આઇપીએલની શરૂઆત પહેલાં જ મોટા સમાચાર…સુરક્ષાના કારણસર શેડ્યૂલમાં નાનો ફેરફાર આવશે…

કોલકાતાઃ શનિવારે શરૂ થતી આઇપીએલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા અને લખનઊ વચ્ચેની છઠ્ઠી એપ્રિલની મૅચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રાખવામાં આવી છે, પણ હવે એના શેડ્યૂલમાં ફેરફાર કરવાની તૈયારી થઈ રહી છે અને આ મૅચ કોલકાતાને બદલે ગુવાહાટીમાં રાખવામાં આવશે એવી પાકી સંભાવના છે. એ દિવસે રામનવમી નિમિત્તે કોલકાતા ભરમાં વ્યાપક સ્તરે એ તહેવારની ઉજવણીઓ થવાની હોવાથી પોલીસ તંત્રએ એ દિવસે આઇપીએલની મૅચ માટે સુરક્ષા પૂરી પાડવાની તૈયારી નથી બતાડી જેને લીધે મૅચ કદાચ ગુવાહાટીમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : આઇપીએલ નજીક આવી ગઈ…બૅટિંગ-બોલિંગના ટૉપર્સ પર એક નજર કરી લઈએ…
આ જાણકારી ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીના ભાઈ અને ક્રિકેટ અસોસિયેશન ઑફ બેન્ગાલના પ્રમુખ સ્નેહાશિષ ગાંગુલીએ ગુરુવારે પીટીઆઇને આપી હતી. સ્નેહાશિષે પીટીઆઇને કહ્યું હતું કે `મેં પોલીસ વિભાગ સાથે ઘણી ચર્ચા કરી હતી અને તેમણે મૅચના દિવસે પૂરતી સલામતી પૂરી પાડવામાં પોતે અસમર્થ હોવાનું મને કહ્યું હતું. જો પોલીસ તરફથી સુરક્ષા ન મળવાની હોય તો 65,000 જેટલા લોકોને સ્ટેડિયમમાં સમાવવાથી માંડીને તેમને કાબૂમાં રાખવાનું શક્ય ન બને.’
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળમાં રામનવમીને દિવસે કુલ 20,000થી પણ વધુ સરઘસનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે હજી આઇપીએલના સત્તાધીશો તરફથી સત્તાવાર રીતે કોઈ જ જાણકારી બહાર નથી પાડવામાં આવી.
2024ની આઇપીએલમાં પણ રામનવમીના દિવસે કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મૅચ સલામતી વ્યવસ્થાના અભાવને કારણે કોલકાતાને બદલે બીજે રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : આઇપીએલના ઇતિહાસના આ શ્રેષ્ઠ આઠ રોમાંચક મુકાબલા યાદ છે ને?
આઇપીએલના 10 મહારથીઃ
મુંબઈમાં ગઈ કાલે આઇપીએલના કૅપ્ટનો (જમણેથી ડાબે) શ્રેયસ ઐયર (પંજાબ), શુભમન ગિલ (ગુજરાત), સંજુ સૅમસન (રાજસ્થાન), ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ), રજત પાટીદાર (બેન્ગલૂરુ), અક્ષર પટેલ (દિલ્હી), અજિંક્ય રહાણે (કોલકાતા), રિષભ પંત (લખનઊ), હાર્દિક પંડ્યા (મુંબઈ) અને પૅટ કમિન્સ (હૈદરાબાદ). (આઇપીએલ)