IPL 2025

હાર્દિકે વિક્રમ પછીની હાર બદલ જવાબદારી સ્વીકારી છતાં કેમ તેની ટીકા થઈ?

લખનઊ: હાર્દિક પંડ્યા (Hardik Pandya) માટે ગઈ કાલનો દિવસ તેની કરીઅરમાં સુવર્ણ અક્ષરે લખાયો હોત, પરંતુ એ માટે તે પોતે જ જવાબદાર છે. હાર્દિકે બોલિંગમાં વિક્રમજનક પર્ફોર્મ કર્યું હતું, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની આ મૅચની અંતિમ પળોમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)ને તે જીતાડી નહોતો શક્યો અને પરાજયની જવાબદારી ખુદ તેણે સ્વીકારી લીધી હતી. હાર્દિકે કરેલી કેટલીક ભૂલ બદલ સોશિયલ મીડિયામાં તેની ટીકા થઈ રહી છે.

હાર્દિકનો વિક્રમ, સૂર્યાની આતશબાજી, બંને પાણીમાં

BCCI

હાર્દિક પંડ્યા પાંચ વિકેટ લેનાર આઈપીએલ (IPL)નો પ્રથમ કેપ્ટન બન્યો હતો, પણ સૂર્યકુમાર યાદવ (67 રન, 43 બૉલ, એક સિક્સર, નવ ફોર)ની વિકેટ પડ્યા પછી ખુદ તે (હાર્દિક) બૅટિંગમાં આવ્યો હતો. હાર્દિકે ૧૬ બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી અણનમ 28 રન બનાવ્યા હતા પરંતુ, છેલ્લી ઓવરમાં તેણે ભૂલ કરી હતી. આવેશ ખાનની 20મી ઓવરમાં એમઆઈએ જીતવા 22 રન કરવાના હતા. હાર્દિકે તેના પ્રથમ બૉલમાં સિક્સર ફટકારી હતી અને બીજા બૉલમાં તેણે બે રન લીધા હતા. જોકે ત્રીજા બૉલમાં હાર્દિકે સિંગલ દોડવાનું ટાળ્યું હતું. સામા છેડે મિચલ સેન્ટનર રન દોડવા તૈયાર હતો છતાં હાર્દિકે એ રન દોડવાને બદલે પોતે જ બાકીના ત્રણ બૉલમાં મૅચ ફિનિશ કરવાની જવાબદારી લીધી હતી. ત્યારે એમઆઈએ ત્રણ બૉલમાં જીતવા 14 રન કરવાના બાકી હતા.

આવેશના ચોથા બૉલમાં એમઆઈની હાર નક્કી થઈ ગઈ

આવેશના ચોથા બૉલમાં તે સ્કોરિંગ શૉટ નહોતો મારી શક્યો. એ ડૉટ બૉલને કારણે એમઆઈનો પરાજય ત્યાં જ નિશ્ચિત થઈ ગયો હતો. હાર્દિકે પાંચમા બૉલમાં દોડીને એક રન લીધો હતો પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. છઠ્ઠા બૉલમાં સેન્ટનર સ્ટ્રાઈક પર હતો અને એ ડૉટ બૉલ બન્યો હતો. એ સાથે, લખનઉનો 12 રનથી વિજય થયો હતો અને એમઆઈના નામે આ વખતે ચાર મૅચમાં ત્રીજી હાર લખાઈ હતી. એલએસજીએ આઠ વિકેટે 203 રન બનાવ્યા પછી એમઆઈની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટે 191 રન બનાવી શકી હતી. હાર્દિકે મૅચ પછી કહ્યું હતું કે ‘અમે ટીમ તરીકે જ જીતતા હોઈએ છીએ અને હારીએ ત્યારે પણ એ ટીમની જ હાર કહેવાય છે. જોકે આ પરાજય માટે હું જવાબદારી સ્વીકારું છું.’

તિલક રિટાયર-આઉટ થનાર ચોથો ખેલાડી

હાર્દિકે શાર્દુલ ઠાકુરની 19મી ઓવરના પાંચમાં બૉલને અંતે સાથી બેટ્સમૅન તિલક વર્મા (23 બૉલમાં 25 રન)ને રિટાયર-આઉટ કરી દીધો હતો. તિલક આઈપીએલમાં રિટાયર-આઉટ થનાર (અશ્વિન, અથર્વ ટેઇડ, સાઈ સુદર્શન પછીનો) ચોથો ખેલાડી બન્યો હતો. હાર્દિકે તિલકને રિટાયર-આઉટ કરીને મિચલ સેન્ટનરને બૅટિંગમાં બોલાવ્યો હતો. મીડિયામાં હાર્દિક માટે એવું કહેવાય રહ્યું છે કે તેણે પોતે જ મૅચ ફિનિશ કરવાનું નક્કી કર્યું હતું તો પછી સારું રમી રહેલા તિલકને તેણે 19મી ઓવરમાં રિટાયર-આઉટ કર્યો જ શું કામ? કેમ તેણે નવા સાથી બૅટ્સમૅન સેન્ટનરને સ્ટ્રાઇક પર ન આવવા દીધો?’ ટૂંકમાં, હાર્દિકે 20મી ઓવરના ત્રીજા બૉલમાં સિંગલ દોડવાનું ટાળીને સેન્ટનરને સ્ટ્રાઈક પર ન આવવા દીધો એ બદલ તેની ટીકા થઈ રહી છે.

શાર્દુલની 19મી ઓવર નિર્ણાયક બની

એમઆઈએ છેલ્લી બે ઓવરમાં જીતવા 29 રન બનાવવાના હતા. કેપ્ટન રિષભ પંતે 19મી ઓવરની જવાબદારી શાર્દુલ ઠાકુરને સોંપી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા શાર્દુલની એ 19મી ઓવરમાં માત્ર સાત રન બન્યા હતા અને મુંબઈ ઇન્ડિયન્સનો પરાજય ત્યાં જ નક્કી થઈ ગયો હતો.

આપણ વાંચો: મુંબઈના ખેલાડીઓ લખનઊ સામેના મુકાબલા પહેલા અયોધ્યાના રામ મંદિરમાં આશીર્વાદ લેવા ગયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button