IPL 2025

ધોનીએ લખનઊના બૅટ્સમૅનને અજબ રીતે કર્યો રનઆઉટ, સૌ કોઈને ચોંકાવી દીધા…

માહીએ અવૉર્ડ સ્વીકારતી વખતે જાણો શું કહ્યું...

લખનઊઃ વિકેટકીપિંગના બેતાજ બાદશાહ અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સોમવારે લખનઊમાં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના બૅટ્સમૅન અબ્દુલ સામદને જે રીતે રનઆઉટ કર્યો એ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા અને એમ પણ કહી શકાય કે 20મી ઓવરમાં 158 રનના કુલ સ્કોર પર એ પાંચમી વિકેટ પડી એ મૅચનો ટર્નિંગ પૉઇન્ટ હતો.

લખનઊની ઇનિંગ્સમાં 20મી ઓવર ચેન્નઈના મથીશા પથિરાનાએ કરી હતી. તેના પ્રથમ બૉલ પહેલાં સામદ 20 રન પર રમી રહ્યો હતો અને તેની વિકેટ પહેલાં કુલ સ્કોર ચાર વિકેટે 158 રન હતો. પથિરાનાના બીજા બૉલમાં લેગ સાઇડ પરના વાઇડ બૉલમાં સામદ અને કૅપ્ટન રિષભ પંતે ઝડપથી બાયનો એક રન દોડી લેવાનું નક્કી કરી લીધું. જોકે તેમણે ધોનીની 100 ટકા કાબેલિયતને કદાચ નજરઅંદાજ કરી હશે. ધોની (MS DHONI) ડાબી તરફ દોડ્યો, બૉલ કલેક્ટ કરીને અન્ડર-આર્મ સ્ટાઇલમાં (સ્ટ્રાઇકર્સ એન્ડ પર નહીં, પણ) નૉન-સ્ટ્રાઇક એન્ડ પરના સ્ટમ્પ્સને ટાર્ગેટ બનાવીને ઊંચો ફેંક્યો. બૉલ ક્રીઝમાં પહોંચવા સંઘર્ષ કરી રહેલા સામદ (SAMAD)ના માથા પરથી થઈને સીધો સ્ટમ્પ્સમાં ગયો હતો અને સામદ રનઆઉટ (RUNOUT) થઈ ગયો હતો.

આ રનઆઉટને ક્રિકેટમાં અને ખાસ કરીને આઇપીએલમાં થયેલો સૌથી અનોખો રનઆઉટ ગણી શકાય.
એ પછીના જ બૉલમાં ધોનીએ રિષભ પંતનો કૅચ ઝીલ્યો હતો અને અંતિમ બૉલમાં પથિરાનાએ શાર્દુલ ઠાકુરને નવા ખેલાડી શેખ રાશીદના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

લખનઊએ સાત વિકેટે 166 રન કર્યા પછી ચેન્નઈએ રચિન રવીન્દ્રના 37 રન તેમ જ શિવમ દુબેના અણનમ 43 રન તેમ જ ખુદ ધોનીના અણનમ 26 રનની મદદથી 19.3 ઓવરમાં પાંચ વિકેટે 168 રન બનાવીને પાંચ વિકેટે મૅચ જીતી લીધી હતી.
ધોનીએ 11 બૉલમાં એક સિક્સર તથા ચાર ફોરની મદદથી અણનમ 26 રન બનાવ્યા હતા. તેણે એ એકમાત્ર અને વર્તમાન આઇપીએલની આઠમી સિક્સર એક હાથે અદ્ ભુત સ્ટાઇલમાં ફટકારી હતી.

ઉથપ્પા કહે છે, ધોનીનો થ્રો ફ્લૂકમાં હતો
ધોનીએ સોમવારે લખનઊના અબ્દુલ સામદને જે અદ્ભુત રીતે રનઆઉટ કર્યો એની ચોમેર પ્રશંસા થઈ રહી છે ત્યારે ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન રૉબિન ઉથપ્પાનું એવું માનવું છે કે `ધોનીનો આ થ્રો મારી દૃષ્ટિએ તુક્કા (ફ્લૂક) હતો. તેણે આટલા લાંબા અંતરેથી બૉલ ફેંક્યો અને એ સીધો સામા છેડાના સ્ટમ્પ્સમાં ગયો એ સફળ થ્રો મારી દૃષ્ટિએ ફ્લૂક કહી શકાય. હું પોતે વિકેટકીપિંગ કરી ચૂક્યો છું. હું જાણું છું ધોનીનો એ તુક્કા જ હતો.’

મને શું કામ અવૉર્ડ આપો છો?: ધોની
ચેન્નઈએ સાતમાંથી માત્ર બીજો વિજય સોમવારે મેળવ્યો. કૅપ્ટન ધોનીએ 2019ની સાલ પછી પહેલી વાર (છ વર્ષે) આઇપીએલમાં મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. જોકે તેણે આ અવૉર્ડ સ્વીકારતી વખતે કહ્યું હતું કે તેને બદલે બીજા કોઈને આ પુરસ્કાર આપી શકાયો હોત. તેણે કહ્યું, `મને વિચાર થાય છે કે મને શા માટે આ અવૉર્ડ આપવામાં આવ્યો? હું તો કહું છું કે નૂર મોહમ્મદે (4-0-13-0) ઘણી સારી બોલિંગ કરી હતી. તેણે જડ્ડુ (રવીન્દ્ર જાડેજા)એ પણ બોલિંગમાં ઘણું સારું પર્ફોર્મ (3-0-24-2) કર્યું હતું. તેમની બોલિંગે જ અમારી જીતનો માર્ગ મોકળો બનાવ્યો હતો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button