
મુલ્લાંપુરઃ પંજાબ કિંગ્સે (PBKS)એ અહીં મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ને લો-સ્કોરિંગ થ્રિલરમાં 16 રનથી હરાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો. પંજાબે માત્ર 112 રનનો લક્ષ્યાંક આપ્યા છતાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા બૅક-ટુ-બૅક ધબડકાને કારણે પરાજય તરફ ધકેલાયું હતું અને 15.1 ઓવરમાં 95 રનના સ્કોર પર છેવટે ઑલઆઉટ થઈ ગયું હતું. શાહરુખ ખાનની ટીમ સામે પ્રીટિ ઝિન્ટાની ટીમ જીતી ગઈ હતી.
પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે ગયા વર્ષની પોતાની ચૅમ્પિયન ટીમ કોલકાતાને આ વખતે પરાસ્ત કરાવી દીધી અને મેદાન પર સેલિબ્રેશન કર્યું હતું. કોલકાતાની ટીમમાં અંગક્રિશ રઘુવંશીના 37 રન હાઇએસ્ટ હતા અને આન્દ્રે રસેલ (17 રન, 11 બૉલ, બે સિક્સર, એક ફોર) ઊંચા કદના માર્કો યેનસેનના બૉલમાં ક્લીન બોલ્ડ થતાં કોલકાતાને નહોતો જિતાડી શક્યો. પંજાબ માટે યુઝવેન્દ્ર ચહલ (4-0-28-4) સૌથી સફળ બોલર હતો. યેનસેને ત્રણ તેમ જ અર્શદીપ, બાર્ટલેટ અને મૅક્સવેલે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, બૅટિંગ લીધા પછી પંજાબની ઇનિંગ્સ 111 રનમાં સમેટાઈ ગઈ હતી. કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ એના ઓપનર્સ સારું રમવામાં ફ્લૉપ ગયા અને ખુદ શ્રેયસ સહિત ટૉપ-ઑર્ડર પણ નિષ્ફળ ગયો એટલે આ ટીમે ચોથી ઓવરથી જ ધબડકો જોયો હતો.
કેકેઆરનો પેસ બોલર હર્ષિત રાણા સૌથી સફળ બોલર હતો. તેણે ત્રણેય વિકેટ શરૂઆતમાં લીધી હતી. ટોચના ચાર બૅટ્સમેનમાંથી ત્રણ વિકેટ હર્ષિતે લીધી હતી. તેણે પ્રિયાંશ આર્ય (બાવીસ રન), શ્રેયસ ઐયર (0) અને પ્રભસિમરન સિંહ (30 રન)ને આઉટ કર્યા હતા. કેકેઆરના બે સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ અને વૈભવ અરોરા તથા ઍન્રિક નોર્કિયાએ એક-એક વિકેટ લીધી હતી.
બુધવારે કઈ મૅચ?
દિલ્હી વિરુદ્ધ રાજસ્થાન
નવી દિલ્હી, સાંજે 7.30