મુંબઈનો વિજયી ચોક્કો, ત્રીજા સ્થાને આવી ગયું...

મુંબઈનો વિજયી ચોક્કો, ત્રીજા સ્થાને આવી ગયું…

હૈદરાબાદની 35 રનમાં પાંચ વિકેટ અને પછી ક્લાસેનનો કરિશ્મા જે છેવટે એળે ગયો

હૈદરાબાદઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ અહીં બુધવારે સતત ચોથી મૅચ જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાના સુકાનમાં એમઆઇની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને વન-સાઇડેડ જેવી થઈ ગયેલી મૅચમાં સાત વિકેટથી હરાવી હતી. એ સાથે, મુંબઈની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છઠ્ઠા સ્થાનેથી ત્રણ ક્રમની છલાંગ લગાવીને ત્રીજા નંબર પર આવી ગઈ હતી. આ મૅચ પહેલાં મુંબઈએ ચેન્નઈને, હૈદરાબાદને અને દિલ્હીને પરાજય ચખાડ્યો હતો.

બુધવારે રોહિત શર્મા (70 રન, 46 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) ફરી ઝળક્યો હતો, પરંતુ જીતનો પાયો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટે (4-0-26-4) નાખ્યો હતો. મુંબઈએ 144 રનનો લક્ષ્યાંક 15.4 ઓવરમાં 146/3ના સ્કોર સાથે મેળવી લીધો હતો. વિલ જૅક્સે બાવીસ રન કર્યા હતા અને સૂર્યકુમાર યાદવ 40 રન કરીને અણનમ રહ્યો હતો. તેણે 19 બૉલની ઇનિંગ્સમાં બે છગ્ગા અને પાંચ ચોક્કા ફટકાર્યા હતા. તિલક વર્મા બે રન કરીને અણનમ રહ્યો હતો.

એ પહેલાં, હૈદરાબાદે શરૂઆતથી જ મોટો ધબડકો જોયો હતો. એક તબક્કે 13 રનમાં એની ચાર વિકેટ પડી હતી અને પાંચમી વિકેટ વખતે સ્કોર 35 રન હતો. ટ્રૅવિસ હેડ (0), અભિષેક શર્મા (8), ઇશાન કિશન (1) અને નીતીશ રેડ્ડી (બે રન) સહિત આખો ટૉપ-ઑર્ડર પાંચમી ઓવરના પ્રથમ બૉલ સુધીમાં સાફ થઈ ગયો હતો. જોકે હિન્રિક ક્લાસેન (71 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર) સુપર ઇનિંગ્સ રમ્યો હતો.

તે પાંચમા ક્રમે બૅટિંગમાં આવ્યો હતો અને અભિનવ મનોહર (43 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર) સાથે તેણે છઠ્ઠી વિકેટ માટે 99 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન કર્યા હતા. ક્લાસેન 19મી ઓવરમાં જસપ્રીત બુમરાહના બૉલમાં તિલક વર્માના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછીની જ ઓવરમાં અભિનવ પોતાના 43 રનના સ્કોર પર ટ્રેન્ટ બૉલ્ટના બૉલમાં હિટવિકેટમાં વિકેટ ગુમાવી બેઠો હતો. મુંબઈના બોલર્સમાંથી ટ્રેન્ટ બૉલ્ટે (TRENT BOULT) સૌથી વધુ ચાર વિકેટ તેમ જ દીપક ચાહરે બે અને બુમરાહ-હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી.


ગુરુવારે કઈ મૅચ?

આરસીબી વિરુદ્ધ રાજસ્થાન
બેંગલૂરુ, સાંજે 7.30

Back to top button