IPL 2025ટોપ ન્યૂઝ

રાજસ્થાનની પ્રથમ જીત, સીએસકેનો થ્રિલરમાં પરાજય…

ગુવાહાટીઃ 2008ના ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સ (RR)એ આજે અહીં આઈપીએલ (IPL 2025)માં અત્યંત રસાકસીભરી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને છ રનથી હરાવીને આ વખતની ટૂર્નામેન્ટમાં પહેલી બે મૅચના પરાજય બાદ પ્રથમ વાર જીત હાંસલ કરી હતી.

સીએસકેની ટીમ 183 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં છ વિકેટે 176 રન બનાવી શકી હતી જેમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (63 રન, 44 બૉલ, એક સિક્સર, સાત ફોર)નું મોટું યોગદાન હતું. જાડેજા 32 રને અને ઓવર્ટન 11 રને અણનમ રહ્યો હતો.

સીએસકેએ છેલ્લી ઓવરમાં 20 રન બનાવવાના હતા અને કૅપ્ટન રિયાન પરાગે અપેક્ષાથી વિરુદ્ધ જઈને જોફ્રા આર્ચરને બદલે સંદીપ શર્માને 20મી ઓવર આપી હતી જેના પહેલા જ બૉલમાં ધોની (16 રન, 11 બૉલ, એક સિક્સર, એક ફોર) ડીપ મિડવિકેટ પર હેટમાયરના હાથમાં કૅચઆઉટ થયો હતો. હેટમાયરે તેનો ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. હસરંગાએ સૌથી વધુ ચાર વિકેટ તેમ જ જોફ્રા આર્ચર અને સંદીપ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. સન્ડે થ્રિલરમાં ધોની-જાડેજાની જોડી મૅચ-વિનર બનવામાં નિષ્ફળ રહી હતી.

એ પહેલાં, રાજસ્થાને પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 182 રન કર્યા હતા. નીતીશ રાણા (81 રન, 36 બૉલ, પાંચ સિક્સર, દસ ફોર)નું આ સાધારણ ટોટલમાં સૌથી મોટું યોગદાન હતું. તે પહેલી બન્ને મૅચમાં સદંતર ફ્લૉપ (11 અને 8 રન) ગયા બાદ આ મૅચમાં મોટી ઇનિંગ્સ રમવામાં સફળ થયો હતો. ચેન્નઈ વતી ત્રણ બોલર (ખલીલ અહમદ, નૂર અહમદ, મથીશા પથિરાના)એ બે-બે વિકેટ લીધી હતી.

રવિચન્દ્રન અશ્વિન લાંબા સમય બાદ પહેલી વાર આઇપીએલમાં નીતીશ રાણાને આઉટ કરવામાં સફળ થયો હતો. અગાઉ અશ્વિનના 141 બૉલમાં ક્યારેય નીતીશ રાણાએ વિકેટ નહોતી ગુમાવી, પણ આ મૅચમાં નીતીશ રાણા સામેના 142મા બૉલમાં અશ્વિને તેને જાળમાં આબાદ ફસાવ્યો હતો. વાઇડમાં રાણા વહેલો ક્રીઝની બહાર નીકળી ગયો હતો અને વિકેટકીપર એમએસ ધોનીએ પળવારમાં બૉલ પોતાના કબજામાં લઈને રાણાને સ્ટમ્પ-આઉટ કરી દીધો હતો. અશ્વિનને 46 રનમાં એકમાત્ર રાણાની આ બહુમૂલ્ય વિકેટ મળી હતી. રવીન્દ્ર જાડેજા હરીફ ટીમના સ્પિન-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગાની વિકેટ લેવામાં સફળ થયો હતો.

ટીમનો મુખ્ય કૅપ્ટન સંજુ સૅમસન 20 રન અને કાર્યવાહક સુકાની રિયાન પરાગ 28 બૉલમાં બે સિક્સર અને બે ફોરની મદદથી 37 રન બનાવી શક્યો હતો. ધ્રુવ જુરેલ ફક્ત ત્રણ રન બનાવ્યા બાદ નૂર અહમદના બૉલમાં પથિરાનાને કૅચ આપી બેઠો હતો, જ્યારે સાતમા નંબર પર મોકલવામાં આવેલા શિમરોન હેટમાયરે 19 રન બનાવ્યા ત્યાં તો પથિરાનાના બૉલમાં અશ્વિન એક્સ્ટ્રા કવર પરથી બૅક-પેડલિંગની સ્ટાઇલમાં દોડી આવ્યો હતો અને હેટમાયરનો કૅચ પકડી લીધો હતો.

એ પહેલાં, ઓપનર યશસ્વી જયસ્વાલ (ચાર રન, ત્રણ બૉલ, એક ફોર) સતત ત્રીજી મૅચમાં સારું રમવામાં નિષ્ફળ ગયો હતો. પેસ બોલર ખલીલ અહમદના બૉલમાં મિડ-ઑફમાં આર. અશ્વિને યશસ્વીનો કૅચ ઝીલ્યો હતો. યશસ્વીએ 23મી માર્ચે હૈદરાબાદ સામે ફક્ત એક રન બનાવ્યો હતો અને 26મી માર્ચે કોલકાતા સામે 29 રન બનાવીને આઉટ થયો હતો. રાજસ્થાન એ બન્ને મૅચ હારી ગયું હતું.

ચેન્નઈએ આ મૅચ માટે પ્લેઇંગ-ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. સૅમ કરૅનના સ્થાને જૅમી ઓવર્ટનને અને દીપક હૂડાના સ્થાને વિજય શંકરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પહેલી બન્ને મૅચ હારી જનાર રાજસ્થાને એ જ ઇલેવન જાળવી રાખી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button