આરસીબીને વાનખેડેમાં 10 વર્ષે ફરી જીતવું છે, પણ બુમરાહ પાછો આવી ગયો છે…
સોમવારે સાંજે 7.30 વાગ્યાથી મુંબઈ-બેંગ્લૂરુની ટક્કર, હેડ-ટુ-હેડમાં કોણ આગળ?

મુંબઈઃ રજત પાટીદારના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ સારા ફૉર્મમાં છે, જ્યારે હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ પ્રારંભિક આંચકા ખમી રહી છે અને આ માહોલમાં આવતી કાલે (સોમવારે સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં આ બન્ને ટીમ વચ્ચેનો મુકાબલો રસાકસીભર્યો બનવાની પાકી સંભાવના છે.
બન્ને ટીમ વચ્ચે 33 મૅચ રમાઈ છે જેમાં એમઆઈ 19 અને આરસીબી 14 મૅચ જીતી છે. આરસીબીને 2015ની સાલ પછી પહેલી વાર વાનખેડેમાં કેમેય કરીને જીતવું છે, પરંતુ કમબૅકમૅન જસપ્રીત બુમરાહ તેમને એવું કરતા રોકી શકે. બુમરાહ પીઠના સ્ટ્રેસ બદલ લગભગ બે મહિના મેદાનથી દૂર રહ્યો, પણ હવે એમઆઇને કટોકટીમાંથી બહાર લાવવા પાછો આવી ગયો છે.
એમઆઇની ટીમ ચારમાંથી ત્રણ મૅચ હારી જતાં હાલમાં છેક આઠમા નંબરે છે. આરસીબીની ટીમ ત્રણમાંથી બે મુકાબલા જીતી છે અને બીજા સ્થાને છે. બુમરાહ તક મળશે તો ખાસ કરીને વિરાટ કોહલીને કેટલો કાબૂમાં રાખશે એ જોવું રહ્યું. બુમરાહના પુનરાગમનને પગલે પેસ બોલર અશ્વની કુમારને કે સ્પિનર વિજ્ઞેશ પુથુરને કદાચ પડતો મૂકવામાં આવશે.
રોહિત શર્મા ફૉર્મમાં નથી અને એમઆઇ માટે એ સૌથી મોટું નુકસાન છે. તે 2023ની શરૂઆત બાદ આઇપીએલની 33માંથી 21 ઇનિંગ્સમાં પાવરપ્લેની અંદર આઉટ થયો છે. રોહિત એક મૅચ ગુમાવ્યા બાદ પાછો આવી ગયો હોવાથી ઓપનિંગમાં રાયન રિકલ્ટન સાથે તે રમશે એટલે વિલ જૅક્સને વનડાઉન પર ઊતારાશે એટલે ઇન-ફૉર્મ બૅટ્સમૅન નમન ધીરને વધુ નીચલા ક્રમે મોકલવામાં આવશે. રોહિતના કમબૅકને લીધે રાજ બાવાને ડ્રૉપ કરાશે એવી ધારણા છે.
તિલક વર્મા તાજેતરમાં લખનઊ સામેની મૅચમાં 23 બૉલમાં પચીસ રન બનાવવા છતાં `રિટાયર-આઉટ’નો શિકાર થયો (નવા બૅટ્સમૅનને રમવાનો મોકો આપવા તેને પૅવિલિયનમાં પાછો બોલાવી લેવાયો) એ આઘાતમાંથી હજી બહાર નહીં આવ્યો હોય ત્યાં તેના ચાહકો માટે એક બૅડ ન્યૂઝ એ છે કે તિલક માટે ટી-20માં વાનખેડેનું મેદાન નસીબવંતુ નથી. આ ગ્રાઉન્ડ પર તે જે 15 ઇનિંગ્સ રમ્યો છે એમાં ફક્ત 38 રન તેનો હાઇએસ્ટ સ્કોર રહ્યો છે.
ઊંચા કદનો હાર્ડ-હિટર ટિમ ડેવિડ 2022થી 2024 સુધી એમઆઇનો ઉપયોગી બૅટ્સમૅન હતો, પણ આવતી કાલે (સોમવારે) એમઆઇના જ બોલર્સની બોલિંગ-ઍનેલિસિસ બગાડવા કોઈ કસર બાકી નહીં રાખે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રાયન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જૅક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચલ સૅન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બૉલ્ટ અને જસપ્રીત બુમરાહ. 12મો પ્લેયર વિજ્ઞેશ પુથુર.
બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), વિરાટ કોહલી, ફિલ સૉલ્ટ, દેવદત્ત પડિક્કલ, લિઆમ લિવિંગસ્ટન, કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ. 12મો પ્લેયર રસિખ સલામ/સુયશ શર્મા.
આપણ વાંચો : બુમરાહ એમઆઇની ટીમ સાથે જોડાઈ ગયો છે, પણ ફિટનેસ માટે પૂરતી પ્રૅક્ટિસ કરી છે ખરી?