દિલ્હીએ ફીલ્ડિંગ પસંદ કરી, લખનઊની પ્રથમ બૅટિંગ…
અક્ષરની ટીમમાં એક ફેરફાર: જાણી લો, કોને રમવાનો મોકો મળ્યો?

લખનઊઃ દિલ્હી કૅપિટલ્સ (DC)ના સુકાની અક્ષર પટેલે અહીં આજે આઈપીએલ (IPL-2025)ની 40મી મૅચમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. પરિણામે, લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) પ્રથમ બૅટિંગ કરશે. દિલ્હીએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. મોહિત શર્માના સ્થાને શ્રીલંકાના દુષ્મન્થા ચમીરાને ઇલેવનમાં સમાવવામાં આવ્યો છે. 33 વર્ષનો રાઇટ-આર્મ ફાસ્ટ બોલર ચમીરા શ્રીલંકા વતી આંતરરાષ્ટ્રીય ટી-20માં પંચાવન મૅચમાં પંચાવન વિકેટ લઈ ચૂક્યો છે. એ ઉપરાંત તેણે ટેસ્ટ અને વન-ડેમાં કુલ 88 વિકેટ પણ લીધી છે.
લખનઊની ટીમમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
24મી માર્ચની મૅચમાં લખનઊ (209/8) સામે દિલ્હી (19.3 ઓવરમાં 211/9)એ છેલ્લી ઓવરમાં એક વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. લખનઊની ટીમ એ હારનો બદલો લેવા તત્પર હશે એમાં જરાય શંકા નથી. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલ હવે દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ની ટીમમાં છે અને 24મી માર્ચે વિશાખાપટનમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામે રમાયેલી સીઝનની પ્રથમ મૅચના અરસામાં પત્ની આથિયા શેટ્ટી પ્રથમ બાળકને જન્મ આપવાની હોવાથી એ મૅચમાં નહોતો રમ્યો. જોકે હવે આજે જોવાજેવી થશે. લખનઊની ટીમના ડગઆઉટમાં રાહુલના `એક્સ બૉસ’ સંજીવ ગોયેન્કા બેઠા હશે અને પ્રાર્થના કરશે કે લખનઊની ટીમ કોઈ પણ ભોગે દિલ્હી સામે જીતી જાય. જોકે રાહુલ લખનઊને હરાવવા કોઈ કસર નહીં છોડે.
લખનઊ છેલ્લી સાતમાંથી પાંચ મૅચ જીતી છે, પણ એમાંથી ચાર જીત ભારે રસાકસી વચ્ચેની તંગ પરિસ્થિતિમાં મળી છે. હવે આજે લખનઊએ ઘરઆંગણે દિલ્હીને હરાવીને 24મી માર્ચની હારનું સાટું વાળવાનું છે અને દિલ્હીને હરાવીને તેનું બીજું સ્થાન લેવાનું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી આ વખતે ચાર ઓપનિંગ જોડી અજમાવી ચૂકી છે જે આ વખતની 10 ટીમમાં વિક્રમ છે.
લખનઊના લેગબ્રેક-સ્પેશિયાલિસ્ટ દિગ્વેશ રાઠી અને દિલ્હીના લેગબ્રેક-સ્પેશિયાલિસ્ટ વિપ્રાજ નિગમ એવા બે ભારતીય યુવા ખેલાડી છે જેઓ આ વખતની આઇપીએલમાં ઝળક્યા છે. નંબરની રીતે જોઈએ તો બન્ને વચ્ચે ખાસ કંઈ ફરક નથી. રાઠીએ 26.44ની સરેરાશે કુલ નવ વિકેટ લીધી છે, જ્યારે નિગમે 27.00ની ઍવરેજે સાત શિકાર કર્યા છે. આજે લખનઊની પિચ સ્પિનર્સને વધુ અનુકૂળ હશે તો રાઠી અને નિગમ, બન્ને અથવા બેમાંથી એક સ્પિનર જરૂર ઝળકશે.