IPL 2025

હરભજને સૂર્યવંશીને મજાકમાં કહ્યું, ‘સારું થયું હું વહેલો નિવૃત્ત થઈ ગયો’

જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)ના 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)એ સોમવારે અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ઐતિહાસિક સેન્ચુરી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર) ફટકારી અને રાજસ્થાનને જ્વલંત વિજય અપાવ્યો ત્યાર બાદ ટીવી પ્રસારણ પરની ચર્ચામાં ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે (HARBHAJAN SINGH) વૈભવને મજાકમાં કહ્યું હતું કે `અરે…તું કમાલનું રમ્યો! તારી અદ્ભુત ઇનિંગ્સ જોઈને મજા પડી ગઈ. મને વિચાર થાય છે કે સારું થયું હું વહેલો નિવૃત્ત થઈ ગયો, નહીં તો મારી બોલિંગની પણ ધુલાઈ થઈ જાત.’

વૈભવે જીટીના કાર્યવાહક કૅપ્ટન રાશીદ ખાન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઇશાંત શર્મા, વૉશિંગ્ટન સુંદર તેમ જ અફઘાનિસ્તાનના નવાસવા પેસ બોલર કરીમ જનતની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી. સાત બોલરમાં ક્રિષ્ના સૌથી વધુ ખર્ચાળ (47 રન) બન્યો હતો. જોકે તેણે જ યૉર્કરમાં વૈભવને ક્લીન બોલ્ડ કર્યો હતો.

ગુજરાત ટાઇટન્સ (જીટી)એ 20 ઓવરમાં કેપ્ટન શુભમન ગિલના 84 રનની મદદથી ચાર વિકેટે 209 રન કર્યા બાદ રાજસ્થાને 15.5 ઓવરમાં બે વિકેટે 212 રન કરીને વિજય મેળવ્યો હતો. એ 212 રનમાં સૂર્યવંશીના 101 રન ઉપરાંત યશસ્વી (70 અણનમ, 40 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને કાર્યવાહક કેપ્ટન રિયાન પરાગનું અણનમ 32 રનનું યોગદાન હતું. સૂર્યવંશી અને યશસ્વી વચ્ચે 166 રનની રેકોર્ડ-બે્રક ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.


સચિન સહિતના દિગ્ગજોએ વૈભવની વાહ-વાહ કરી

(1) સચિન તેન્ડુલકરઃ વૈભવની સૌથી મોટી ખાસિયત એ છે કે તે નીડર થઈને બૅટિંગ કરે છે. બૉલની લેન્થ વહેલી પારખીને ચીલઝડપથી બૅટ સાથે બૉલને કનેક્ટ કરવો, બધી ઊર્જા બૉલને ફટકારવા કામે લગાડવી એ બધા ગુણોને લીધે તે સોમવારે શાનદાર ઇનિંગ્સ રમી શક્યો. પરિણામ શું આવ્યું? માત્ર 38 બૉલમાં 101 રન ઝૂડી કાઢ્યા. વેલ પ્લેઇડ.

(2) યુવરાજ સિંહઃ 14 વર્ષની નાની ઉંમરે આવી કમાલ! આ છોકરો આંખનો પલકારો માર્યા વગર વિશ્વના બેસ્ટ બોલર્સને ભીડી રહ્યો છે. તે નીડર અભિગમથી રમે છે. આ છે આપણી નવી પેઢી. ગર્વ અનુભવું છું.

(3) કે. શ્રીકાંતઃ 14 વર્ષની ઉંમરે મોટા ભાગના બાળકો સપનાં જોવાના શરૂ કરતા હોય અને આઇસક્રીમ ખાતા હોય, પણ વૈભવ સૂર્યવંશીએ તો ધમાકેદાર સેન્ચુરી ફટકારી દીધી. ભારતીય ક્રિકેટને નવો સુપરસ્ટાર મળી ગયો છે.

(4) યુસુફ પઠાણઃ 35 બૉલમાં સદી પૂરી કરીને ભારતીયોમાં સૌથી ઝડપે…37 બૉલમાં સેન્ચુરી ફટકારવાનો મારો વિક્રમ તોડવા બદલ વૈભવને અભિનંદન. મેં પણ રાજસ્થાન વતી રમીને એ રેકૉર્ડ કર્યો હતો અને હવે તેં પણ એ જ ટીમ વતી કર્યો. વાહ…બહુ સરસ. તું લાંબા સમય સુધી સારું રમીશ એવી મારી શુભેચ્છા છે. ચૅમ્પ!

આપણ વાંચો : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગથી ‘ગોડ ઓફ ક્રિકેટ’ આફરીન, રોહિત-યુસુફ પઠાણે શું કહ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button