
લખનઊઃ અહીં આઈપીએલ (IPL 2025)માં આજે પંજાબ કિંગ્સ (PBKS)એ યજમાન ટીમ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને બાવીસ બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી આસાનીથી હરાવી દીધી હતી. લખનઊએ ટૉપ-ઑર્ડરની નિષ્ફળતા વચ્ચે બે સાધારણ ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા બાદ પંજાબને ટોચના બૅટ્સમેને જ જિતાડ્યા હતા. પંજાબે 16.2 ઓવરમાં બે વિકેટે 177 રન બનાવ્યા હતા. બન્ને મૅચ જીતનાર પંજાબની ટીમ પૉઇન્ટ્સમાં બેંગલૂરુ પછી બીજા નંબરે છે.
ઓપનર પ્રભસિમરન સિંહ (69 રન, 34 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) અને વનડાઉનમાં આવેલા કૅપ્ટન શ્રેયસ ઐયર (બાવન અણનમ, 30 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ શ્રેયસ અને અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા નેહલ વઢેરા (43 અણનમ, પચીસ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 67 રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી. પંજાબની બન્ને વિકેટ ઉગ્ર સ્વભાવના સ્પિનર દિગ્વેશ રાઠીએ લીધી હતી. લખનઊના શાર્દુલ, બિશ્નોઈ અને આવેશ ખાન સહિત બીજા પાંચ બોલરને વિકેટ નહોતી મળી.
એ પહેલાં, લખનઊને પંજાબના બોલર્સે કાબૂમાં રાખ્યા હતા. નિકોલસ પૂરને (44 રન, 30 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને આયુષ બદોની (41 રન, 33 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) વચ્ચેની ચોથી વિકેટ માટે 54 રનની ભાગીદારી જો ન થઈ હોત તો લખનઊના 100 રન પણ મુશ્કેલીથી બન્યા હોત.
લખનઊમાં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર ફાસ્ટ બોલર્સને બહુ સારા બાઉન્સ મળતા હતા અને એની મદદથી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 43 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. લૉકી ફર્ગ્યુસન, ગ્લેન મૅક્સવેલ, માર્કો યેનસેને તેમ જ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 206 વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ લીધી હતી.
27 કરોડ રૂપિયાના સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલા રિષભ પંતની લખનઊની ટીમને અંકુશમાં રાખવામાં પંજાબની ટીમના કૅપ્ટન અને 26.75 કરોડ રૂપિયાના બીજા નંબરના સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલા શ્રેયસ ઐયરે ફીલ્ડિંગની ગોઠવણમાં તેમ જ બોલિંગમાં જે ફેરફાર કર્યા એનું પણ મહત્ત્વનું યોગદાન હતું. પંત-શ્રેયસ વચ્ચેની હરીફાઈમાં શ્રેયસ મેદાન મારી ગયો.
રિષભ પંત (બે રન) ફરી એક વાર બૅટિંગમાં ફ્લૉપ ગયો હતો. મૅક્સવેલના બૉલને તે સ્ક્વેરના સ્થાનની પાછળ ભાગમાં મોકલવા ગયો ત્યાં તો શૉર્ટ ફાઇન લેગ પર ઊભેલા યુઝવેન્દ્ર ચહલે તેનો કૅચ ઝીલી લીધો હતો. ઓપનર એઇડન માર્કરમે 28 રન બનાવ્યા હતા. એ પહેલાં મિચલ માર્શ (0) તેના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. ડેવિડ મિલરે 19 રન બનાવ્યા હતા, જ્યારે અબ્દુલ સામદે (27 રન, 12 બૉલ, બે સિક્સર, બે ફોર) લખનઊના સ્કોરને થોડો સન્માનજનક સ્થિતિમાં લાવી દીધો હતો. શાર્દુલ ત્રણ રને અણનમ રહ્યો હતો.
આપણ વાંચો : IPL 2025: મુંબઈની જીત સાથે પોઈન્ટ્સ ટેબલમાં થયો ઉલટફેર, જાણો કોણ છે ટોચ પર…