માર્શ-માર્કરમના મૅજિક શૉ પછી હાર્દિકનો પાંચ વિકેટનો પરચો…

લખનઊઃ આઇપીએલ (IPL 2025)માં શરૂઆતની ઘણી મૅચો લો-સ્કોરિંગ રહ્યા બાદ હવે ધીમે-ધીમે હાઈ-સ્કોરિંગ થઈ રહી છે અને એમાંના એક મુકાબલામાં આજે અહીં યજમાન લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 ઓવરમાં આઠ વિકેટે 203 રન બનાવ્યા હતા. એક તરફ લખનઊ માટે બન્ને ઓપનર મિચલ માર્શ (60 રન, 31 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને એઇડન માર્કરમ (53 રન, 38 બૉલ, ચાર સિક્સર, બે ફોર) આધારસ્તંભ બની ગયા ત્યાં બીજી બાજુ એમઆઇ વતી કૅપ્ટન હાર્દિક પંડ્યા (4-0-36-5)એ તરખાટ મચાવ્યો હતો.
હાર્દિકે (HARDIK Pandya) હરીફ સુકાની રિષભ પંત (બે રન) ઉપરાંત એઇડન માર્કરમ તેમ જ હાર્ડ-હિટર નિકોલસ પૂરન (12 રન), ડેવિડ મિલર (27 રન, 14 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) તેમ જ આકાશ દીપ (0)ની વિકેટ લીધી હતી.
આયુષ બદોની (30 રન, 19 બૉલ, ચાર ફોર)ની વિકેટ 31મી માર્ચના કેકેઆર સામેના મૅચ-વિનિંગ પેસ બોલર અશ્વની કુમારે લીધી હતી.
લખનઊનો બીજો આશાસ્પદ બૅટ્સમૅન અબ્દુલ સામદ ફક્ત ચાર રન બનાવીને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટના બૉલમાં આઉટ થઈ ગયો હતો.
લખનઊએ બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત કરી હતી. મિચલ માર્શ અને માર્કરમ વચ્ચે પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ હતી. માર્શની મહત્ત્વપૂર્ણ વિકેટ યુવાન સ્પિનર વિજ્ઞેશ પુથુરે લીધી હતી. પુથુરે પોતાના જ બૉલમાં માર્શનો કૅચ ઝીલી લીધો હતો.
આપણ વાંચો : યશસ્વીએ ડ્રેસિંગ રૂમમાં રહાણેની કિટબૅગને લાત મારી હતી: અહેવાલ