શેફર્ડ નામની સુનામી, છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવ્યોઃ બેંગલૂરુના 213/5…

બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (rcb)ના કૅરિબિયન હાર્ડ-હિટર રોમારિયો શેફર્ડે (53 અણનમ, 14 બૉલ, છ સિક્સર, ચાર ફોર) પાંચ ટાઇટલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપર કિંગ્સ (csk)ની ટીમની બોલિંગને આજે અહીં ચીંથરેહાલ કરી નાખી હતી. તેણે 14 બૉલમાં 50 રન પૂરા કરીને આઇપીએલ (ipl)ના ઇતિહાસમાં સેકન્ડ-ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી નોંધાવી હતી. યશસ્વી જયસ્વાલની 13 બૉલની હાફ સેન્ચુરીનો વિક્રમ છે.
આરસીબીએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 213 રન કર્યા હતા. કૅપ્ટન રજત પાટીદાર (11 રન) પાંચમી વિકેટના રૂપમાં 157 રનના સ્કોર પર આઉટ થયો ત્યાર બાદ બેંગલૂરુની ટીમ પાસે ફક્ત 14 બૉલ બાકી હતા. જોકે શેફર્ડે એ 14 બૉલમાં જ અભૂતપૂર્વ ફટકાબાજી કરી હતી. તેણે 14 બૉલની ટૂંકી ઇનિંગ્સમાં છ સિક્સર અને ચાર ફોર ફટકારી હતી અને છેલ્લી બે ઓવરમાં ટિમ ડેવિડ (બે અણનમ) સાથેની 56 રનની અતૂટ ભાગીદારીથી ટીમનો સ્કોર 213 રન પર લાવી દીધો હતો.
આરસીબીએ 19મી અને 20મી ઓવરમાં (કુલ બે ઓવરમાં) 54 રન કર્યા હતા જે આઇપીએલમાં નવો વિક્રમ છે.
બેંગલૂરુમાં વરસાદ વિઘ્નો ઊભા કરશે એવી પાકી સંભાવના હતી, પરંતુ એના બદલે શેફર્ડે છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોને ખુશ કરી દીધા હતા. શેફર્ડે ચેન્નઈના બે પેસ બોલર ખલીલ અહમદ (3-0-65-0) અને મથીશા પથિરાના (4-0-36-3)ની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી હતી. શેફર્ડ જે 14 બૉલ રમ્યો એમાં તેણે આ મુજબ રન બનાવ્યા હતાઃ ડૉટ બૉલ, 1, 6, 6, 4, 6, 6, ડૉટ બૉલ, 4, 4, ડૉટ બૉલ, 4, 6 અને 6.
ભારતીય પેસ બોલર ખલીલ અહમદની પહેલી બે ઓવરમાં 32 રન બન્યા હતા, પણ તેની ત્રીજી ઓવરમાં 33 રન થયા હતા જે આ વખતે નવો વિક્રમ છે. રાજસ્થાનના 14 વર્ષના સૂર્યવંશીએ ગુજરાતના કરીમ જનતની ઓવરમાં 30 રન ફટકાર્યા હતા.
પથિરાનાની ત્રણ ઓવરમાં 15 રન થયા હતા, પણ તેની ચોથી ઓવરમાં 21 રન થતાં તેની પણ બોલિંગ ઍનેલિસિસ શેફર્ડે બગાડી હતી.
બેંગલૂરુના 213 રનમાં કોહલી (62 રન, 33 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) અને સાથી ઓપનર જેકબ બેથેલ (પંચાવન રન, 33 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ના પણ મોટા યોગદાન હતા, પરંતુ શેફર્ડની ફટકાબાજીએ તેમના યોગદાનને થોડા ઝાંખા પાડ્યા હતા. ચેન્નઈના બોલર્સમાં પથિરાનાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.