IPL 2025

કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રવિવારથી ` કરો યા મરો’

પ્લે-ઑફની રેસની બહાર થયેલું રાજસ્થાન રહાણે-ઇલેવનની બાજી બગાડી શકેઃ બપોરે 3.30 વાગ્યાથી ટક્કર

કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે હવે ખરા અર્થમાં ` કરો યા મરો’નો સમય શરૂ થઈ ગયો છે. રવિવાર, ચોથી એપ્રિલે (બપોરે 3.30 વાગ્યાથી) અજિંક્ય રહાણેના સુકાનવાળી કોલકાતાની ટીમનો મુકાબલો એવી ટીમ સામે છે જે પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે એટલે રવિવારે કોલકાતા સામે એ હરીફ ટીમના ખેલાડીઓ કોઈ પણ પ્રકારના માનસિક બોજ વગર રમશે તો કોલકાતાને ભારે પડી શકે. રાજસ્થાન રૉયલ્સ (RR) આ વખતની આઇપીએલમાંથી વહેલી બહાર થઈ જનારી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) પછીની બીજી ટીમ છે અને રવિવારે કોલકાતાનો મુકાબલો રાજસ્થાન સામે છે.

10માંથી દરેક ટીમે 14 લીગ મૅચ રમવાની હોય છે. 11માંથી માત્ર ત્રણ મૅચ જીતનાર રાજસ્થાનની ટીમ રવિવારના મુકાબલા સહિત બાકીની ત્રણેય મૅચ જીતીને માનભેર આ સીઝનમાંથી વિદાય લેવા કોઈ કસર બાકી નહીં રાખે. કોલકાતાનો બુધવારે ઈડન ગાર્ડન્સ (EDEN GARDENS)માં જ ચેન્નઈ સામે મુકાબલો છે અને ચેન્નઈની ટીમ પણ સ્પર્ધાની બહાર થઈ ચૂકી હોવાથી એ પણ કોલકાતા સામે માનસિક ભાર વિના રમશે એટલે રહાણે ઍન્ડ કંપનીએ ખાસ સાવચેત રહેવું પડશે. ટૂંકમાં, કોલકાતા માટે ઈડનના હોમ-ગ્રાઉન્ડ પર બૅક-ટુ-બૅક અત્યંત મહત્ત્વના બે મુકાબલા છે જે એણે જીતીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકેની પોતાની છાપ ઉજળી રાખવી પડશે.

સૂર્યવંશી વિરુદ્ધ રઘુવંશી:
રાજસ્થાનના 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)એ મૅચમાં પોતાના પ્રથમ બૉલ પર સિક્સર ફટકારવાની આદત ક્રિકેટજગત સમક્ષ રજૂ કરી અને જયપુરમાં ગુજરાત ટાઇટન્સ સામે 11 સિક્સર તથા 7 ફોરની મદદથી 101 રન કરીને ટી-20 ક્રિકેટનો યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો ત્યારથી રાજસ્થાનની સામે રમનાર દરેક ટીમે સૂર્યવંશીથી ખાસ ચેતવાનું વલણ અપનાવ્યું છે અને રવિવારે કોલકાતાએ પણ મુંબઈની જેમ તેને વહેલો આઉટ કરી દેવાની યોજના વિચારી હશે. મુંબઈ સામેની મૅચમાં સૂર્યવંશી માત્ર બીજા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો. જોકે કોલકાતા પાસે 20 વર્ષનો યુવા બૅટ્સમૅન અંગક્રિશ રઘુવંશી (ANGAKRISH RSGHUVANSHI) છે જેને રાજસ્થાન અંકુશમાં રાખવાનો પ્રયાસ કરશે.

કોલકાતા ચારેય મૅચ જીતે તો સલામતઃ
કોલકાતાની ટીમ 10માંથી ચાર મૅચ જીતી છે અને પાંચ હારી છે. એની એક મૅચ અનિર્ણિત રહી હતી. કોલકાતાના ખાતે નવ પૉઇન્ટ છે. હવે બાકીની ચારેય લીગ મૅચ જીતીને એના 17 પૉઇન્ટ થઈ શકે. જો રહાણેની ટીમ આ ચારેય મૅચ જીતશે તો (અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહ્યા વગર) પ્લે-ઑફમાં પોતાનું સ્થાન સલામત કરી શકશે. જોકે આ કહેવું સહેલું છે, સફળતાથી પર્ફોર્મ કરવું અઘરું છે. કોલકાતાની રાજસ્થાન અને ચેન્નઈ સામેની ઈડનની મૅચ બાદ બાકીની બન્ને મૅચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હૈદરાબાદમાં અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ સામે બેંગલૂરુમાં રમાશે.

23.75 કરોડનો વેન્કટેશ હવે ચમકશે?:
કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ વેન્કટેશ ઐયરને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, પણ તે 10 મૅચમાં માત્ર 142 રન કરી શક્યો છે અને એમાં પણ છેલ્લી ત્રણ મૅચમાં કુલ ફક્ત 28 રન કરી શક્યો છે. 2024માં તેણે 158.00ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 370 રન કર્યા હતા જેની તુલનામાં આ વખતે તેનો પર્ફોર્મન્સ નિરાશાજનક છે. ક્વિન્ટન ડિકૉકનું ખરાબ ફૉર્મ પણ કોલકાતા માટે મોટી ચિંતા છે. છેલ્લી પાંચ મૅચમાં તે ક્યારેય પચીસ રન પણ નથી કરી શક્યો. જોકે 26મી માર્ચે ગુવાહાટીમાં ડિકૉક જ કોલકાતાને રાજસ્થાન સામે જિતાડ્યું હતું. ડિકૉકે એમાં 61 બૉલમાં છ સિક્સર અને આઠ ફોરની મદદથી અણનમ 97 રન કરીને (સેન્ચુરીનું બલિદાન આપીને) કોલકાતાને રોમાંચક વિજય અપાવ્યો હતો.


આઇપીએલ-2025માં કઈ ટીમ કેવી સ્થિતિમાં?

ક્રમટીમમૅચજીતહારઅનિર્ણિતપૉઇન્ટરનરેટ
1મુંબઈ1174014+1.274
2ગુજરાત1073014+0.867
3બેંગલૂરુ1073014+0.521
4પંજાબ1063113+0.199
5દિલ્હી1064012+0.362
6લખનઊ1055010-0.325
7કોલકાતા104519+0.271
8રાજસ્થાન113806-0.780
9હૈદરાબાદ103706-1.192
10ચેન્નઈ102804-1.211

નોંધઃ (1) દરેક ટીમે કુલ 14 લીગ મૅચ ફરજિયાત રમવાની છે. (2) ચેન્નઈ અને રાજસ્થાનની ટીમ સત્તાવાર રીતે પ્લે-ઑફની રેસની બહાર થઈ ગઈ છે. (3) તમામ આંકડા શનિવારની ચેન્નઈ-બેંગલૂરુ મૅચ પહેલાંના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button