IPL 2025: RR સામે હાર છતાં PBKSનો કેપ્ટન શ્રેયસ ઐયર ખુશ છે? જાણો આવું કેમ કહ્યું

ચંડીગઢ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 18મી મેચ પંજાબ કિંગ્સ(PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ચંડીગઢમાં રમાઈ હતી. આ મેચમાં PBKSની 50થી હાર થઇ. પ્રથમ બેટિંગ કરતા RR એ 205 રન બનાવ્યા હતાં, જેના જવાબમાં PBKS ફક્ત 155 રન જ બનાવી શકી. આ હાર બાદ PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરે (Shreyash Iyer) કહ્યું કે મને ખુશી છે કે ટુર્નામેન્ટની શરૂઆતમાં કેટલીક ભૂલો થઇ ગઈ, જેમાંથી અમે શીખ લઈશું.
શ્રેયસ ઐયરનું માનવું છે કે તેમની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે ઘણી ભૂલો કરી હતી, તેઓ તેમનો પ્લાન યોગ્ય રીતે અમલમાં મૂકી શક્યા ન હતા. જોકે, તેનું માનવું છે કે ટુર્નામેન્ટની શરૂઆતમાં હારનો આ ઝટકો ટીમ માટે સારો છે, જેથી તેઓ આગામી મેચોમાં સુધારો કરી શકે.
હાર પર શ્રેયસ ઐયરે કહ્યું, “સાચું કહું તો, હું 180-185 ની આસપાસના સ્કોર વિશે વિચારી રહ્યો હતો, જેને ચેઝ કરી શકાય એમ હતું. અમે અમારો પ્લાન અમલમાં મૂકી શક્યા નહીં. મને ખુશી છે કે આ ભૂલ ટુર્નામેન્ટની શરૂઆતમાં થઈ હતી. આ એક સારી પિચ હતી.”
ટીમની શું ભૂલો થઇ?
ટીમની ભૂલો અંગે કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું, “મને લાગ્યું કે અમે ધીમે રમીને પાર્ટનરશીપ બિલ્ડ કરી શક્યા હોત, પરંતુ આ ગેમમાંથી ઘણું શીખવા મળ્યું હતું. આજે અમારી અપેક્ષા મુજબ ડ્યુ પડી નહીં, પરંતુ મને લાગે છે કે અમારે ડ્રોઇંગ બોર્ડ પર પાછા જવાની જરૂર છે અને તે વિડિઓઝ જોવાની જરૂર છે, જેથી અમે અમે જાણી શકીએ કે બોલિંગ અને બેટિંગમાં અમે કેવી રીતે નિષ્ફળ ગયા. અમે સતત વિકેટો પણ ગુમાવી, જે નવા બેટ્સમેન માટે સરળ ન હતું.”
શ્રેયસે કહ્યું, “ટુર્નામેન્ટની શરૂઆતમાં તમને જગાડવા માટે થોડા ઝટકાની જરૂર હોય છે. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ હાર સારી શીખ રહેશે અને અમને ફરીથી વિચારણા કરવાની જરૂર છે.”
આપણવાંચો:પાકિસ્તાની ક્રિકેટરની હેલ્મેટમાં બૉલ ઘૂસી ગયો, વીડિયો જોશો તો ચોંકી જશો…