિસ્સા વારંવાર બની રહ્યા છે.

ગ્લેન ફિલિપ્સ યાદ છેને? બીજી માર્ચે દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચમાં વિરાટ કોહલી 11 રન પર હતો ત્યારે ફિલિપ્સે બૅકવર્ડ પૉઇન્ટ પર ડાઇવ મારીને તેનો અદ્દભુત કૅચ પકડ્યો હતો. એ જ મહિનામાં ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂ ઝીલૅન્ડના જ ટિમ રૉબિન્સને ડાઇવ મારીને પાકિસ્તાનના શાદાબ ખાનનો કમાલનો કૅચ ઝીલ્યો હતો. શુક્રવારે 13મી ઓવરમાં 114 રનના સ્કોર પર ચેન્નઈની ચાર વિકેટ પડી ચૂકી હતી અને બ્રેવિસ 42 રને રમી રહ્યો હતો. હર્ષલ પટેલે ફુલ લેન્ગ્થમાં ઑફ સ્ટમ્પની બહાર થોડો ધીમો બૉલ ફેંક્યો હતો. બ્રેવિસે લૉફ્ટેડ શૉટમાં સિક્સર કે ફોર ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પણ લૉન્ગ-ઑફ પરથી દોડી આવેલા મેન્ડિસે (KAMINDU MENDIS) ડાબી તરફ ડાઇવ મારીને અકલ્પ્નીય કૅચ પકડ્યો હતો.

બૅટ્સમૅન બ્રેવિસના માનવામાં જ નહોતું આવ્યું એ તો ઠીક, બોલર હર્ષલ પટેલ પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને મોં પર હાથ રાખીને આશ્ચર્યચકિત ભાવે મેન્ડિસ સામે જોતો રહી ગયો હતો. મેન્ડિસે સફળ કૅચનો સંકેત આપીને ટીમના સૌને ખુશ કરી દીધા હતા અને ચેન્નઈના સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. હૈદરાબાદના હેડ-કોચે કહ્યું હતું કેઆવો કૅચ પકડવા ગજબની ચપળતા જોઈએ અને એ મેન્ડિસે બતાવી. પોતાની દિશામાં આવી રહેલા બૉલ પર ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરવું અને પળવારમાં (પરફેક્ટ ટાઇમિંગથી) ડાઇવ મારીને કૅચ આબાદ પકડી લેવો એ ભાગ્યે જ કોઈ ફીલ્ડર કરી શકે. કરીઅરમાં આવા માંડ એકાદ બે કૅચ જોવા મળતા હોય છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button