
કોલકાતાઃ અહીં ઇડન ગાર્ડન્સમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (kkr) સામે પંજાબ કિંગ્સ (pbks)એ બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 201 રન કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયનને જીતવા 202 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. પ્રભસિમરન સિંહ (83 રન, 49 બૉલ, છ સિક્સર, છ ફોર) અને પ્રિયાંશ આર્ય (69 રન, 35 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની ઓપનિંગ જોડીએ ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી. તેમની વચ્ચે પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી થઈ હતી. બેમાંથી એક પણ ઓપનર સદીની નજીક નહોતો પહોંચી શક્યો, પણ તેમણે ટીમને 200-પ્લસના સ્કોરનો પાયો નાખી આપ્યો હતો.
કૅપ્ટન શ્રેયસ ઐયરે 16 બૉલમાં એક છગ્ગા અને એક ચોક્કાની મદદથી પચીસ રન કર્યા હતા અને અણનમ રહ્યો હતો. જોકે ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ (સાત રન) અને માર્કો યેનસેન (ત્રણ રન) સારું રમવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ તેમની બોલિંગ પર ટીમે મદાર રાખ્યો હતો.
કોલકાતા વતી વૈભવ અરોરાએ બે વિકેટ તેમ જ વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, શ્રેયસ ઐયરે ટૉસ જીત્યા બાદ પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 15મી એપ્રિલે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં જે મૅચ રમાઈ હતી એમાં પણ શ્રેયસે પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી અને પંજાબે એ મુકાબલામાં કોલકાતાને હરાવ્યું હતું.
આજની મૅચ માટે પંજાબની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. માર્કસ સ્ટોઇનિસ અને ઝેવિયર બાર્ટલેટના સ્થાને અનુક્રમે ગ્લેન મૅક્સવેલને અને અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઓમરઝાઈને ઇલેવનમાં સમાવવામાં આવ્યા છે. અજ્ક્યિં રહાણેની કૅપ્ટન્સીમાં રમી રહેલી કોલકાતાની ટીમે પણ બે ફેરફાર કર્યા છે. મોઇન અલી તથા રમણદીપ સિંહના સ્થાને અનુક્રમે રૉવમૅન પોવેલ તથા ભાવનગરના લેફ્ટ-હૅન્ડ પેસ બોલર ચેતન સાકરિયાને ઇલેવનમાં સામેલ કર્યા છે. જોકે ચેતનને 39 રનમાં એકેય વિકેટ નહોતી મળી શકી. હર્ષિત રાણા અને સુનીલ નારાયણ પણ વિકેટ વિનાના રહ્યા હતા.
15મી એપ્રિલે પંજાબની ટીમ માત્ર 111 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. જોકે પંજાબના યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ અને માર્કો યેનસેને ત્રણ વિકેટ લઈને કોલકાતાને માત્ર 95 રનના સ્કોર પર ઑલઆઉટ થવાની ફરજ પાડી હતી અને આ લો-સ્કોરિંગ મૅચમાં પંજાબનો 16 રનથી અકલ્પનીય વિજય થયો હતો.