મુંબઈનો મૅચ-વિનર કહે છે, `હું વાનખેડેની મૅચ પહેલાં માનસિક દબાણને લીધે જમ્યો જ નહોતો, ફક્ત એક કેળું ખાધું હતું’

મુંબઈઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ સોમવારે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અશ્વની કુમાર નામનું ટ્રમ્પ-કાર્ડ વાપર્યું હતું અને તેના વિક્રમજનક પર્ફોર્મન્સની મદદથી આ વખતની ટૂર્નામેન્ટમાં જીતવાનું શરૂ કરી દીધું હતું. અશ્વની (3-0-24-4) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. તે મૅચ પહેલાં બપોરે માનસિક દબાણને કારણે જમ્યો જ નહોતો.
24 વર્ષના લેફ્ટ-આર્મ પેસ બોલર અશ્વની કુમાર (ASHWANI KUMAR)ને ફક્ત ત્રણ ઓવર કરવા મળી હતી જેમાં તેણે 24 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેણે આઇપીએલ (IPL)માં ડેબ્યૂ (DEBUT)ના પહેલા જ બૉલમાં કેકેઆરના કૅપ્ટન અજિંક્ય રહાણે (11 રન) તેમ જ રિન્કુ સિંહ (17 રન), મનીષ પાન્ડે (19 રન) અને આન્દ્રે રસેલ (પાંચ રન)ની ચારેય મહત્ત્વની વિકેટ લીધી હતી. અશ્વની આઇપીએલની ડેબ્યૂ મૅચમાં ચાર વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બન્યો છે.

કેકેઆરની ઇનિંગ્સ બાદ ભારતના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ અશ્વનીને પૂછ્યું કે આઇપીએલમાં આ તારી પહેલી જ મૅચ છે અને તેં ચાર વિકેટ લીધી. આ પહેલાં એક પણ ભારતીય બોલરે આઇપીએલની ડેબ્યૂ મૅચમાં ચાર વિકેટ નહોતી લીધી. લંચમાં તું શું ખાઈને આવ્યો હતો?’ અશ્વનીએ જવાબમાં કહ્યું,લંચ તો કિયા હી નહીં થા. બસ, એક બનાના ખા કે આ ગયા થા ક્યૂં કિ પ્રેશર ઇતના થા કિ ભૂખ નહીં લગી થી.’
રવિ શાસ્ત્રીએ અશ્વનીનો આ જવાબ સાંભળીને તેને કહ્યું, `બહોત જબરદસ્ત! બનાના રખો બેગ મેં હંમેશાં.’ અશ્વનીની ચાર વિકેટ અને દીપક ચાહરની બે તેમ જ વિજ્ઞેશ પુથુર, હાર્દિક પંડ્યા, મિચલ સૅન્ટનર અને ટ્રેન્ટ બૉલ્ટની એક-એક વિકેટને કારણે કેકેઆરની ટીમનો દાવ 116 રનમાં સમેટાઈ ગયો હતો અને એમઆઇએ ઓપનર રાયન રિકલ્ટન (62 અણનમ, 41 બૉલ, પાંચ સિક્સર, ચાર સિક્સર)ની હાફ સેન્ચુરી તેમ જ સૂર્યકુમાર યાદવ (27 અણનમ, નવ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચેની 30 રનની અતૂટ ભાગીદારીની મદદથી માત્ર 12.5 ઓવરમાં બે વિકેટે 121 રન બનાવીને આઠ વિકેટે વિજય મેળવી લીધો હતો.
અશ્વની કુમાર પંજાબના મોહાલી શહેરનો છે. તેને ફક્ત બે ટી-20 મૅચનો અનુભવ છે. તેણે સોમવારે એવું પણ કહ્યું હતું કે કૅપ્ટન હાર્દિક પંડ્યાએ તેને કહ્યું હતું કે આ તેની પહેલી જ મૅચ છે એટલે તું એન્જૉય કરીને રમજે અને જે રીતે બોલિંગ કરતો રહ્યો છે એ જ રીતે કરજે. અશ્વની કુમારને એમઆઇએ માત્ર 30 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો છે.
આપણ વાંચો : ડેબ્યૂ મૅચના પ્રથમ બૉલમાં વિકેટ, કુલ ચાર શિકારનો ભારતીય રેકોર્ડ અને એક કૅચ