આજે બેંગ્લૂરુ જીતે તો શુક્રવારે પ્લે-ઑફમાં મુંબઈ વિરુદ્ધ ગુજરાત…
પાટીદારની ટીમ આજે હારશે તો એલિમિનેટરમાં હાર્દિકની ટીમ સામે રમશે

લખનઊ: આઈપીએલની 18મી સીઝનની 70મી અને છેલ્લી લીગ મૅચ આજે (સાંજે 7.30 વાગ્યાથી) અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે અને એમાં જો બેંગ્લૂરુનો વિજય થશે તો એ પ્લે-ઑફ (PLAY OFF)ના ટૉપ-ટૂ (TOP-2)માં જશે અને 29મી મેએ ક્વોલિફાયર-વનમાં નંબર-વન પંજાબ સામે રમશે. એમાં જીતનારી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે.
આજે બેંગ્લૂરુની જીત સાથે મુંબઈનું ભાવિ પણ નક્કી થઈ જશે. જો બેંગ્લૂરુ આજે લખનઊ સામે જીતશે તો શુક્રવાર 30મી મેની પ્લે-ઑફની એલિમિનેટરમાં મુંબઈનો મુકાબલો ગુજરાત સામે થશે. જો બેંગ્લૂરુ આજે હારી જશે તો 30મીની એલિમિનેટરમાં મુંબઈએ બેંગ્લૂરુ સામે રમવું પડશે અને એ પહેલાંની 29મીની ક્વોલિફાયર-વન પંજાબ-ગુજરાત વચ્ચે રમાઈ હશે અને એ બેમાંથી એક ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ હશે.
પંજાબે ગઈ કાલે મુંબઈને સાત વિકેટે હરાવ્યું ત્યાર બાદ પ્લે-ઑફની ચાર ટીમની સ્થિતિ આ મુજબ છે: પંજાબ (19 પોઈન્ટ, +0.372નો રનરેટ), ગુજરાત (18 પોઈન્ટ, +0.254નો રનરેટ), બેંગ્લૂરુ (17 પોઈન્ટ, +0.255નો રનરેટ), મુંબઈ (16 પોઈન્ટ, +1.142નો રનરેટ).
જો આજે વરસાદ કે અન્ય કોઈ કારણસર મૅચ અનિર્ણીત રહેશે અને લખનઊની સાથે બેંગલૂરુને પણ એક પોઇન્ટ મળશે તો પણ બેંગ્લૂરુ ટૉપ-ટૂમાં લગભગ પહોંચી જશે અને એલિમિનેટરમાં મુંબઈએ ગુજરાતનો સામનો કરવો પડશે.
બેંગલૂરુને આજે લખનઊ સામે કેમ ખતરો?
આઈપીએલ (IPL-2025)ની વર્તમાન સીઝનમાં બેંગલૂરુનો આજે પહેલી જ વખત લખનઊ સામે મુકાબલો થશે. બેંગલૂરુને ટૉપ-ટૂમાં જવા સામે લખનઊ એકમાત્ર આડખીલી છે. એ જોતાં, રજત પાટીદારની ટીમ રિષભ પંતની ટીમની ક્ષમતાને આ વખતે ઑન-ગ્રાઉન્ડ પહેલી જ વખત પારખશે. બીજું, બેંગ્લૂરુની ટીમને એ વાતનો પણ ખ્યાલ હશે કે સોમવારની મુંબઈ-પંજાબ મૅચ અગાઉના ઉપરાઉપરી ચાર દિવસમાં પ્લે-ઑફની ટીમોનો એવી ટીમો સામે પરાજય થયો હતો જે ટીમો પ્લે-ઑફની રેસમાંથી આઉટ થઈ ચૂકી હતી: 22મી મેએ લખનઊએ ગુજરાતને 33 રનથી, 23મી મેએ હૈદરાબાદે બેંગ્લૂરુને 42 રનથી, 24મી મેએ દિલ્હીએ પંજાબને છ વિકેટે અને 25મી મેએ ચેન્નઈએ ગુજરાતને 83 રનથી હરાવ્યું હતું.
બેંગ્લૂરુ કેવી રીતે આજે લખનઊ સામે ફેવરિટ?
બેંગલૂરુ અને લખનઊ, બંનેએ આ સીઝનમાં રમેલી છેલ્લી પાંચ મૅચની વાત કરીએ તો વિરોધાભાસી પર્ફોર્મન્સ બતાવ્યો છે. બેંગલૂરુની ટીમ છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીતીને આજે લખનઊ આવી છે. જોકે લખનઊની ટીમ છેલ્લી પાંચમાંથી ચાર મૅચ હારી છે. ખેલાડીઓના જોશ અને જુસ્સાની વાત કરીએ તો બેંગલૂરુ આજે જીતવા માટે ફેવરિટ છે.
આજની બંને ટીમની સંભવિત પ્લેઇંગ-ઈલેવન
બેંગ્લૂરુ: રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, મયંક અગરવાલ, લિઆમ લિવિંગસ્ટન, જિતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હેઝલવૂડ, યશ દયાલ. 12મો પ્લેયર: સુયશ શર્મા.
લખનઊ: રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), મેથ્યૂ બ્રિટઝકે/એઇડન માર્કરમ, મિચલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, હિમ્મત સિંહ, દિગ્વેશ રાઠી, આવેશ ખાન, આકાશ દીપ, વિલ ઑરુરકે. 12મો પ્લેયર: આકાશ સિંહ.