IPL 2025

પંજાબનો ટૉપ-ઑર્ડર ફેલ, મિડલ-ઑર્ડર સુપર હિટ…

રાજસ્થાન સામે 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા પછી 219/5 સાથે દાવ પૂરો કર્યો

જયપુરઃ રાજસ્થાન રોયલ્સ (RR) સામે અહીં પંજાબ કિંગ્સે (PBKS) આઇપીએલ (IPL-2025)ના નવા અને નિર્ણાયક તબક્કામાં બૅટિંગ લીધા પછી ખરાબ શરૂઆત કરી હતી, પણ મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોએ ફટકાબાજી કરીને 20 ઓવરના અંતે ટીમને પાંચ વિકેટે 219 રનનો સ્કોર અપાવ્યો હતો. નેહલ વઢેરા (70 રન, 37 બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર), શશાંક સિંહ (59 અણનમ, 30 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર), કૅપ્ટન શ્રેયસ ઐયર (30 રન, પચીસ બૉલ, પાંચ ફોર) અને અઝમતુલ્લા ઓમરઝાઈ (21 અણનમ, નવ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની આતશબાજીએ જયપુરનું સ્ટેડિયમ ગજાવ્યું હતું.

રાજસ્થાને પણ વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. પહેલી બે ઓવરમાં વિના વિકેટે 39 રન બન્યા હતા. યશસ્વી જયસ્વાલ અને 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ છગ્ગા-ચોક્કાની રમઝટ બોલાવી હતી.

પંજાબે શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 34 રનમાં એની ત્રણ વિકેટ પડી ગઈ હતી અને એ ધબડકા માટે રાજસ્થાનનો પેસ બોલર તુષાર દેશપાંડે કારણભૂત હતો. તેણે બન્ને ઓપનરને વહેલા પૅવિલિયન ભેગા કરી દીધા હતા. પંજાબનો એકમાત્ર સેન્ચુરિયન પ્રિયાંશ આર્ય ફક્ત નવ રન અને સાથી ઓપનર પ્રભસિમરન સિંહ 21 રન કરી શક્યો હતો.
જોકે શ્રેયસ અને વઢેરાએ ચોથી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરીને ટીમની આબરૂ સાચવવાની સાથે બાજી સંભાળી લીધી હતી.

શ્રેયસને રિયાન પરાગે યશસ્વી જયસ્વાલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ વઢેરાએ શશાંક સાથે પાંચમી વિકેટ માટે 58 રનની પાર્ટનરશિપ કરીને ટીમનો પાયો વધુ મજબૂત કર્યો હતો. છેલ્લે શશાંક અને ઓમરઝાઇ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 60 રનની અતૂટ ભાગીદારી થઈ હતી અને રાજસ્થાનને 220 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો.

રાજસ્થાનના ફઝલહક ફારુકીને અને હસરંગાને વિકેટ નહોતી મળી, પરંતુ દેશપાંડેની બે વિકેટ ઉપરાંત ક્વેના મફાકા, આકાશ મઢવાલ અને રિયાન પરાગ એક-એક વિકેટ લેવામાં સફળ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button